Baroda

વડોદરા પાલિકાના ફાયર વિભાગમાં 157 જગ્યા ખાલી, હવે 150 કર્મચારી કોન્ટ્રાક્ટ પર લેવાશે!

By GS Team
14 Oct 20262 mins read
TukuTouch Logo
વડોદરા ફાયર બ્રિગેડમાં 160 જગ્યાઓ સામે 157 ખાલી હોવાથી કર્મચારીઓની ભારે અછત છે. આગ અને આપત્તિ સમયે લોકોની સુરક્ષા માટે મહત્ત્વનો આ વિભાગ હવે કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓના સહારે ચાલશે. કોર્પોરેશન દ્વારા 150થી વધુ ડ્રાઈવર સહિતના કર્મચારીઓ આઉટસોર્સિંગથી મેળવવા રૂ. 3,70,07,368નો ટેન્ડર પ્રસ્તાવ સ્થાયી સમિતિ સમક્ષ મુકાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા પાલિકાના ફાયર વિભાગમાં 157 જગ્યા ખાલી, હવે 150 કર્મચારી કોન્ટ્રાક્ટ પર લેવાશે!

Vadodara Fire Brigade : વડોદરા શહેરમાં આગ કે અન્ય આપત્તિ સમયે લોકોની સુરક્ષા માટે મહત્વના મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં કર્મચારીઓની ભારે અછત છે. વિભાગમાં મંજૂર 160 જગ્યાઓમાંથી 157 જગ્યાઓ ખાલી છે. આવી સ્થિતિમાં હવે 150 કે તેથી વધુ કર્મચારીઓ આઉટસોર્સિંગથી મેળવવા માટેની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. ફાયર વિભાગમાં કાયમી મહેકમની મોટાભાગની જગ્યાઓ ખાલી હોવાને કારણે જનતાની સુરક્ષાની જવાબદારી સંભાળતો મહત્વનો વિભાગ કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓના સહારે ચલાવવાની સ્થિતિ ઊભી થઈ છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં ફાયર ડ્રાઇવરની મંજૂર 144 જગ્યાઓ સામે 141 જગ્યાઓ ખાલી છે. જ્યારે એમ્બ્યુલન્સ ડ્રાઇવરની મંજૂર 16 જગ્યાઓમાંથી તમામ 16 જગ્યાઓ ખાલી છે. આમ, બંને પ્રકારના ડ્રાઇવરની કુલ 160 જગ્યાઓમાંથી માત્ર ત્રણ જગ્યાઓ ભરેલી છે. આ આંકડા ફાયર વિભાગમાં કર્મચારીઓની અછતની ગંભીર સ્થિતિ દર્શાવે છે. કર્મચારીઓની જરૂરિયાત પૂરી કરવા માટે 120 ડ્રાઇવર, 20 કચેરીના કર્મચારી અને 10 સફાઈ કર્મચારી મળી કુલ 150 કર્મચારીઓ અથવા જરૂરિયાત મુજબ વધુ માનવબળ વાર્ષિક ઇજારા હેઠળ આઉટસોર્સિંગથી મેળવવાનું આયોજન છે. આ માટે લઘુત્તમ વેતનના ધોરણે રૂ. 3,70,74,236ના અંદાજ સાથે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
ટેન્ડર પ્રક્રિયામાં નવ ઇજારદારોએ ભાગ લીધો હતો, જેમાંથી પાંચ ઇજારદારો યોગ્ય ઠર્યા હતા. તેમાંથી સૌથી ઓછો ભાવ ભરનાર ઇજારદાર તરીકે કેર ઇન્ડિયા કોન્સેપ્ટનું ભાવપત્રક સામે આવ્યું છે. આ કંપનીએ અંદાજિત રકમ કરતાં 0.18 ટકા ઓછા એટલે કે રૂ. 3,70,07,368નો ભાવ રજૂ કર્યો છે. આ ભાવપત્રક મંજૂરી માટે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે.
શહેરમાં આગ, અકસ્માત અને અન્ય કટોકટીની સ્થિતિમાં ફાયર વિભાગની કામગીરી અત્યંત મહત્ત્વની હોય છે. તેમ છતાં, ડ્રાઇવરોની મોટાભાગની જગ્યાઓ ખાલી હોવાને કારણે હવે આઉટસોર્સિંગથી કર્મચારીઓ મેળવવાની વ્યવસ્થા પર આધાર રાખવો પડી રહ્યો છે. કાયમી મહેકમની જગ્યાઓ ખાલી રહેવા પાછળનાં કારણો અને લાંબા ગાળે કર્મચારીઓની અછત દૂર કરવા માટે શું આયોજન છે તેવા સવાલો પણ ઊભા થાય છે.