Banaskantha

બનાસકાંઠા કોંગ્રેસમાં આંતરિક કલહ ચરમસીમાએ, જિલ્લા યુથ પ્રમુખનું રાજીનામું, પ્રદેશ નેતૃત્વ સામે ચીંધાઈ આંગળી

By GS Team
15 Sep 20262 mins read
TukuTouch Logo
બનાસકાંઠા કોંગ્રેસમાં આંતરિક વિવાદ વકર્યો છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત વચ્ચેના ઘર્ષણમાં યુથ કોંગ્રેસ પ્રમુખ રોહિત પારગીએ રાજીનામું આપ્યું. થરાદ જિલ્લા પંચાયત સદસ્ય સિદ્ધરાજસિંહ રાજપૂતે પ્રદેશ નેતૃત્વ સામે પ્રશ્નો ઉઠાવતા ગેનીબેન ઠાકોરના અપમાનનો ઉલ્લેખ કર્યો. ગુલાબસિંહ રાજપૂત દ્વારા સોશિયલ મીડિયા પર જિલ્લા ટીમની જાહેરાત બાદ અમિત ચાવડાએ તે રદ કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

બનાસકાંઠા કોંગ્રેસમાં આંતરિક કલહ ચરમસીમાએ, જિલ્લા યુથ પ્રમુખનું રાજીનામું, પ્રદેશ નેતૃત્વ સામે ચીંધાઈ આંગળી

Banaskantha Congress Controversy: કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે બનાસકાંઠા કોંગ્રેસનું આંતરિક રાજકારણ ગરમાયું છે. એક તરફ બનાસકાંઠા યુથ કોંગ્રેસ પ્રમુખ રોહિત પારગીથીએ પોતાના પદ પરથી સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે, તો બીજી તરફ થરાદ જિલ્લા પંચાયતના સદસ્ય સિદ્ધરાજસિંહ રાજપૂતે સમગ્ર મામલે પ્રદેશ નેતૃત્વ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

સન્માન અને કાર્યકરોની લાગણીને ધ્યાનમાં રાખીને રાજીનામાની વાત

બનાસકાંઠા યુથ કોંગ્રેસ પ્રમુખે રાજીનામાના પત્રમાં જણાવ્યું છે કે, પક્ષના વરિષ્ઠ નેતાઓના સન્માન અને કાર્યકરોની લાગણીને ધ્યાનમાં રાખીને આ જવાબદારી ચાલુ રાખવી યોગ્ય નથી. રાજીનામામાં ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂતના અપમાનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

2aa8f0a5-7872-4a66-9804-c74d2a82abe2.jpg

'જે કામ ભાજપ ન કરી શક્યું, તે..'

બીજી તરફ, સિદ્ધરાજસિંહ રાજપૂતે જણાવ્યું કે ગુલાબસિંહ રાજપૂતે 3 મહિના અગાઉ જ પ્રદેશ સમિતિને યાદી સોંપી હતી, છતાં તે જાહેર ન થતાં તેમને પોતાની વાત સાર્વજનિક કરવાની ફરજ પડી હતી. ગુલાબસિંહ રાજપૂત જનાદેશ ધરાવતા અને સક્ષમ નેતા હોવાનું જણાવતાં તેમણે ઉમેર્યું કે ગુલાબસિંહ અને ગેનીબેન જેવા નેતાઓ કોઈની મહેરબાનીથી નહીં, પરંતુ પ્રજાના મતોથી નેતા બન્યા છે. આ સાથે થરાદ જિલ્લા પંચાયત સદસ્યએ એવો સણસણતો આરોપ પણ લગાવ્યો છે કે જે કામ ભાજપ ન કરી શક્યું, તે કોંગ્રેસના જ કેટલાક લોકો ગેનીબેન અને ગુલાબસિંહ સાથે કરવા માગે છે.

જિલ્લાના વરિષ્ઠ નેતાઓ સાથે ઉભા મક્કમતાથી ઉભા રહીશું!: જિલ્લા પંચાયતના સદસ્ય

પ્રદેશના કાર્યક્રમમાં ગુજરાતના એકમાત્ર કોંગ્રેસ સાંસદ હોવા છતાં ગેનીબેન ઠાકોરને ફોન કરીને પણ જાણ કરવામાં ન આવી હોવાના મુદ્દે સિદ્ધરાજસિંહે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ ગઈકાલે પણ કોંગ્રેસમાં હતા અને આજે પણ કોંગ્રેસમાં જ છે, તેમજ જરૂર પડશે ત્યારે ગુલાબસિંહ રાજપૂત અને ગેનીબેન ઠાકોરની સાથે મક્કમતાથી ઊભા રહેશે.

નારાજગીથી કોંગ્રેસને ઉત્તર ગુજરાતમાં પડી શકે છે મોટો ફટકો

યુથ કોંગ્રેસ પ્રમુખના રાજીનામા અને જિલ્લા પંચાયત સદસ્યના નિવેદનને કારણે બનાસકાંઠા કોંગ્રેસનો આંતરિક વિવાદ હવે જગજાહેર થઈ ગયો છે. ગુજરાતમાં કોંગ્રેસ હાલ પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમી રહી છે, તેવામાં જિલ્લાના નેતાઓની આ નારાજગી આગામી સમયમાં પક્ષને વધુ નબળો પાડશે તેવું રાજકીય વિશ્લેષકોનું માનવું છે.

શું છે સમગ્ર વિવાદ?

બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે પ્રદેશ સંગઠનની સત્તાવાર મંજૂરી મેળવ્યા વિના જ જિલ્લા ટીમની જાહેરાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરી દીધી હતી. આ આખા માળખાની જાહેરાતમાં અનેક સિનિયર આગેવાનો અને કાર્યકરોની નારાજગી હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. આ મામલો પ્રદેશ નેતાગિરી સુધી પહોંચતા જ સંગઠનમાં શિસ્તભંગ અને અસંતોષની સ્થિતિ ઊભી થઈ હતી. આંતરિક વિવાદ સપાટીએ આવતા જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ તાબડતોબ નિર્ણય લઈને બનાસકાંઠા જિલ્લાના આ આખા માળખાને રદ જાહેર કર્યું છે. જે બાદ વિવાદ હવે વધુ વકર્યો છે.