Gujarat

અરવલ્લીમાં ત્રીજી લહેરના કુલ સંક્રમિતોના 90 ટકા જેટલા દર્દીએ બંને ડોઝ લીધા

By GS Team
23 Feb 20222 mins read
This article was originally published on 23 Feb 2022
અરવલ્લીમાં ત્રીજી લહેરના કુલ સંક્રમિતોના 90 ટકા જેટલા દર્દીએ બંને ડોઝ લીધા

મોડાસા,તા.22

અરવલ્લી જિલ્લામાં ત્રીજી લહેરના છેલ્લા ૫૫ દિવસમાં કુલ ૫૨૫ પોઝિટિવ કેસ નોંધાયા છે. જોકે ત્રીજી લહેરમાં સૌથી મોટી રાહતની વાત એ હતી કે આટલા કેસ છતાં માત્ર ૨ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. પરંતુ આ કુલ પોઝિટિવ કેસના ૯૦ ટકા દર્દી તો એવા માલૂમ પડયા હતા કે જેઓ કોવીડ-૧૯ રસીના બંને ડોઝથી સુરક્ષિત હતા છતાં સંક્રમિત થયા હતા. ત્યારે આ રસીની અસરને લઈને પણ જિલ્લાવાસીઓના મનમાં પ્રશ્નો ઉઠયા હતા.

ત્રીજી લહેરના કુલ પોઝિટિવ કેસો ૫૨૫ પૈકી ૩૬ વ્યક્તિઓએ એટલે કે ૨.૮૫ ટકા સંક્રમણગ્રસ્ત વ્યક્તિઓએ રસીનો એકપણ ડોઝ લીધો ન હોવાનું પણ જણાઈ આવ્યું હતું.

અરવલ્લી જિલ્લામાં પ્રથમ લહેરના ૩૨૩ દિવસમાં ૧૩૪૯,બીજી લહેરના ૧૩૧ દિવસમાં ૩૮૩૫ અને ત્રીજી લહેરના ૫૫ દિવસમાં ૫૨૫ જણા કોરોનાગ્રસ્ત થયા હતા.અને જે પૈકી સરકારી આંકડા મુજબ ૮૧ના મોત થયા હોવાનું જણાવાઈ રહયું છે. પરંતુ મૃત્યુનો આંકડો કેટલાય ઘણો વધારો હોવાનું મનાઈ રહયું છે.ત્યારે જિલ્લામાં ૧૬ જાન્યુઆરીથી કોવીડ-૧૯ રસીકરણ અભિયાન હાથ ધરાયા બાદ હવે કોરોનાનું સંકટ ટળશે.રસી આ વિષાણુની અસરનો ખાતમો બોલાવશે એમ મનાઈ રહયું છે.  પરંતુ કોરોના સંક્રમણની બીજી લહેરમાં રસી વગરના વધુ અને રસી લીધી હોવા છતાં પણ કેટલાક સંક્રમીત થયા હતા. જિલ્લામાં ડીસેમ્બર-૨૦૨૧ના છેલ્લા અઠવાડીયાથી ત્રીજી લહેરની અસરો વર્તાઈ રહી છે. ત્યારે આ ત્રીજી લહેરના ૫૫ દિવસમાં કુલ પોઝિટિવ કેસ ૫૨૫ સામે ૪૭૪ એટલે કે ૯૦ ટકા જેટલા દર્દી તો રસીના બંને ડોઝ લીધા હોવાનું જણાઈ આવ્યું હતું.ત્રીજી લહેરમાં મોતને ભેટલે ૪ દર્દી પૈકી ૩ દર્દીઓએ પણ કોવીડ-૧૯ રસીના બંને ડોઝ લીધા હોવાનું પણ માલુમ પડયું હતુું. 

જિલ્લામાં રસી વગરના ૩૬ દર્દી ત્રીજી લહેરમાં સંક્રમિત થયા

 જિલ્લામાં ત્રીજી લહેરમાં કુલ ૫૨૫ પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકીના ૧૫ પોઝિટિવ દર્દીઓએ રસીનો પ્રથમ,૪૭૪ દર્દીઓએ રસીના બંને અને ૩૬ દર્દીઓએ રસીથી સાવ વંચીત હોવાનું જણાઈ આવ્યું હતું.જોકે જિલ્લામાં ૧૬ જાન્યુઆરી ૨૦૨૧થી શરૂ કરાયેલ રસીકરણ અભિયાનના ૧૩ માસમાં ૭,૪૬,૫૩૨ ને રસીનો પ્રથમ,૭૪૨૭૭૦ ને રસીના બંને અને ૫૯૮૪૧ વ્યક્તિને બુસ્ટર એટલે કે પ્રિકોશન ડોઝ અપાતાં સંક્રમણની અસરો વચ્ચે પણ ત્રીજી લહેરમાં પોઝિટિવ દર્દીઓને ગંભીર લક્ષણો જણાયા ન હોવાનું અને મોટાભાગના સંક્રમીતો ૪ કે ૭ દિવસના હોમ કર્વારન્ટાઈન દરમ્યાન સારવારથી સાજા થયા હોવાનું રસી અભિયાનના નોડેલ ઓફિસર ર્ડા.કૌશલ પટેલે જણાવ્યું હતું.આ લહેરમાં કુલ ૫૨૫ દર્દી પૈકી માત્ર ૨ જ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા હોવાનું અને મોતનું પ્રમાણ સાવ નજીવું હોવાનું પણ આ ઓફીસરે જણાવ્યું હતું.