મોડાસા,તા. 30
વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની અસરોને લઈ સર્જાયેલ લો પ્રેશરથી
રાજયમાં આગામી દિવસોમાં માવઠાની આગાહી કરાઈ છે. હવામાન વિભાગની આ આગહીને પગલે
મંગળવારના રોજ અરવલ્લી જિલ્લામાં દિવસભર વાદળછાયું વાતાવરણ છવાયું હતું.સંકટના આ
વાદળો વચ્ચે જગતના તાત માટે વેરી બનનાર કમોસમી વરસાદની સંભાવનાઓને પગલે જિલ્લા
વહીવટી તંત્ર એલર્ટ કરાયું હતું.અને ૪૦ થી ૬૦ કીમી ની ઝડપી તોફાની પવન સાથે થનાર
માવઠાને લઈ જરૂરી તકેદારીઓ દાખવવા વેપારીઓ,ખેડૂતો અને પ્રજાજનોને તાકીદ કરાઈ હતી.
અરબી સમુદ્રમાં સર્જાયેલ લો-પ્રેશરને લઈ ૧૨ દિવસ અગાઉ
રાજયભરમાં ભારે કમોસમી વરસાદ થયો હતો.ગ્લોબલ વોર્મીંગની પ્રભાવી અસરો વચ્ચે ૧૩
દિવસ બાદ જ જિલ્લામાં વધુ એક માવઠાનો માર જિલ્લાના ખેડૂતોને વેઠવાનો વારો આવ્યો
છે. હવામાન વિભાગની આગાહી મુજબ વેર્સ્ટન ડીસ્ટબન્સને લઈ અરવલ્લી જિલ્લા સહિત પડોશી
એવા સાબરકાંઠા,ખેડા,મહિસાગર અને પંચમહાલમાં ૩૦
નવેમ્બરથી ૩ ડીસેમ્બર સુધી ૪૦ થી ૬૦ કીમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન સાથે વરસાદ
થનાર છે. આ આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ કરાયું છે. અને સંભવીત આ
ભારે વરસાદને લઈ જરૂરી તકેદારી દાખવવા સંલગ્ન વિભાગોને જિલ્લા કલેકટર દ્વારા તાકીદ
કરાઈ છે.સંભવીત માવઠાને પગલે જગતનો તાત મુંઝાયો છે. માથે ઉમટેલા સંકટના વાદળો
વરસશે તો રવિ પાકને ભારે નુકશાન થવાની ભીંતી સેવાઈ રહી છે. ત્યારે માવઠાના પૂર્વે
પોતાની ખેત પેદાશો વેચવા મંગળવારના રોજ મોટાપ્રમાણમાં ખેડૂતો ઉમટી પડતાં મોડાસા
માર્કેટયાર્ડો ખેડૂતો અને તેમના વાહનોથી ઉભરાયું હતું.
લગ્નો સહિતના પ્રસંગો ઉપર સંકટ
બે સપ્તાહમાં બીજીવાર ભરશિયાળે અષાઢી માહોલ જેવો ઘાટ સર્જાય
તેવી આશંકાઓ સેવાઈ રહી છે. જિલ્લામાં ૧ થી ૩ ડીસેમ્બર સુધી વીજ કડાકા અને તોફાની
પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે. ત્યારે લગ્ન પ્રસંગો ઉપર આ માવઠાની ભારે અસર
વર્તાશે. લગ્ન સહિતના અન્ય પ્રસંગોનું આયોજન કરી બેઠેલા આયોજકોને માવઠાનો માર સહન
કરવાનો વારો આવશે.અને પ્રસંગોની મજા બગાડશે એવી ચીંતા સેવાઈ રહી છે.
મોડાસા માર્કેટયાર્ડ દ્વારા વેપારીઓ અને ખેડૂતોને જરૂરી
તાકિદ
મોડાસા ખાતેની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ઠરાવ્યા
મુજબ જરૂરી સરકયુલર પ્રસિધ્ધ કરાયો છે.યાર્ડના સેક્રેટરી ભાસ્કર ભટ્ટના જણાવ્યા
મુજબ સંભવીત આગાહીને પગલે વેપારીભાઈઓને બહાર ખુલ્લામાં પડેલ માલ સુરક્ષિત સ્થળે
ખસેડી લેવા જણાવ્યું છે. જયારે આ તોફાની પવન સાથેના વરસાદની આગાહીને પગલે ખેડૂતોને
ખેત પેદાશો વેચવા આવતાં અગાઉ વાતાવરણ ધ્યાને લેવા,શકય હોય તો હાલ વેચાણ
ટાળવા અને પોતાની ખેત પેદાશોને સુરક્ષિત કરવા અપીલ કરાઈ છે.
એક દિવસમાં ત્રણ ઋતુનો અનુભવ
વેસ્ટન ડિસ્ટર્બન્સને પગલે ફરી એકવાર જિલ્લામાં ભરશિયાળે
કમોસમી વરસાદથવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે. છેલ્લા બે દિવસથી પવનની બદલાયેલ
દિશાને લઈ જિલ્લામાં ઠંડીનું જોર વધ્યું છે. બપોરે બાફ વચ્ચે ગરમી વર્તાઈ રહી છે.
ત્યારે જિલ્લામાં વરસાદ પડશે તો એક જ દિવસમાં ત્રણ ઋતુનો અનુભવ થશે.અને આ સ્થિતિ
રોગચાળો નોતરશે એવી આશંકાઓ સેવાઈ રહી છે.
કમોસમી વરસાદની સ્થિતિને લઈ તંત્ર દ્વારા ખેડૂતો જોગ સંદેશ
૧. ઉભા પાકમાં પિયત અને દવા આપવા માટે રાહ જોવી. ૨. કપાસ
પાકમાં તૈયાર રૂ વીણી લેવું. ૩. પશુઓના વાડા સુરક્ષિત કરવા,દુધાળા
પશુ અને વાછરડાને સલામત શેડમાં ખસેડવા. ૪. ઉભા પાકમાં પાણી ભરાઈ ન રહે તે માટે
પાણી નીકાલની વ્યવસ્થા કરવી. ૫. ફળ પાકોમાં ફળની વીણી કરી ફળઝાડને પવન સામે રક્ષણ
પુરૂ પાડવું. ૬. ખેતરમાં ખુલ્લા પડી રહેલ ખેત પેદાશો,ઘાસચારો
સુરક્ષિત સ્થળે ખસેડવો.


