'ગુજરાતમાં ખાતર માટે લાઈન, પણ દારૂ-ડ્રગ્સની હોમ ડિલિવરી', કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરના સરકાર પર ચાબખા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Geniben Thakor on Gujarat Liquor Home Delivery: અંબાજીના દાંતા ખાતે યોજાયેલા કોંગ્રેસના મહાસંમેલનમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે હાજરી આપી હતી અને સ્ટેજ પરથી જનસભાને સંબોધતાં ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દારૂ, ડ્રગ્સ અને ખેડૂતોની સમસ્યાઓને લઈને સરકાર તથા પોલીસ પ્રશાસનને આડે હાથ લીધા હતા.
કથન અને કરણીમાં જમીન-આસમાનનો ફેર: બનાસકાંઠાના સાંસદ
પોતાના સંબોધનમાં ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, 'ભારતીય જનતા પાર્ટીની બોલવામાં અને વર્તવામાં જમીન આસમાનનો ફેર છે. એક તરફ દેશના વડાપ્રધાન અને પોલીસ તંત્ર ડ્રગ્સ મુક્ત અભિયાનની વાતો કરે છે, તો બીજી તરફ બનાસકાંઠા અને દાંતા જેવા વિસ્તારોમાં વાસ્તવિકતા સાવ અલગ છે.'
'ખાતર માટે લાઈન, પણ દારૂ-ડ્રગ્સની હોમ ડિલિવરી'
તેમણે સરકારની નીતિઓ પર કટાક્ષ કરતા ઉમેર્યું કે, આજની તારીખે ખેડૂતોને યુરિયા ખાતર મેળવવા માટે કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવું પડે છે, છતાં ખાતર મળતું નથી. જ્યારે બીજી બાજુ દારૂ, ડ્રગ્સ કે અન્ય કેફી પદાર્થો જોઈતા હોય તો એક ફોન કોલ પર હોમ ડિલિવરી મળી રહે છે. આ બધી પ્રવૃત્તિઓની પોલીસને પૂરતી જાણ હોવા છતાં કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી.
હપ્તાખોરીના આક્ષેપ અને 'જનતા રેડ'ની ચેતવણી
ગેનીબેન ઠાકોરે સનસનાટીભર્યો આક્ષેપ કરતા કહ્યું કે, ગેરકાયદે પ્રવૃત્તિઓમાંથી ઉઘરાવાતા હપ્તા માત્ર ગાંધીનગર સુધી જ નહીં, પરંતુ દિલ્હી સુધી પહોંચે છે. આ હપ્તાખોરીના કારણે જ પ્રદેશના યુવાનો બરબાદ થઈ રહ્યા છે અને બહેન-દીકરીઓએ વિધવા બનવાનો વારો આવે છે.
બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે-
આમ તો ભારતીય જનતા પાર્ટી એ બોલવા અને વર્તવામાં જમીન આસમાનનો ફેર હોય છે. દેશના વડાપ્રધાન એ ડ્રગ્સ મુક્ત માટે કરીને એનું અભિયાન ચલાવે, અને એમની પોતાની પોલીસ ને અભિયાનો ચલાવે, અને બનાસકાંઠા હોય કે દાંતા હોય, તમે જુઓ તો યુરિયા ખાતર ખેડૂતોને ના મળે, એને લાઈનમાં ઊભું રહેવું પડે. પણ જો તમારે દારૂ જોવ, ડ્રગ્સ જોવ કે કોઈ પણ કેફી પદાર્થો જોવ તો એની હોમ ડિલિવરી ફોન કરો ને તોય તમને સ્થળ ઉપર આપવા માટે કરીને આવે. આ બધી જ પોલીસને ખબર છે પણ છતાંય એ હપ્તા લઈને એ હપ્તા એ માત્ર ગાંધીનગર સુધી નહીં પણ દિલ્હી સુધી એ હપ્તા પહોંચે છે. અને એના કારણે આપણા યુવાનો બરબાદ થાય છે, આપણી બહેન દીકરીઓ વિધવા બનવું પડે છે. અને એની ઝુંબેશ આવનાર સમયની અંદર ઉપાડવી પડે તો અમે બધા સાથે મળીને જેટલી બોર્ડરો છે એ બોર્ડરો ઉપર ઘેરાવો કરવો હોય ને તો પણ તમે બધા સાથ સહકાર આપશો તો આ અમારી તૈયારી છે.
કોંગ્રેસ પાર્ટી બુટલેગરો અને ડ્રગ્સ વેચવાવાળાનો સર્વે કરાવે: ગેનીબેન
'અને હું તો પ્રદેશ અધ્યક્ષ અને સમગ્ર કોંગ્રેસ પાર્ટીને વિનંતી કરું છું કે સમગ્ર જિલ્લાના ને રાજ્યની અંદર દેશી દારૂના બુટલેગરો કેટલા છે, ઇંગ્લિશ દારૂના બુટલેગરો કેટલા છે, ડ્રગ્સ વેચવાવાળા કેટલા છે, આ બધાનું સર્વે કરાવો. કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો એની યાદી બનાવે, અને યાદી બનાવીને મોબાઇલ નંબર સાથે દેશના ગૃહમંત્રીને અને રાજ્યના ગૃહમંત્રીને તેની કોપી આપો. અને ધારાસભ્યો તેમજ બધા એક ડેલીગેશન લઈ અને એમને મુખ્યમંત્રીને મળો કે તમારા રાજ્યની અંદર આટલા દેશી દારૂના અડ્ડા છે, આટલા ઇંગ્લિશના અડ્ડા છે, આ તમે બંધ કરાવો. અને બંધ નહીં કરાવો તો કોંગ્રેસ પાર્ટી જનતા રેડ પાડીને આ યુવાનોને બરબાદીથી બચાવવા માટેનું કામ કરશે.'









