Gujarat

ભિલોડાના પાલ્લા ગામના યુવકના માથે હથિયાર ઝીંકી ઢીમ ઢાળી દેવાયું

By GS Team
15 Feb 20221 min read
This article was originally published on 15 Feb 2022
ભિલોડાના પાલ્લા ગામના યુવકના માથે હથિયાર ઝીંકી ઢીમ ઢાળી દેવાયું

 મોડાસા,તા.14

ભિલોડા તાલુકાના પાલ્લા ગામના ૨૭ વર્ષિય પરણિત યુવકનો મૃતદેહ સોમવારની સવારે કુંભારીયા છાપરા ગામની સીમના તળાવમાંથી મળી આવતાં જ પંથકમાં ચકચાર મચી હતી. મિત્રો સાથે લગ્નમાં ગયેલ યુવકના માથાના ભાગે ધારદાર હથિયાર મારી મોત નીપજાવી કરાયેલ હત્યાનાને લઈ પંથકમાં તરહ તરહની ચર્ચાઓ ઉઠી હતી. જયારે ભિલોડા પોલીસે આ ખૂનના ગુનામાં અજાણ્યા ઈસમો વિરૃધ્ધ હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપવા કવાયત હાથ ધરી છે.

તાલુકાના પાલ્લા ગામના રહીશ અને ભિલોડા ખાતે પ્રકાશ ફેશન નામની દુકાનમાં નોકરી કરતો ૨૭ વર્ષિય પરણિત યુવક મહેશ ઉર્ફે કાળુ ગત રવિવારના રોજ તેના ગામના મિત્રો સાથે લગ્નમાં ગયો હતો. કુંભારી છાપરા(લીલછા)ગામે ભીમાભાઈ તરારના લગ્નમાં અન્ય મિત્રો કુલદીપભાઈ મકવાણા, કરણભાઈ રાજુભાઈ ભગોરા સાથે એકટીવા ઉપર ગયેલા આ મહેશભાઈને રવિવારે રાત્રે તેમના પત્નિ કૈલાશબેન સાથે પણ લગ્નમાં હોવાની વાત થઈ હતી. પરંતુ સોમવારની સવારે મહેશભાઈ ઉર્ફે કાળુ જગાભાઈ મકવાણાનો મૃતદેહ કુંભારીયા છાપરા (લીલછા)ગામની સીમમાં આવેલા કુંભારી તલાવડીમાંથી મળી આવતાં જ પંથકમાં ચકચાર મચી હતી.  આ ઘટનાની જાણ મૃતકના નાનાભાઈ અને તેમની સાથે જ નોકરી કરતાં હરેશભાઈ ને તેમના શેઠ એવા ફોઈના દિકરા તરફથી થતાં જ સૌ પરીવારજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને પરિવારજનોએ બનાવની જાણ ભિલોડા પોલીસને કરી હતી. ભિલોડા પોલીસે કોઈપણ કારણોસર માથે હથિયારના ઘા ઝીંકી આ ઘાતકી હત્યા કરી નાખ્યા હોવાનો ગુનો અજાણ્યા ઈસમો વિરૃધ્ધ નોંધ્યો હતો.