Banaskantha

ગુજરાતની ધરાથી પાણી અને વીજળી બચાવવા PM મોદીની લોકોને અપીલ, કહ્યું- હું જીવીશ ત્યાં સુધી તમારી સેવામાં રહીશ

By GS Team
30 Oct 20264 mins read
TukuTouch Logo
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસીય ગુજરાત પ્રવાસે છે. આજે બનાસકાંઠાના ભીલડી ખાતે 14 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ-શિલાન્યાસ કરશે. જેમાં ભારત બોવાઈન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર તથા 2 બાયો-CNG પ્લાન્ટનો સમાવેશ થાય છે. અમદાવાદ મેટ્રો ફેઝ-2એ અને 2બીનો પણ શિલાન્યાસ કરશે. 31મી ઓક્ટોબરે કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતની ધરાથી પાણી અને વીજળી બચાવવા PM મોદીની લોકોને અપીલ, કહ્યું- હું જીવીશ ત્યાં સુધી તમારી સેવામાં રહીશ

PM Narendra Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી (30મી ઓક્ટોબર) બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. જેમાં તેઓ આજે બનાસકાંઠાના ભીલડી ખાતે 14 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનો શિલાન્યાસ-લોકાર્પણ કરશે. જ્યારે 31મી ઓક્ટોબરે કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેવાના છે.

PM MODI GUJARAT VISIT LIVE UPDATES :

જીવીશ ત્યાં સુધી દેશની સેવામાં રહીશ : પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની ધરાથી લોકોને પાણી અને વીજળી બચાવવા અપીલ કરી હતી. આ સાથે તેમણે કહ્યું હતું કે મને દેશની સેવામાં 25 વર્ષ થઈ ગયા છે. હું જીવીશ ત્યાં સુધી ગુજરાતનો ઋણી રહીશ અને તમારી સેવામાં હાજર રહીશ. ઘણા લોકો આજે દેશની મહિલાઓ અને ખેડૂતોને ભ્રમમાં નાખી દેવા માગે છે. દેશ પર સંકટ આવે ત્યારે આવા લોકો ખુશ થાય છે.

ભારત દૂધ ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ ક્રમે : પીએમ મોદી

પશુપાલનને ગ્રામીણ અર્થવ્યવસ્થાનું મહત્ત્વપૂર્ણ અંગ ગણાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે વર્તમાન સરકારે પશુપાલન ક્ષેત્રે વિજ્ઞાન અને ટેકનોલોજીને સફળતાપૂર્વક જોડ્યું છે, જેના પરિણામે આજે ભારત દૂધ ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ ક્રમે છે અને તેનો સીધો લાભ દેશના પશુપાલકોને મળી રહ્યો છે. બનાસકાંઠામાં સ્થપાયેલ BBBRC સેન્ટર રાષ્ટ્રીય ગોકુલ મિશનને વધુ વેગ આપશે અને અહીં IVF ટેકનોલોજી દ્વારા દેશી ગાયોનું શ્રેષ્ઠ સંવર્ધન થવાથી આવનારી પેઢીને ઉત્તમ પશુધન પ્રાપ્ત થશે. આ સાથે જ ગ્રામીણ સ્તરે ગોબરથી બાયોગેસ અને જૈવિક ખાતર તૈયાર કરવા માટેનું મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઊભું કરવામાં આવી રહ્યું છે, જે 'વેસ્ટમાંથી વેલ્થ' (કચરામાંથી સમૃદ્ધિ) ના મંત્રને સાકાર કરી રહ્યું છે.

પીએમ મોદીએ બનાસકાંઠામાં સભા સંબોધી

બનાસકાંઠામાં આયોજિત વિશાળ ખાટલા સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, બનાસકાંઠાના લોકોએ આજે અનોખો વટ પાડી દીધો છે અને દુનિયામાં ક્યારેય આટલી મોટી ખાટલા સભા થઈ નહીં હોય. આ પ્રસંગે હાથમાં પીએમનો ફોટો લઈને ઊભેલી એક દીકરી સાથે સંવાદ કરતા તેમણે હસતાં-હસતાં કહ્યું કે, "બેન, તે મને હરાવી દીધો." વડાપ્રધાને સરકારની ઉપલબ્ધિઓ વર્ણવતા કહ્યું કે છેલ્લાં 12 વર્ષમાં સરકારે ખેતી અને પશુપાલન ક્ષેત્રે વિજ્ઞાનને સક્ષમતાથી જોડ્યું છે, જેના કારણે આજે 'પીએમ કિસાન સન્માન નિધિ' યોજના દેશના નાના ખેડૂત પરિવારો માટે મોટો આર્થિક આધાર બની ગઈ છે.

ખેડૂતોને પૂરતું ખાતર મળી રહે એ માટે અમે 16 લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા

ખેડૂતોની આર્થિક પ્રગતિ અને પારદર્શક રાજનીતિ પર ભાર મૂકતા પીએમ મોદીએ દાવો કર્યો હતો કે અગાઉની સરકારોએ લઘુત્તમ ટેકાના ભાવ (MSP) અંગે ખેડૂતોને માત્ર દગા જ દીધા હતા, જ્યારે વર્તમાન સરકારે MSPના તમામ વાયદાઓ સંપૂર્ણપણે પૂર્ણ કર્યા છે. તેમણે જણાવ્યું કે સરકારે અત્યાર સુધીમાં 12 લાખ સોલાર પંપ ખેડૂતોને ઉપલબ્ધ કરાવ્યા છે, જેને કારણે દેશના ખેડૂતોના અંદાજે 50 લાખ કરોડ રૂપિયા બચ્યા છે. જો આ સોલાર પંપ ન મળ્યા હોત તો ખેડૂતોએ સિંચાઈ માટે 80 કરોડ લીટર મોંઘું ડીઝલ ખરીદવું પડત, જેણે અન્નદાતાઓના જીવનમાં મોટી રાહત આપી છે. ખેડૂતોને પૂરતું ખાતર મળી રહે એ માટે અમે 16 લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા.

ખેડૂતો અને મહિલાઓ સાથે પીએમ મોદીનો સંવાદ

BBBRC સેન્ટરનું ઉદઘાટન કર્યા બાદ વડાપ્રધાન મોદી ભીલડીમાં સભા સ્થળે પહોંચ્યા હતા. અહીં તેમણે ખેડૂતો અને મહિલાઓ સાથે સંવાદ સાધ્યો હતો.

PM મોદીએ ET-IVF લેબનું ઉદઘાટન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ BBBRC સેન્ટરમાં પીએમ મોદીએ વાછરાડાઓને દૂધ પીવડાવ્યું હતું. રોડ શૉ પૂર્ણ કર્યા બાદ અહીં ET-IVF લેબનું ઉદઘાટન કર્યું હતું.

ભીલડીમાં વડાપ્રધાન મોદીનો રોડ શૉ શરૂ


image.png

વડાપ્રધાન મોદી બનાસકાંઠા પહોંચ્યા

વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસ માટે આજે બનાસકાંઠા આવી પહોચ્યાં છે. અહીં જાહેર સભાને પણ સંબોધશે અને 14000 કરોડના વિકાસ કાર્યોનો શિલાન્યાસ-ખાતમુહૂર્ત પણ કરશે.

ભીલડીમાં જનસભા, અમદાવાદ મેટ્રોના બે ફેઝનો શિલાન્યાસ

બનાસકાંઠાના ભીલડી ખાતે ભારત બોવાઈન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ કરશે. 127 એકરમાં પથરાયેલ આ કેન્દ્ર સ્ટેટ-ઓફ-ધી-આર્ટ સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકે સ્થાપિત કરવામાં આવ્યું છે. ગૌવંશ સંવર્ધન, જેનિટિક અપ્રગ્રેડેશન અને અદ્યતન રીપ્રોડક્ટિવ ટેકનોલોજીને મજબૂત બનાવશે, જેનાથી ઓલાદ સુધારણા 10થી 20 ગણી ઝડપી બનશે. કાંકરેજ ગાયની ઓલાદ માટે સમર્પિત આ પ્રકારની દેશની આ પહેલી સુવિધા હશે.

20261030-6ae3ae16421bb66842571-30102026_AHM_-_New-3.jpg

થરાદ અને રાધનપુર ખાતે બનાસ ડેરીના બે બાયો-સીએનજી પ્લાન્ટનો શિલાન્યાસ કરશે, જેની ગાયના છાણ પ્રોસેસિંગની ક્ષમતા અનુક્રમે પ્રતિદિન 75 મેટ્રિક ટન અને પ્રતિદિન 100 મેટ્રિક ટન છે. અમદાવાદ મેટ્રો ફેઝ-2એ (એરપોર્ટ એક્સટેન્શન) અને ફેઝ-2બી (ગિફ્ટ સિટી એક્સટેન્શન)નો શિલાન્યાસ કરશે. જેમાં ફેઝ-2એ કોટેશ્વર રોડથી એરપોર્ટ સુધી 5 સ્ટેશનોને આવરી લેતી 6 કિ.મી.થી વધુની લંબાઈ ધરાવશે, જ્યારે ફેઝ-2બી ગિફ્ટ સિટીથી શાહપુર સુધી 3 સ્ટેશનોને આવરી લેતી 3.3 કિ.મી.થી વધુની લંબાઈ ધરાવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30મી ઓક્ટોબરના રોજ સાંજે કેવડિયા પહોંચી જશે અને 31મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. ઉજવણીનું એક મુખ્ય આકર્ષણ 'નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા' દ્વારા આયોજિત 'નક્સલ મુક્ત ભારત' પરનું એક વિશેષ નાટ્ય પ્રદર્શન હશે, જેમાં ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત 126 જિલ્લાના આશરે 2000 કલાકારો ભાગ લેશે.

સાંજે PM મોદી એકતાનગરની મુલાકાતે જશે

મહેસાણા-બેચરાજી-સાબરમતી મેમુ ટ્રેનને લીલીઝંડી બતાવશે