Banaskantha

ડીસામાં ઘાતક કોંગો ફીવરની દહેશત: 34 વર્ષનો યુવાન ગંભીર, સેમ્પલ પુણે મોકલાયા!

By GS Team
26 Aug 20262 mins read
TukuTouch Logo
બનાસકાંઠાના ડીસા તાલુકાના આખોલ ગામમાં 34 વર્ષીય યુવાનમાં શંકાસ્પદ કૉંગો ફીવરના લક્ષણો જણાતાં ખળભળાટ મચ્યો છે. યુવકને અમદાવાદ ખસેડાયો, અને તેના લોહીના સેમ્પલ પુણે મોકલાયા છે. આરોગ્ય તંત્ર અને પશુપાલન વિભાગ દ્વારા ગામમાં ડોર-ટુ-ડોર સર્વે અને જંતુનાશક છંટકાવ શરૂ કરાયો છે. તંત્રએ સાવચેતી રાખવા અપીલ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ડીસામાં ઘાતક કોંગો ફીવરની દહેશત: 34 વર્ષનો યુવાન ગંભીર, સેમ્પલ પુણે મોકલાયા!

Congo Fever Deesa : બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં શંકાસ્પદ કૉંગો ફીવરનો કેસ સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ચિંતાનો માહોલ સર્જાયો છે. આખોલ ગામના એક 34 વર્ષીય યુવકમાં કૉંગો ફીવરના શંકાસ્પદ લક્ષણો જણાતાં જ સ્થાનિક અને જિલ્લા સ્તરનું આરોગ્ય તંત્ર તાત્કાલિક ધોરણે હરકતમાં આવી ગયું છે.

યુવકને અમદાવાદ ખસેડાયો, લોહીના સેમ્પલ પુણે મોકલાયા

મળતી માહિતી મુજબ, ડીસાના આખોલ ગામના સામાન્ય પરિવારના 34 વર્ષીય યુવાનને છેલ્લા કેટલાક દિવસોથી અચાનક તીવ્ર તાવ અને માથામાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. પરિવારે પ્રાથમિક સારવાર માટે તેને ડીસાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોને તપાસ દરમિયાન કૉંગો ફીવરના ગંભીર લક્ષણો જણાતા તાત્કાલિક ધોરણે નિદાન માટે તેના લોહીના સેમ્પલ લઈને પરીક્ષણ અર્થે પુણેની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. યુવકની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખી તેને વધુ ઝડપી અને સુવિધાસભર સારવાર અર્થે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.

ગામમાં આરોગ્ય વિભાગનું ડોર-ટુ-ડોર સર્વે અને જંતુનાશક છંટકાવ

આ ઘટનાની જાણ થતાં જ જિલ્લા આરોગ્ય વિભાગ અને પશુપાલન વિભાગ આખોલ ગામ દોડી ગયું હતું. આ રોગને વધુ ફેલાતો અટકાવવા માટે સમગ્ર ગામમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઘરોઘર સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ રોગ મુખ્યત્વે પશુઓ પર ચોંટેલી ઈતરડી દ્વારા મનુષ્યોમાં ફેલાતો હોવાથી, જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા ગામના તમામ પશુપાલકોના તબેલા અને પશુપાલન વિસ્તારોમાં ઈતરડીના નાશ માટે ખાસ જંતુનાશક દવાઓનો છંટકાવ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યો છે.

કૉંગો ફીવરના મુખ્ય લક્ષણો અને તંત્રની અપીલ

કૉંગો ફીવર એ પશુઓમાં જોવા મળતી ઈતરડીના કરડવાથી અથવા સંક્રમિત પશુના રક્ત કે દૂધના સંપર્કમાં આવવાથી ફેલાતો વાઇરસજન્ય રોગ છે.
મુખ્ય લક્ષણો: અચાનક તીવ્ર તાવ આવવો, સતત માથામાં સખત દુખાવો થવો, શરીરના અંગોમાં ઝણઝણાટી અને કળતર થવી, તેમજ ગંભીર સ્થિતિમાં શરીરના વિવિધ માધ્યમોમાંથી રક્તસ્રાવ થવો.
તબીબોના જણાવ્યા મુજબ, સમયસર નિદાન અને તાત્કાલિક સારવાર મેળવવાથી આ રોગમાંથી સંપૂર્ણ મુક્તિ મેળવી શકાય છે. આરોગ્ય વિભાગે પશુપાલકોને પોતાના પશુઓની સ્વચ્છતા રાખવા અને ઈતરડીના નિયંત્રણ માટે યોગ્ય પગલાં ભરવા અપીલ કરી છે.