Gujarat

માત્ર દોઢ વિઘા જમીન માટે પુત્રએ પિતાની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ

By GS Team
3 Mar 20222 mins read
This article was originally published on 3 Mar 2022
માત્ર દોઢ વિઘા જમીન માટે પુત્રએ પિતાની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ

પાલનપુર,તા.3

પાલનપુર તાલુકાના ફતેપુર ગામે બે દિવસ અગાઉ રાત્રે નિંદર માણી રહેલા એક વૃદ્ધની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી જેમાં પોલીસે સઘન તપાસ હાથ ધરીને હત્યાનો ભેદ ઉકેલી દીધો છે. જેમાં જમીન માટે સગા પુત્રે જ નિંદર માણી રહેલા પિતાની હત્યા કરી હોવાનો ઘટસ્પોટ થતા પોલીસે પિતાના હત્યારા પુત્રની અટકાયત કરી છે.

પાલનપુર તાલુકાના ફતેપુર ગામના ૬૫ વર્ષીય વૃદ્ધ સેધાભાઈ ભીખાભાઇ પ્રજાપતિ મંગળવાર ની રાત્રે પોતાના ખેતરમાં મોટાપુત્રના ઢાળીયામાં નિંદર માણી રહ્યા હતા. દરમ્યાન કોઈ અજાણ્યા ઇસમે આ વૃદ્ધના માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોત નિપજાવ્યું હતું. જોકે વહેલી સવારે વૃદ્ધ ની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા મૃતકના નાના પુત્ર દિનેશ પ્રજાપતિએ પાલનપુર તાલુકા પોલીસ મથકે અજાણ્યા ઇસમ  વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરાયો હતો. જોકે તાલુકા પોલીસે વૃદ્ધની હત્યાનું પગેરું શોધવા સઘન તપાસ હાથ ધરી હતી જેમાં શંકાના આધારે મૃતકના પુત્ર દિનેશની સઘન પૂછતાછ કરવામાં આવતા તે ભાગી પડયો હતો અને જમીન મામલે કુહાડીના ઘા મારી પોતાના પિતાની હત્યા કરી હોવાની કબૂલાત કરતા પોલીસ પિતાના હત્યારા પુત્રની અટકાયત કરવામાં આવી હતી.

દેવું થઈ જતા પિતાની જમીન પર દાનત બગાડી

સુરતમાં હીરા ઘસતા ફતેપુરના દિનેશ પ્રજાપતિને દેવું થઈ જતા ગામા આવેલી પિતાની જમીન પર દાનત બગડતા તેને દોઢ વિઘો જમીન પોતાના નામે કરવા પિતા સેધાભાઈને કહેતા પિતાએ જમીન નામે નહિ કરવા જણાવતા દીનેશે  રાત્રે નિંદર માણી રહેલા પિતાનું કાશળ કાઢી નાખ્યું હતું.