દિવાળી પર લક્ષ્મીજીના સ્વાગત માટે કરો તૈયારી: જાણો મુખ્ય દ્વાર પર તોરણ બાંધવાની પરંપરા અને તેનું રહસ્ય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Diwali Toran Significance Main Door Vastu: દિવાળીનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે ઘેર-ઘેર સાફ-સફાઈ અને સજાવટનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘરના પ્રવેશદ્વારને સજાવવા માટે આપણે અવનવા તોરણો લગાવીએ છીએ. વાસ્તવમાં, ઘરનું દ્વાર એ ફક્ત પ્રવેશદ્વાર નથી, પરંતુ તેના મહિમાનું વર્ણન ગ્રંથો, વિદ્વાનો અને વડીલો દ્વારા પણ હંમેશા કરવામાં આવ્યું છે. દ્વારની સજાવટ એ ઘરની શોભાની સાથે-સાથે તેની રક્ષા માટે પણ અત્યંત અગત્યની છે. જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાના મતે દ્વારમાંથી વ્યક્તિના પ્રવેશ ઉપરાંત અદ્રશ્ય રીતે સકારાત્મક અને નકારાત્મક ઊર્જાનો પણ પ્રવેશ થતો હોય છે, જે ઘરના વાતાવરણને અસર કરે છે. આ જ કારણ છે કે દિવાળી જેવા પર્વ પર ઘરમાં શુભ ઊર્જા અને મા લક્ષ્મીના આગમન માટે આપણે મુખ્ય દ્વાર પર તોરણ બાંધીએ છીએ, જે આપણી સમૃદ્ધ લોક-પારંપરિક ઓળખ પણ છે.
દિવાળી અને વિવિધ પ્રકારના તોરણો
દિવાળી અને તહેવારો દરમિયાન લોકો પોતાના ઘરોને સજાવવા માટે જુદા-જુદા પ્રકારના તોરણોનો ઉપયોગ કરતા હોય છે. જેમાં તાજા આસોપાલવના પાન, આંબાના પાન તેમજ ફૂલો, મોતી, કાચ, ભરતકામ અને આજકાલ આર્ટિફિશિયલ (કૃત્રિમ) તોરણો પણ વિશેષ જોવા મળે છે. આ તમામ બાબતો શ્રદ્ધા, વિશ્વાસ અને ઉત્સવની ખુશી પ્રગટ કરવાનું પ્રતિક છે.
આસોપાલવના તોરણનું વિશેષ મહત્ત્વ
દિવાળી પર ખાસ કરીને આસોપાલવના પાનનું તોરણ બાંધવાનું ખૂબ મહત્ત્વ છે. વાસ્તુશાસ્ત્ર અને શાસ્ત્રોમાં આસોપાલવના વૃક્ષનું મહત્ત્વ વિશેષ જણાવવામાં આવ્યું છે. એક પૌરાણિક કથા મુજબ, માતા સીતા લંકામાં અશોક વાટિકામાં આસોપાલવના વૃક્ષ નીચે બેઠા હતા અને આ વૃક્ષ દ્વારા તેમને એક પ્રકારની રક્ષા પ્રાપ્ત થઈ હતી. ત્યારથી આ વૃક્ષ ભગવાન રામ અને સીતાજીનું પ્રિય બન્યું અને તે રક્ષા પ્રદાન કરનારું માનવામાં આવ્યું. આજ કારણ છે કે દિવાળી જેવા પર્વ પર ભાવિકો નકારાત્મક ઊર્જાથી બચવા અને સકારાત્મકતા લાવવા માટે ઘરના દ્વાર પર આસોપાલવના તોરણ બાંધે છે.
મોતી અને ભરતકામના કાયમી તોરણો
પાંદડાના તોરણો સુકાઈ જવાથી સમયાંતરે બદલવા પડે છે, જ્યારે દિવાળી જેવા મોટા તહેવાર પર મોતીકામ અને ભરતકામના તોરણોનું પણ વિશેષ આકર્ષણ હોય છે. આ તોરણો ખૂબ દિલથી અને ખુશ મનથી પોતાના હાથે બનાવવામાં આવે છે, જેમાં સારા ભાવ રોપાયેલા હોય છે. તે દ્વાર પર લાંબો સમય રહીને ઘરની શોભા વધારે છે અને સકારાત્મક ઊર્જા જાળવી રાખે છે.
આકર્ષક શૈલીથી બનાવેલા તોરણો દિવાળી પર ઘરના દ્વારની શોભા તો બે ગણી વધારે જ છે, સાથે જ તે બહારની નકારાત્મક ઊર્જાને અટકાવીને ઘરની અંદર શુભ ઊર્જા અને ધન-સમૃદ્ધિના સંચારમાં સહયોગી બને છે. આપ સૌને દિવાળીના પાવન પર્વની ખૂબ-ખૂબ શુભકામનાઓ.




