Get The App

અરવલ્લીમાં સરપંચ પદની 196, વોર્ડ સભ્યની 1750 બેઠકો માટે ઉમેદવારી નોંધાવી શકાશે

- આજે ગ્રામ પંચાયતોની ચૂંટણીલક્ષી જાહેરનામું પ્રસિધ્ધ કરાશે

- અરવલ્લી જિલ્લાના 6 તાલુકામાં 68 ચૂંટણી અધિકારી નિમાયા પંચાયત વાર ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ ભરી શકાશે

Updated: Nov 29th, 2021

GS TEAM

Google News
Google News
અરવલ્લીમાં સરપંચ પદની 196, વોર્ડ સભ્યની 1750 બેઠકો માટે ઉમેદવારી નોંધાવી શકાશે 1 - image

મોડાસા,બાયડ,તા. 28

રાજયભરમાં ૧૯મી ડીસેમ્બરે યોજાનાર કુલ ૧૦૮૭૯ ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈ ચૂંટણી આયોગ દ્વારા આજે જરૂરી જાહેરનામું પ્રસિધ્ધ કરાતાં જ રાજકીય ગતિવિધિઓ તેજ થશે અને શીયાળાની કડકડતી ઠંડીમાં પણ દિવાળી જેવા માહોલ વચ્ચે રાજકીય ગરમાવો પ્રસરશે. અરવલ્લી જિલ્લાના છ તાલુકામાં યોજાનાર ૨૩૧ ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈ આજે જાહેરનામાની પ્રસિધ્ધિ સાથે જ જિલ્લાના ૬૮ ચૂંટણી અધિકારીની કચેરી ખાતેથી ફોર્મ મેળવવાની અને ફોર્મ ભરી જરૂરી ફી અને દસ્તાવેજી પુરાવા સાથે ફોર્મ નિમાયેલ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરી શકાશે.

 અરવલ્લી જિલ્લામાં ૧૯૬ ગ્રામ પંચાયતોમાં સામાન્ય,૩૪ ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી અને ૦૧ ગ્રામ પંચાયતમાં મધ્યસત્ર ચૂંટણી યોજાનાર છે.  ત્યારે  સરપંચ પદની ૧૯૬ બેઠકો અને વોર્ડ સભ્યોની ૧૭૫૦ બેઠકો માટેની આ ચૂંટણીનું જાહેરનામું આજે પ્રસિધ્ધ થતાં જ ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ મેળવવાથી માંડી,ટેકેદાર,દરખાસ્ત કરનાર શોધવા,જરૂરી પુરાવા ભેગા કરવા અને ફોર્મ ભરી પરત આપવાની તૈયારીઓ હાથ ધરાશે. જિલ્લામાં ચૂંટણીલક્ષી કામગીરી માટે નિમાયેલા ૬૮ ચૂંટણી અધિકારીઓની કચેરીઓ ખાતે ફળવાયેલ પંચાયત અને બેઠક મુજબ ઉમેદવારી ફોર્મ મેળવવાની અને ભરવાની પ્રક્રિયા આજથી ૪ ડીસેમ્બર સુધી હાથ ધરાશે.

જિલ્લામાં કયા તાલુકામાં કેટલી ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાશે

અરવલ્લી જિલ્લામાં ૧૯૬ ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જેમાં સૌથી વધુ ભિલોડા તાલુકામાં ૫૯ ગ્રામ પંચાયત,બાયડ તાલુકામાં-૪૭, મોડાસા તાલુકામાં-૨૮,મેઘરજ તાલુકામાં-૨૭ અને માલપુર તાલુકામાં ૨૨ અને ધનસુરા તાલુકામાં ૧૩ ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી યોજાશે.

ગ્રામ પંચાયત ચૂંટણીમાં ૬૩૧ મતદાન મથકો ઉપરથી ૪.૬૮ લાખથી વધુ મતદારો મતદાન કરશે

૧૯મી ડીસેમ્બરે રવિવારના રોજ યોજાનાર જિલ્લાની ૨૩૧ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ૧૯૬ ગ્રામ પંચાયતમાં સામાન્ય,૩૪ માં પેટા ચૂંટણી અને ૦૧ ગ્રામ પંચાયતમાં મધ્યસત્ર ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીમાં ૬૩૧ મતદાન મથકો ઉપર જિલ્લામાં નોંધાયેલ ૪,૬૮,૨૦૭ મતદારો બેલેટ પેપર(મત પત્રક) ઉપર  પસંદગીના ઉમેદવારના નામ સામે ચોકડી મારી મત આપશે.અને નોટોની જોગવાઈ હોવાથી કોઈ પણ ઉમેદવાર પસંદ ન હોય તો નોટો ના ચિહ્ન ઉપર પણ ચોકડી મારી મત આપી શકાશે.

બાયડ તાલુકાનું રાજકારણ ગરમાયું

બાયડ તાલુકામાં ૪૮ પંચાયતોમાં પણ સરપંચ પપદ માટેની ચૂંટણીને લઇ રાજકારણ ગરમાયું છે. સંભવિત દાવેદારો દિવસ-રાત એક કરી રહ્યા છે અને મતદારોનો મિજાજ પારખવાની કોશિશ કરી રહ્યા છે. પોતાના ટેકેદારો સાથે ગામડાઓમાં ખાટલા બેઠકો કરી રહ્યા છે અને પોતાને ફરીથી તક આપવા માટે પણ લોકોને વિનંતીઓ કરતા નજરે પડી રહ્યા છે. જો કે, કેટલીક પંચાયતોના નબળા ઉમેદવારો કે જેઓ બીજી ટર્મમાં પણ સરપંચ બનવાની મહેચ્છા રાખી રહ્યા છે તેવા ઉમેદવારોને મતદારો પાઠ ભણાવવાના મૂૂડમાં હોવાનું જણાઈ રહ્યું છે.