Bhai Dooj 2026 : ભાઈબીજ પર તિલક કરવાનું શુભ મુહૂર્ત, સવારે પણ પૂજા થઈ શકશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bhai Dooj 2026 Shubh Muhurt : દિવાળીના પાંચ દિવસીય ઉત્સવનું સમાપન ભાઈબીજ સાથે થાય છે. આ પર્વને યમ દ્વિતીયા પણ કહેવામાં આવે છે. આ વર્ષે ભાઈબીજની તારીખ અને મુહૂર્તને લઈને ખૂબ જ મૂંઝવણ પ્રવર્તી રહી છે. અમુક લોકો 10 નવેમ્બર તો અમુક 11 નવેમ્બરે ભાઈબીજ હોવાનું જણાવી રહ્યા છે. બીજી તરફ, ઘણા જ્યોતિષીઓએ ભાઈને તિલક કરવાનું મુહૂર્ત બપોરના સમયે જણાવ્યું છે, જ્યારે મોટાભાગના લોકો સવારના શુભ મુહૂર્તમાં જ તહેવાર ઉજવવાનું વધુ પસંદ કરતા હોય છે. પંચાંગ અનુસાર ભાઈબીજ પર સવારનું પણ એક શુભ મુહૂર્ત ઉપલબ્ધ છે, જેની વિગતો અહીં આપવામાં આવી છે.
ભાઈબીજ 2026 તારીખ
હિન્દુ પંચાંગ અનુસાર, આ વર્ષે દ્વિતીયા તિથિ 10 નવેમ્બરે બપોરે 02.00 વાગ્યે શરૂ થશે અને તેનું સમાપન 11 નવેમ્બરે બપોરે 03.53 વાગ્યે થશે. આ સ્થિતિમાં ઉદયા તિથિના કારણે ભાઈબીજનો પર્વ 11 નવેમ્બર, બુધવારના રોજ ઉજવવામાં આવશે.
ભાઈને તિલક કરવાનું મુહૂર્ત
આ વખતે ઘણા જ્યોતિષીઓએ ભાઈબીજ પર તિલકનું શુભ મુહૂર્ત બપોરના સમયે જણાવ્યું છે. તેમના મતે બપોરે 1 વાગ્યાને 10 મિનિટથી 3 વાગ્યાને 20 મિનિટ સુધી ભાઈને તિલક કરવાનું શુભ મુહૂર્ત રહેશે. બીજી તરફ, પંચાંગ આધારિત ગણતરી મુજબ ભાઈબીજ પર સવારે પણ ભાઈને તિલક કરવા માટેનું ઉત્તમ મુહૂર્ત રહેવાનું છે. 11 નવેમ્બરે ભાઈબીજ પર સવારે 6 વાગ્યાને 40 મિનિટથી લઈને સવારે 11 વાગ્યાને 38 મિનિટ સુધી સર્વાર્થ સિદ્ધિ યોગ રહેવાનો છે. ભાઈના કપાળ પર સૌભાગ્યનું તિલક કરવા માટે આ મુહૂર્ત અત્યંત શુભ માનવામાં આવે છે.
ભાઈબીજ 2026 તિથિ અને મુહૂર્તની વિગત
- દ્વિતીયા તિથિ શરૂ: 10 નવેમ્બર, બપોરે 02.00 વાગ્યે
- દ્વિતીયા તિથિ સમાપ્ત: 11 નવેમ્બર, બપોરે 3:53 વાગ્યે
- ભાઈબીજની તારીખ: 11 નવેમ્બર 2026, બુધવાર
- સર્વાર્થ સિદ્ધ યોગ: સવારે 06.40 વાગ્યાથી સવારે 11.38 વાગ્યા સુધી
- બીજું શુભ મુહૂર્ત: બપોરે 1:10 થી 3:20 વાગ્યા સુધી
ભાઈબીજ માટે જરૂરી સામગ્રી
ભાઈબીજ પર બહેનો પોતાના ભાઈનું તિલક કરવા અને આરતી ઉતારવા માટે ખાસ પૂજાની થાળી તૈયાર કરે છે. તેમાં પૂજા સંબંધિત કેટલીક જરૂરી વસ્તુઓ રાખવામાં આવે છે. થાળીમાં રોલી અથવા કંકુ, સિંદૂર, ચંદન, અક્ષત એટલે કે આખા ચોખા, ફૂલ, ફૂલોનો હાર, સોપારી, નાગરવેલનું પાન, નાળિયેર, નાડાછડી (કલાવા), દૂર્વા ઘાસ, મિઠાઈ, ફળ અને દીવો રાખી શકાય છે. આ ઉપરાંત પૂજાની પરંપરા અનુસાર ચાંદીનો સિક્કો અને પતાસા પણ સામેલ કરી શકાય છે.
ભાઈબીજ પર તિલક કરવાની વિધિ
ભાઈબીજના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરવું અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા. ત્યારબાદ ઘરના મંદિરમાં ભગવાનની પૂજા કરવી. બહેનોએ પોતાના ભાઈના તિલક અને આરતી માટે પૂજાની થાળી સજાવવી. ભાઈને તિલક કરતા પહેલા ચોખાના લોટના ઘોળથી અથવા ચોખા વડે ચોક પૂરવામાં આવે છે. ત્યારબાદ ભાઈને તે સ્થાન પર બેસાડવામાં આવે છે. આ દરમિયાન ભાઈ અને બહેન બંનેના માથા પર છેડો, ઓઢણી, રૂમાલ કે કોઈ વસ્ત્ર ઢાંકેલું હોવું જોઈએ.
શુભ મુહૂર્તમાં બહેન પોતાના ભાઈના કપાળ પર રોલી અથવા કંકુનું તિલક લગાવે છે અને અક્ષત અર્પણ કરે છે. ત્યારબાદ ભાઈના હાથમાં સૂકું આખું નાળિયેર આપવામાં આવે છે. તેને ફૂલ તથા સોપારી આપીને પતાસા કે મિઠાઈ ખવડાવવામાં આવે છે. પછી બહેન ભાઈની આરતી ઉતારીને તેની સુખ-સમૃદ્ધિ અને દીર્ઘાયુની પ્રાર્થના કરે છે. પૂજા સંપન્ન થયા પછી ભાઈ પોતાની બહેનને ભેટ આપે છે, સાથે જ જીવનના દરેક સુખ-દુઃખમાં તેનો સાથ નિભાવવાનું અને તેનું રક્ષણ કરવાનું વચન આપે છે. આ રીતે આ તહેવાર ભાઈ-બહેનના સંબંધોને વધુ સુદ્રઢ બનાવવાનો સંદેશ આપે છે.




