શ્રાવણનો પ્રથમ સોમવાર: મહાદેવની કૃપા મેળવવાનો અચૂક અવસર, જાણો શાસ્ત્રોક્ત વિધિ, બિલિપત્ર, જળાભિષેકનું રહસ્ય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Shravan Somwar Puja Vidhi: શ્રાવણ મહિનો એટલે દેવાધિદેવ મહાદેવની આરાધનાનો પવિત્ર સમય. તેમાં પણ શ્રાવણનો પહેલો સોમવાર (17 ઓગસ્ટ) ભક્તો માટે વિશેષ આધ્યાત્મિક ઊર્જા લઈને આવે છે. આ દિવસે કરવામાં આવતી પૂજા અને જળાભિષેક મનોકામનાઓ પૂર્ણ કરનાર માનવામાં આવે છે.
શિવપુરાણ અનુસાર પ્રથમ સોમવારનું મહત્વ અને પૂજા વિધિ
શિવપુરાણના વિદ્યોશ્વર સંહિતા મુજબ, શ્રાવણ માસમાં ભગવાન શિવ પાર્વતીજી સાથે પૃથ્વી લોક પર નિવાસ કરે છે અને ભક્તોની ભક્તિ પ્રત્યે અત્યંત દયાળુ રહે છે. શ્રાવણનો પ્રથમ સોમવાર એ આખા મહિનાની આરાધનાનો પ્રારંભિક આધાર છે. આ દિવસે વ્રત રાખવાથી જ્યોતિષીય દ્રષ્ટિએ કુંડળીમાં રહેલો ચંદ્ર દોષ શાંત થાય છે અને મનમાં સ્થિરતા આવે છે.
શાસ્ત્રોક્ત પૂજા વિધિ
- પ્રાતઃકાલે સ્નાન બાદ શુદ્ધ મનથી વ્રતનો સંકલ્પ લો. શિવલિંગ પર સૌપ્રથમ શુદ્ધ જળ, ત્યારબાદ પંચામૃત (દૂધ, દહીં, ઘી, મધ અને સાકર) અને પુનઃ ગંગાજળથી અભિષેક કરો.
- શિવપુરાણ અનુસાર મહાદેવને અક્ષત (અખંડ ચોખા), સફેદ ચંદન, ભસ્મ, આંકડાના ફૂલ અને ધતુરો અત્યંત પ્રિય છે.
- પૂજા દરમિયાન સતત 'ઓમ નમઃ શિવાય' અથવા મહામૃત્યુજય મંત્રનો જાપ કરવો ફળદાયી માનવામાં આવે છે.
સમુદ્ર મંથન અને જળાભિષેકની કથા
શિવપુરાણ અનુસાર, જ્યારે દેવો અને અસુરો વચ્ચે સમુદ્ર મંથન થતાં અતિ ભયાનક 'હલાહલ' વિષ નીકળ્યું, ત્યારે સૃષ્ટિની રક્ષા માટે ભગવાને તે વિષ પોતાના કંઠમાં ધારણ કરી લીધું. વિષની ગરમીથી મહાદેવના શરીરમાં અત્યંત દાહ (બળતરા) ઉત્પન્ન થયો. તે ગરમીને શાંત કરવા માટે દેવો અને ઋષિમુનિઓએ તેમના પર શીતળ જળ અને દૂધનો અભિષેક કર્યો. આ સાથે જ વિષની અસર ઓછી કરવા માટે ઠંડક આપનારું બિલિપત્ર અર્પણ કરવામાં આવ્યું. આ કારણથી જ શિવજીને જળાભિષેક અને બિલિપત્ર પ્રિય છે.
બિલિપત્ર અર્પણ કરવાનો શાસ્ત્રોક્ત નિયમ
- બિલિપત્રના ત્રણ પાંદડા શિવજીની ત્રણ આંખો અને ત્રિદેવ (બ્રહ્મા, વિષ્ણુ, મહેશ)નું પ્રતીક છે.
- શિવપુરાણ મુજબ, બિલિપત્ર હંમેશાં ચીકણી સપાટી શિવલિંગને સ્પર્શે તેમ ઊંધું અર્પણ કરવું જોઈએ. પાંદડું ખંડિત (તૂટેલું) ન હોવું જોઈએ અને તેના પર રામ નામ કે ચંદનનું તિલક કરીને અર્પણ કરવાથી અનંત ગણું પુણ્ય મળે છે.
- આ શ્રાવણી સોમવારે કોઈ પણ આડંબર વગર, માત્ર શુદ્ધ ભાવ, શીતળ જળ અને બિલિપત્ર અર્પણ કરીને મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે.









