Banaskantha

બનાસકાંઠા જિલ્લા પંચાયતોમાં ગ્રાન્ટ વપરાશમાં ગંભીર બેદરકારી, 3 વર્ષમાં ખેડૂતો માટે ફાળવેલા 15.10 કરોડ ન વપરાતા સરકારમાં પરત

By GS Team
25 Oct 20263 mins read
TukuTouch Logo
બનાસકાંઠા જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખામાં 2023-24 થી 2025-26 દરમિયાન ખેડૂતો માટે ફાળવેલી 15.10 કરોડથી વધુની ગ્રાન્ટ વણવપરાયેલી રહી હતી. સતત ત્રણ વર્ષ સુધી કરોડો રૂપિયાની બચત રહેતા ખેડૂતોલક્ષી યોજનાઓના અમલીકરણ અને ગ્રાન્ટના સમયસર ઉપયોગ અંગે ગંભીર સવાલો ઉભા થયા છે. આ બેદરકારીથી ખેડૂતોને મળવાપાત્ર સહાયથી વંચિત રહેવાનો વારો આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બનાસકાંઠા જિલ્લા પંચાયતોમાં ગ્રાન્ટ વપરાશમાં ગંભીર બેદરકારી, 3 વર્ષમાં ખેડૂતો માટે ફાળવેલા 15.10 કરોડ ન વપરાતા સરકારમાં પરત

Banaskantha News: બનાસકાંઠા જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખામાં ખેડૂતો માટે ફાળવવામાં આવતી કરોડો રૂપિયાની ગ્રાન્ટ વપરાયા વિના પરત જતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. જિલ્લા પંચાયતના સત્તાવાર આંકડા મુજબ, વર્ષ 2023-24થી 2025-26 દરમિયાન કુલ 15,10,51,522 રૂપિયાની ગ્રાન્ટ વણવપરાયેલી રહી હતી. સતત ત્રણ વર્ષ સુધી કરોડો રૂપિયાની બચત રહેતાં ખેડૂતોલક્ષી યોજનાઓના અમલીકરણ, લાભાર્થીઓની પસંદગી અને ગ્રાન્ટના સમયસર ઉપયોગ અંગે સવાલો ઊભા થયા છે.

જિલ્લા પંચાયતની ગ્રાન્ટ વપરાશમાં ગંભીર બેદરકારીનો ઘટસ્ફોટ

ખેતીવાડી શાખાની ગ્રાન્ટના ઉપયોગ અંગેની વિગતોનો ખુલાસો થયો છે. જેમાં છેલ્લા ત્રણ નાણાકીય વર્ષ દરમિયાન કુલ 15.10 કરોડ રૂપિયાથી વધુની ગ્રાન્ટ વપરાયા વિના રહી હતી. ખેડૂતોને ખેતીનાં સાધનો, પાકના સંગ્રહ, ખેતરોના રક્ષણ અને આધુનિક ટેકનોલોજી માટે સહાય મળી રહે તે હેતુથી વિવિધ યોજનાઓ હેઠળ નાણાં ફાળવવામાં આવે છે. પરંતુ ફાળવાયેલી રકમનો સંપૂર્ણ ઉપયોગ ના થતાં સરકારી તિજોરીમાં પરત કરવાની સ્થિતિ ઊભી થઈ હતી.

વર્ષ 2023-24માં ખેતીવાડી શાખાની વિવિધ યોજનાઓ હેઠળ 2,79,47,566 રૂપિયાની રકમ વણવપરાયેલી રહી હતી. આ વર્ષે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના હેઠળ જ 1.32 કરોડ રૂપિયાની રકમ ડીડીઓ અમદાવાદ અને ગાંધીનગર ખાતે મોકલવામાં આવી હતી. વર્ષ 2024-25માં વણવપરાયેલી ગ્રાન્ટનો આંકડો વધીને 6,02,98,083 રૂપિયા થયો હતો. આ વર્ષે ડ્રોન ટેકનોલોજી સહાય યોજના હેઠળ ફાળવાયેલા 1.40 કરોડ રૂપિયામાંથી માત્ર 28.62 લાખ રૂપિયાનો ઉપયોગ થયો હતો, જ્યારે અંદાજે 1.23 કરોડ રૂપિયાની રકમ વપરાયા વિના રહી હતી. ન્યુ ગુજરાત પેટર્ન હેઠળ પણ 1.30 કરોડ રૂપિયાથી વધુની ગ્રાન્ટનો ઉપયોગ થઈ શક્યો નહોતો. તાર ફેન્સિંગ યોજના હેઠળ 83.97 લાખ રૂપિયાની રકમ પણ વણવપરાયેલી રહી હતી.

વર્ષ 2025-26માં સ્થિતિમાં સુધારો થવાને બદલે વણવપરાયેલી ગ્રાન્ટનો આંકડો વધીને 6,28,05,873 રૂપિયા થયો હતો. તેમાં ન્યુ ગુજરાત પેટર્ન હેઠળ 2.12 કરોડ રૂપિયાથી વધુ અને તાર ફેન્સિંગ યોજના હેઠળ અંદાજે 1.45 કરોડ રૂપિયાની રકમનો સમાવેશ થાય છે. વનબંધુ કૃષિ યાંત્રિકીકરણ યોજના હેઠળ 30.88 લાખ રૂપિયાની ગ્રાન્ટ પરત કરવાની કાર્યવાહી પણ દર્શાવામાં આવી હતી.

ન્યુ ગુજરાત પેટર્નમાં ત્રણ વર્ષમાં રૂ.3.59 કરોડથી વધુની ગ્રાન્ટ ન વપરાઈ

•વર્ષ 2023-24માં 93% અને 96% પેટર્ન હેઠળ કુલ 16.45 લાખ રૂપિયા પરત.

•વર્ષ 2024-25માં 96% પેટર્ન હેઠળ 1.30 કરોડ રૂપિયાથી વધુની રકમ વણવપરાયેલી.

•વર્ષ 2025-26માં 96% પેટર્ન હેઠળ 2.12 કરોડ રૂપિયાથી વધુની ગ્રાન્ટ વપરાયા વિના રહી.

ડ્રોન સહાયમાં 1.23 કરોડ રૂપિયાનો ઉપયોગ ન થયો

વર્ષ 2024-25માં ડ્રોન ટેકનોલોજી સહાય યોજના હેઠળ 1.40 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાઈ હતી. તેમાંથી માત્ર 28.62 લાખ રૂપિયાનો ઉપયોગ થયો હતો. બાકીની અંદાજે 1.23 કરોડ રૂપિયાની રકમ વણવપરાયેલી રહી હતી. બીજી તરફ, વર્ષ 2025-26માં વનબંધુ કૃષિ યાંત્રિકીકરણ યોજના હેઠળ 40 લાખ રૂપિયામાંથી 30.88 લાખ રૂપિયા પરત કરવાની કાર્યવાહી દર્શાવાઈ હતી.

ખેડૂતોના પાક સંગ્રહ અને ખેતર રક્ષણ માટેની ગ્રાન્ટનો ઉપયોગ પણ અધૂરો

•પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના, 2023-24માં 1.32 કરોડ રૂપિયા પરત મોકલાયા.

•પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના, 2024-25 યોજના-2, 3 અને 4 હેઠળ 55 લાખ રૂપિયાથી વધુની રકમ વણવપરાયેલી.

•તાર ફેન્સિંગ યોજના, 2024-25માં 83.97 લાખ રૂપિયા વણવપરાયેલા.

•તાર ફેન્સિંગ યોજના, 2025-26માં અંદાજે 1.45 કરોડ રૂપિયા વણવપરાયેલા.