Gujarat

મોડાસાના હજીરા વિસ્તારમાં બેંકનું એટીએમ તોડીને ચોરીનો પ્રયાસ

By GS Team
30 Jul 20201 min read
This article was originally published on 30 Jul 2020
મોડાસાના હજીરા વિસ્તારમાં બેંકનું એટીએમ તોડીને ચોરીનો પ્રયાસ

મોડાસા,તા.29 જુલાઈ, 2020, બુધવાર

મોડાસા શહેરના શામળાજી રોડ ઉપર હજીરા વિસ્તારમાં આવેલી કોટક મહિન્દ્ર બેંકના એટીએમ મશીનનો કોઈ શખ્સોએ હથીયારથી તોડી નુકશાન કરી ચોરીનો પ્રયાસ કરાયો હતો. જયારે બાજુમાં આવેલ ટ્રેકટરના ગેરેજનું શટર તોડી ચોરોએ દુકાનના ડ્રોઅરમાંથી રૂ.૧૫ હજાર રોકડ સહિત મોટર સાયકલની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.

એટીએમ મશીન તોડવામાં નિષ્ફળ રહેલા ચોરોએ બાજુમાં આવેલ ગેરેજમાં ચોરી કરી હાથ ફેરો કરી જતા આ અંગે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

શહેરના હજીરા વિસ્તારમાં આવેલા કોટક મહિન્દ્રા બેંકના એટીએમ મશીનને કોઈ અજાણ્યા ચોરોએ હથિયાર વડે તોડવાનો પ્રયાશ કર્યો હતો.નીચેના ભાગે થી મશીન તોડવાની કોશીશ કરાઈ હતી.પરંતુ ચોરોને સફળતા ન મળતાં આ વિસ્તારમાં અક્ષર કોમ્પલેક્ષમાં આવેલ નવકાર આયશર ટ્રેકટરના ગેરેજનું શટરનું તાળું તોડી ચોરોએ અંદર પ્રવેશ કર્યો હતો.

ગેરેજમાં રખાયેલ ડ્રોઅરમાંથી રોકડ રૂપિયા ૧૫ હજાર તથા મોટર સાયકલ જેની કિ.રૂ.૬ હજાર ની ચોરી કરી અજાણ્યા ચોરો પલાયન થઈ ગયા હતા. એટીએમ મશીન ન તૂટતા બેંકને મોટુ નુકશાન થતાં રહી ગયું હતું.આવેલ ચોરોએ એટીએમ મશીન જોડે લગાડેલ સીસીટીવી કેમેરા પણ ખેંચી ને નાખી દીધા હતા.જેથી આ અંગે બેંકના મેનેજર વિરેન્દ્રકુમાર હિરાભાઈ પ્રજાપતિ એ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા ચોરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.