Gujarat

પાલનપુરમાં વિરબાઈ ગેટથી સમતા સ્કુલ સુધીનો રોડ ખખડધજ

By GS Team
23 Feb 20222 mins read
This article was originally published on 23 Feb 2022
પાલનપુરમાં વિરબાઈ ગેટથી સમતા સ્કુલ સુધીનો રોડ ખખડધજ

પાલનપુર તા.23

પાલનપુર શહેરમાં માથાના દુખાવા સમાન બિસ્માર રોડ રસ્તાઓની સમસ્યાનું નિરાકરણ લાવવામાં ન આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠયો છે. જેમાં સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીને સાંકળતા પાલનપુરના વિરબાઈ ગેટથી જનતા નગર અને સમતા સ્કૂલ સુધીનો મુખ્ય માર્ગે છેલ્લા સમયથી ખખડધજ હાલતમાં હોઈ આ માર્ગે પસાર થતા વાહનો અને લોકોને ભારે હાલકીનો સામનો કરવો પડી રહ્યો છે.

પાલનપુરમાં ભૂગર્ભ ગટરની પાઇપ લાઈન નાખવાની કામગીરીમાં કોટ અંદરના વિસ્તારમાં આડેધડ ખોદકામ કરવામાં આવતા મોટાભાગના રોડ રસ્તા બિસ્માર બન્યા છે. જેમાં પાલનપુરથી અંબાજી જવાના મુખ્ય માર્ગ ઉપર વિરબાઈ ગેટથી મીરાગેટ, સોનપતી હનુમાન મંદિરથી સમતા સ્કૂલ સુધીના માર્ગ પર છ માસ અગાઉ ભૂગર્ભ ગટર માટે ખોદકામ કર્યા બાદ ઉબડ ખાબડ બનેલા આ ખખડધજ રોડનું સમાર કામ કરવામાં ન આવતા આ માર્ગે પસાર થતા વાહન ચાલકોમાં સતત અકસ્માત સર્જાવાની ભીતી સેવાઈ રહી છે.આ મુખ્ય માર્ગ પર ઠેરઠેર મસ મોટા ખાડા પડી ગયા હોય વાહન ચાલકો અને લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેમ છતાં જવાબદાર તંત્ર દ્રારા આ બિસ્માર માર્ગનું સમારકામ હાથ ધરવામાં ન આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠયો છે.

વાહનો સોસાયટીઓમાંથી પસાર કરવા ચાલકો મજબુર બન્યા

મીરાગેટથી સમતા સ્કૂલ સુધીનો મુખ્ય માર્ગ સાવ બિસ્માર બન્યો હોઈ દાંતા અંબાજી તરફથી આવતાં અને પાલનપુર તરફથી જતા વાહનો સોનબાગ સોસાયટીમાંથી પસાર થવા લાગતા સ્થાનિકોમાં અકસ્માત સર્જાવા ની દહેશત વર્તાઈ રહી હોય આ માર્ગનું સત્વરે સમાર કામ કરવાની સ્થાનિકોમાં માંગ ઉઠી છે.