Banaskantha

VIDEO: પાલનપુરના હસનપુરમાં રીંછના હુમલાથી ગામમાં અફરાતફરી, વૃદ્ધા સહિત 5 પર આક્રમક એટેક

By GS Team
4 Aug 20262 mins read
TukuTouch Logo
પાલનપુર તાલુકાના હસનપુર ગામ પાસે રીંછે ભારે ઉત્પાત મચાવ્યો હતો. એક મકાનમાં ઘૂસી વૃદ્ધ મહિલા અને પુત્ર પર હુમલો કરતા 5 ગ્રામજનો ઘાયલ થયા. તેમને પાલનપુરની હોસ્પિટલે ખસેડાયા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ રજા અપાઈ. વનવિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી છે અને રીંછને પકડવા કોમ્બિંગ હાથ ધર્યું છે, પરંતુ હજુ તે પકડાયું નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: પાલનપુરના હસનપુરમાં રીંછના હુમલાથી ગામમાં અફરાતફરી, વૃદ્ધા સહિત 5 પર આક્રમક એટેક

Palanpur Hassanpur Bear Attack: પાલનપુર તાલુકાના રામપુરા વડલા પાસેના હસનપુર ગામ અને તેની સીમમાં હિંસક બનેલા એક રીંછે ભારે ઉત્પાત મચાવી પાંચ ગ્રામજનોમાં ડરનો માહોલ ઊભો કર્યો. રીંછે એક મકાનમાં પ્રવેશ કરીને વૃદ્ધ મહિલાને નિશાન બનાવી હતી, તેમજ માતાની મદદ કરવા પહોંચેલા પુત્ર પર પણ પ્રાણઘાતક હુમલો કર્યો હતો. લોકોએ તેને ભગાડવાનો પ્રયાસ કરતા જ, માર્ગમાં સામે આવનાર દરેક વ્યક્તિ પર તે તૂટી પડ્યું હતું. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે દહેશત ફેલાઈ ગઈ છે.

અચાનક જ સ્થિતિ વણસી, રીંછ વધુ આક્રમક બન્યું

રહેણાંક વિસ્તારમાં રીંછના આગમનના સમાચાર ફેલાતાં જ લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું અને ત્વરિત વનવિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સ્થાનિકો તેને વિસ્તારમાંથી ખદેડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે અચાનક સ્થિતિ વણસી હતી અને નાસભાગ મચી ગઈ હતી. આ અફરાતફરી દરમિયાન રીંછ વધુ આક્રમક બનીને લોકો પર હુમલા કરવા લાગ્યું હતું.

હિંસક બનેલું રીંછ વનવિભાગની પકડમાં આવ્યું નથી

આ દુર્ઘટનામાં પાંચ નાગરિકો નાની-મોટી રીતે ઘવાયા હતા, જેમને તાત્કાલિક ધોરણે પાલનપુરની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતા સમજીને વનકર્મીઓની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવી હતી. પ્રાણીને કાબૂમાં લેવા માટે સમગ્ર સીમ વિસ્તારની નાકાબંધી કરી વ્યાપક કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. વન તંત્ર દ્વારા ગ્રામજનોને સુરક્ષિત સ્થળે રહેવા, પૂરતી સાવચેતી વર્તવા અને રીંછ નજીક ન જવાની ખાસ અપીલ કરવામાં આવી છે. નોંધનીય છે કે, હજુ સુધી આ હિંસક રીંછ વનવિભાગની પકડમાં આવ્યું નથી.

કુલ પાંચ દર્દીઓને સામાન્ય સારવાર બાદ રજા અપાઈ

બીજી તરફ, પાલનપુર સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, રીંછના હુમલાનો ભોગ બનેલા કુલ પાંચ દર્દીઓ સારવાર અર્થે આવ્યા હતા. જેમાં વહેલી સવારે બે અને બાદમાં બપોરે વધુ ત્રણ ઈજાગ્રસ્તોને દાખલ કરવામાં આવ્યા હતા. તબીબોની ટીમે તમામ દર્દીઓને જરૂરી પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની સ્થિતિ સામાન્ય જણાતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.