Get The App

ડીસામાં 200 કરોડના ખર્ચે બનેલ એલીવેટેડ ઓવરબ્રિજ પર મસમોટા ગાબડા

- રોડ ઉપરના ગાબડાથી અકસ્માતની વણઝાર

- ઓવરબ્રિજ લોકાર્પણના સાડા ચાર મહિનામાં જ જર્જરિત બનતાં કામગીરી સામે ઉઠયાં સવાલ

Updated: Dec 31st, 2021

GS TEAM

Google News
Google News
ડીસામાં 200 કરોડના ખર્ચે બનેલ એલીવેટેડ ઓવરબ્રિજ પર મસમોટા ગાબડા 1 - image

ડીસા, તા.30

ડીસામાં રૃપિયા ૨૦૦ કરોડ ઉપરાંતના ખર્ચે બનેલ બનાસ નદીથી ડીસા એપીએમસી સુધીના એલીવેટેડ ઓવરબ્રિજ પરના રોડ ઉપર ઠેર ઠેર ડામર ઉખડી જતાં મસમોટા ગાબડા પડી ગયા છે. જેથી ઓવરબ્રિજની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યાં છે.

ડીસા શહેરના મધ્યમાંથી પસાર થતા નેશનલ હાઇવે પર ટ્રાફિક સમસ્યાના કાયમી નિવારણ માટે કેન્દ્ર સરકાર દ્વારા રૃપિયા ૨૦૦ કરોડ ઉપરાંતના ખર્ચે એલિવેટેડ ઓવરબ્રિજ મંજૂર કરવામાં આવ્યો હતો. જેનું કામ મહેસાણાની રચના કન્સ્ટ્રક્શન કંપનીને આપવામાં આવ્યું હતું. જે કામ બે વર્ષ બાદ પૂર્ણ થતાં સાડા ચાર મહિના અગાઉ એટલે કે તા. ૭ ઓગષ્ટ ૨૦૨૧ના રોજ બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલ, રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવડિયા તેમજ ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા સહિત પદાધિકારીઓ, આગેવાનો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં નવિન બનેલ ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બનાસ નદી તરફથી ડીસા એપીએમસી જવાના ઓવરબ્રિજ પર પાંચથી વધુ જગ્યાએ મોટા મોટા ગાબડા પડતા અજાણ્યા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. જેથી ઓવરબ્રિજની કામગીરી કરનાર કંપની સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

ઓવરબ્રિજ નીચે નવિન રોડ બનાવવા માંગ

ઓવરબ્રિજની કામગીરી દરમિયાન પિલ્લર ઉભા કરવા માટે ઠેર ઠેર ખાડાઓ કરીને હાઈવે રોડને તોડી નાખવામાં આવ્યો હતો અને કામગીરી પૂર્ણ થયા બાદ કંપની દ્વારા તુટેલા રોડ ઉપર ઉચા નીચા થીગડા મારવામાં આવ્યાં છે. જેથી ઓવરબ્રિજ નીચેના તમામ રોડ નવા બનાવવાની તાતી જરૃરિયાત છે તેમ ડીસાના યુવા કાર્યકર પરેશ ચાવડાએ જણાવ્યું હતું.

સ્ટ્રીટ લાઈટ સહિતની સુવિધાનો અભાવ

ડીસામાં ઓવરબ્રિજ ઉપર તેમજ નીચે સવસ રોડ સહિતના રસ્તાઓ પર સ્ટ્રીટ લાઈટો નાખવામાં આવી છે. પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી અને નગરપાલિકા વિજ બિલ ભરવાના મુદ્દે અસંમજસ ઉભી થઈ છે. જેથી સ્ટ્રીટ લાઈટો શોભાના ગાઠીયા સમાન બની ગઈ છે.