પવિત્ર શ્રાવણ માસમાં શિવ ઉપાસના: જાણો 3 પ્રકારની સેવા અને 5 પ્રકારના શિવલિંગનો મહિમા!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Shravan Maas 2026: પવિત્ર શ્રાવણમાસ એટલે શિવજીની આરાધનાનો માસ. ‘શતરૂદ્રસંહિતા’માં શિવના પાંચ અવતારો વર્ણવ્યા છે. સદ્યોજાત્-વામદેવ-તત્પુરૂષ- અઘોર અને ઇશાન- શિવનો અર્થ કલ્યાણ. આમ વિવિધ અવતારો દ્વારા શિવે શ્રદ્ધાવાન ભક્તોનું કલ્યાણ કર્યું છે. ભગવાન શિવજીની અષ્ટમૂર્તિઓ પણ છે. શર્વ-ભવ-ઉગ્ર- ભીમ-પશુપતિ-ઇશાન-સદાશિવ- અને રૂદ્ર- શિવને આદિ-મધ્ય અને અંતપણ નથી તેથી તેમને નિરંજન-નિરાકાર પણ કહ્યા છે.
ૐ ત્ર્યંબકં યજામહે સુગંધીમ પુષ્ટિવર્ધનં।
ઉર્વારુક મિવ બંધનાત્ મૃત્યુર્મુક્ષીયમામૃતાત્॥
ૐ તત્ પુરુષાય વિદ્મહે, મહાદેવાય ધિમહિ।
તન્નો રૂદ્ર: પ્રચોદયાત્॥
શિવજીની ત્રણ પ્રકારે સેવા થાય છે. શિવજીના આદિરૂપનું ચિંતન તે માનસિક સેવા-જપ વિગેરે તે વાચિક સેવા અને કર્મરૂપ પૂજા-અરાધના તે કાયિક સેવા. આ ત્રણ પ્રકારની સેવાને શિવધર્મ કહે છે. આમ શિવજીની પૂજા-આરાધના-મંગલ અને કલ્યાણકારી છે.
આ પવિત્ર શ્રાવણ માસમાં ભક્તજનો વિવિધ પ્રકાર દ્વારા શિવ આરાધના કરે છે. જેમાં શિવલિંગ ઉપર રૂદ્રાભિષેક થાય છે જેમાં મહિમ્નસ્તોત્ર અથવા અષ્ટાધ્યાયી રૂદ્રીનો પાંચમો અધ્યાય (એકાદશ આવર્તન) અગિયારવાર બોલવામાં આવે છે. શિવલિંગને પંચામૃત-ગંગાજળ- વિગેરેથી સ્નાન કરાવી, શુદ્ધજળ દ્વારા અભિષેક થાય છે. એક માસ સુધી અખંડદીપ રાખી ‘મૃત્યુંજયમંત્ર’ અથવા ‘ૐ નમઃશિવાય’ દ્વારા જપ થાય છે.
શિવલિંગના પણ પાંચ પ્રકાર છે. સ્વયંભુ લિંગ-બિંદુલિંગ- સ્થાપિત લિંગ-ચરલિંગ અને ગુરૂલિંગ- આ માસમાં પાર્થેશ્વરલિંગ બનાવાય છે. નૂતન માટી લાવી શિવલિંગની આજુબાજુ નાના બાણ બનાવી પંચોપચાર પૂજા કરવામાં આવે છે. આ માસમાં બિલિપત્રનો પણ મહિમા અદ્ભુત કલ્યાણકારી છે. ‘ત્રિદલંત્રિગુણાકાર ત્રિનેત્રંચત્રિયા યુધમ્ ત્રિજન્મપાપસંહારં.
એક બિલ્વં શિવાર્પણમ્ આ મંત્ર દ્વારા શિવલિંગ ઉપર બિલિપત્ર ચટાવવાથી મનો કામના પુર્ણ થાય છે. રૂદ્રાક્ષની માલા દ્વારા જપ કરવાથી આયુષ્ય અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. ગળામાં ધારણ કરવાથી અકાલમૃત્યુનો ભય રહેતો નથી આમ શ્રાવણ માસમાં શિવજીની આરાધના કરવાથી પાપોનો નાશ થાય છે ભક્તજનો ! આપણે પણ આ માસમાં શિવ ઉપાસના કરી પાવન થઈએ.
- પુરાણી મહેન્દ્રમહારાજ









