27 સપ્ટેમ્બરથી પિતૃપક્ષ-શ્રાદ્ધનો પ્રારંભ, જાણો પિતૃપૂજનનું મહત્ત્વ, તિથિઓની યાદી અને કઈ તિથિએ કોનું શ્રાદ્ધ કરવું?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Pitru Paksha Shraddha Dates-Tithi: આગામી 27 સપ્ટેમ્બર 2026, રવિવારથી પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ થઈ રહ્યો છે, જે 10 ઓક્ટોબર 2026, શનિવાર સુધી ચાલશે. હિન્દુ ધર્મ અને સંસ્કૃતિમાં પિતૃપક્ષનું વિશેષ મહત્ત્વ રહેલું છે. પોતાના પૂર્વજો અને પિતૃઓ પ્રત્યે કૃતજ્ઞતા, શ્રદ્ધા અને આદર વ્યક્ત કરવાનો આ પવિત્ર સમયગાળો છે.
શ્રાદ્ધ એટલે શું? શા માટે કરવામાં આવે છે પિતૃતર્પણ?
શાસ્ત્રોક્ત સમજણ અને જ્યોતિષાચાર્ય ડો. હેમીલ પી. લાઠીયાના જણાવ્યા અનુસાર, શ્રદ્ધાપૂર્વક પિતૃઓને ભાવ અર્પણ કરવો એટલે જ 'શ્રાદ્ધ'. ધાર્મિક માન્યતા પ્રમાણે પિતૃઓ વાયુ સ્વરૂપે એટલે કે અદ્રશ્ય અવસ્થામાં રહે છે. જ્યારે વંશજો શ્રદ્ધાપૂર્વક તેમને પ્રિય એવું ભોજન કે ખીર અર્પણ કરે છે, ત્યારે પિતૃઓ તેની સુગંધ અને શ્રદ્ધાના ભાવથી તૃપ્ત થાય છે. વંશજોના વિનય અને આદરથી પ્રસન્ન થઈને પિતૃઓ તેમને સુખી અને સમૃદ્ધ જીવનના આશીર્વાદ આપે છે.
ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ છે કે પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધ કરવાથી પુત્ર, આયુષ્ય, આરોગ્ય, ઐશ્વર્ય અને મનોકામનાઓની પૂર્તિ થાય છે. વિદ્વાનો અને ભુદેવોની સલાહ લઈને કરવામાં આવતું સરળ શ્રાદ્ધકર્મ પિતૃઓના આત્માને શાંતિ અને સદગતિ અપાવે છે.
શ્રાદ્ધ પક્ષ 2026: સંપૂર્ણ તિથિ કેલેન્ડર
ક્રમ | તિથિ | તારીખ અને વાર |
1 | એકમ (1) | 27 સપ્ટેમ્બર, રવિવાર |
2 | બીજ (2) | 28 સપ્ટેમ્બર, સોમવાર |
3 | ત્રીજ (3) | 29 સપ્ટેમ્બર, મંગળવાર |
4 | ચોથ (4) - પાચમ (5) | 30 સપ્ટેમ્બર, બુધવાર |
5 | છઠ (6) | 01 ઓક્ટોબર, ગુરુવાર |
6 | સાતમ (7) | 02 ઓક્ટોબર, શુક્રવાર |
7 | આઠમ (8) | 03 ઓક્ટોબર, શનિવાર |
8 | નોમ (9) | 04 ઓક્ટોબર, રવિવાર |
9 | દશમ (10) | 05 ઓક્ટોબર, સોમવાર |
10 | અગિયારસ (11) | 06 ઓક્ટોબર, મંગળવાર |
11 | બારસ (12) | 07 ઓક્ટોબર, બુધવાર |
12 | તેરસ (13) | 08 ઓક્ટોબર, ગુરુવાર |
13 | ચૌદસ (14) | 09 ઓક્ટોબર, શુક્રવાર |
14 | સર્વપિતૃ અમાસ અને પૂનમ અમાસ શ્રાદ્ધ | 10 ઓક્ટોબર, શનિવાર |
વિશેષ તિથિઓનું મહત્ત્વ
- ચોથ અને પાંચમ (30/9/2026): આ દિવસે ચોથ અને પાંચમનું શ્રાદ્ધ એકસાથે કરવામાં આવશે.
- અવિધવા નોમ (04/10/2026): નોમની તિથિએ સૌભાગ્યવતી (સુહાગન) સ્ત્રીઓનું શ્રાદ્ધ કરવાનો મહિમા છે.
- સંન્યાસી શ્રાદ્ધ (07/10/2026): બારસની તિથિએ સંન્યાસીઓ અને સાધુ-સંતોનું શ્રાદ્ધ કરવામાં આવે છે.
- શસ્ત્રપીડિત શ્રાદ્ધ (09/10/2026): ચૌદશના દિવસે કોઈ અકસ્માત, શસ્ત્ર કે અકાળ મૃત્યુ પામેલા પિતૃઓનું શ્રાદ્ધ કરાય છે.
- સર્વપિતૃ અમાસ અને પૂનમ શ્રાદ્ધ (10/10/2026): પિતૃપક્ષના અંતિમ દિવસે જે પિતૃઓની તિથિ યાદ ન હોય અથવા ભૂલાઈ ગઈ હોય, તે તમામ પિતૃઓનું શ્રાદ્ધ કરી તર્પણ કરી શકાય છે.




