અંબાજીમાં આજથી ભાદરવી પૂનમનો મેળો શરૂ: લાખો માઈભક્તો માટે પાર્કિંગ, શેલ્ટર અને ફ્રી ભોજન સહિતની વ્યાપક સુવિધાઓ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ambaji Bhadarvi Poonam Mela: પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં 20મીથી 26મી સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા ભાદરવી પૂનમના મહામેળાને લઈને તંત્ર દ્વારા આખરી ઓપ આપી દેવામાં આવ્યો હતો. દેશ-વિદેશમાંથી આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા, સલામતી, સ્વચ્છતા અને સુગમ દર્શનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિવિધ વિભાગો સાથે સંકલન કરીને ભવ્ય અને વ્યવસ્થિત માળખાકીય સવલતો ઊભી કરવામાં આવી છે.
12,300 ચો.મી.ના વિશાળ રેસ્ટ શેલ્ટરમાં આરામની વ્યવસ્થા
પગપાળા અને લાંબી યાત્રા કરીને આવતા ભક્તો માટે કુલ 12,300 ચોરસ મીટરમાં રેસ્ટ શેલ્ટર તૈયાર કરાયા છે. હડાદ રૂટ પર 5 શેલ્ટરમાં 2,776 યાત્રાળુઓ માટે સિંગલ અને બંક બેડ તથા 600 ફ્લોર બેડિંગની ક્ષમતા વાળા અલગ શેલ્ટર બનાવાયા છે. જ્યારે દાંતા રૂટ પર 2 રેસ્ટ શેલ્ટરમાં 1140 શ્રદ્ધાળુઓ આરામ કરી શકશે.

ફ્રી ફૂડ શેલ્ટર અને 30 વોટર પેગોડા
યાત્રાળુઓ માટે 2190 ચો.મી. વિસ્તારમાં ફ્રી ફૂડ શેલ્ટર ઊભા કરાયા છે. જેમાં દાંતા રૂટ પર 2500 અને ગબ્બર રૂટ પર 500 લોકોની ક્ષમતા ધરાવતા ફૂડ ડોમ કાર્યરત રહેશે. પીવાના શુદ્ધ પાણી માટે હડાદ રૂટ પર 13, દાંતા રૂટ પર 13 અને ગબ્બર રૂટ પર 4 મળીને કુલ 30 વોટર પેગોડા બનાવાયા છે.
33 ટોયલેટ બ્લોક અને 2.67 લાખ ચો.મી.નું પાર્કિંગ
સ્વચ્છતા જાળવવા માટે રેસ્ટ શેલ્ટર, હાઈવે અને પાર્કિંગ વિસ્તારો મળીને કુલ 33 ટોયલેટ બ્લોક્સ (જેમાં બાથ, WC અને યુરિનલ્સ) ઉપલબ્ધ કરાવાયા છે. તદુપરાંત, વાહનોના સુચારુ કંટ્રોલ માટે હડાદ રૂટ પર 17 અને દાંતા રૂટ પર 21 મળીને કુલ 2,67,265 ચો.મી. વિસ્તારમાં વિશાળ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે.

આરોગ્ય, ઇમરજન્સી અને અન્ય સુવિધાઓ
તાત્કાલિક તબીબી સહાય માટે 6 ફર્સ્ટ એઇડ કાઉન્ટર અને 10 મેડિકલ/લોસ્ટ એન્ડ ફાઉન્ડ સેન્ટર કાર્યરત કરાયા છે. સુરક્ષા માટે 125 ફાયર એક્સ્ટિંગ્વિશર, સીસીટીવી, મલ્ટિપલ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ્સ અને માર્ગદર્શન માટે 4000 ચો.મી. વિસ્તારમાં સાઈનેજ હોર્ડિંગ્સ લગાવાયા છે. આ ઉપરાંત સ્થાનિક કારીગરો અને રોજીરોટી પ્રોત્સાહન અર્થે 216 ક્રાફ્ટ સ્ટોલ્સ પણ તૈયાર કરવામાં આવ્યા છે.




