કળિયુગમાં પણ રામ બનવા કઈ કવોલિટીઝ કેળવવી પડે? રામધુન નહિ પણ 'રામ ગુણ' જાણો વાલ્મીકિ રામાયણમાંથી!

- અનાવૃત-જય વસાવડા
- કોઈએ આપણું નાનકડું પણ ભલું કર્યું હોય તો ગુમાનમાં એ ભૂલી નહિ જવાનું. એ માટે લાગણીથી ઉપકારનું વળતર આપવાનો પ્રયાસ કરવાનો.
તપ:સ્વાધ્યાયનિરતં તપસ્વી વાગ્વિદાં વરમ્ !
આજકાલ અચાનક બધાને આજીવન આખું વાંચ્યા વિના પણ બહુ યાદ આવી રહ્યું છે એ મહર્ષિ વાલ્મીકિના રામાયણનો આરંભ આ શ્લોકથી થાય છે ! આપણે ત્યાં વધુ લોકપ્રિય તુલસીદાસજીનું રામચરિતમાનસ છે. જેને પણ રામાયણથી ઓળખે છે બધા. વાલ્મીકિ રામાયણ તો માત્ર ફિલ્મ સરખી જોયા વિના જ રામાયણમ્ ફિલ્મની ટીકા કરવા પુરતું ઓજાર તરીકે ઓનલાઈન વિષવમન કરનારા 'નેગેટિવાસુરો' આગળ ધરે છે, પણ એમણે આખું સરખું વાંચ્યું નથી હોતું. અદ્ભુત મહાકાવ્ય (એપિક) છે આ. વિશ્વનો વારસો છે, માનવજાતનો અરીસો છે. કમ્પ્લીટ સ્ટોરીટેલિંગ આપતી સંસારની પ્રાચીનતમ કૃતિ છે. ફિલ્મ થકી રાવણનાં મહિમામંડનની ચર્ચા કરનારને પણ ખરેખર ખબર હોવી જોઈએ કે વિશ્વસાહિત્યનો સૌપ્રથમ ખલનાયક પણ ભારતની દેન છે ! રાવણ આદિ-વિલન છે !
પણ રામાયણની રચના વાલ્મીકિએ આદર્શ નાયકનું ચરિત્ર ઘડવા માટે કરી હતી. એટલે શરૂઆતમાં લખી એ વાત પોતાના આશ્રમની મુલાકાતે આવેલા બ્રહ્મર્ષિ નારદને મહર્ષિ વાલ્મીકિ પૂછે છે. તપ અને અભ્યાસમાં નિરંતર લીન અને વાણીમાં ઉત્તમ એ વિશેષણ ઋષિ માટે છે ને ત્યાંથી જ બાલકાંડનાં પ્રથમ સર્ગમાં વિવિધ ગુણોની રમઝટ જામે છે. આ ગુણો જે ઋષિમાં હોય એ રાજા રામમાં પણ છે. રામાયણની રચનાનો હેતુ જ આદર્શ મનુષ્યની ગુણગાથા વર્ણવી સંસારને એવા થવા થવા માટે પ્રેરિત થવાનો છે. અમુક વિવાદાસ્પદ ઘટનાઓ ધરવતા એના ઉત્તરકાંડમાં સંશોધકોના મતે ઘણું બાકીના પાઠ સાથે મેળ નથી ખાતું એવું પાછળથી ઉમેરાયેલું છે. એટલે એ પૂર્ણ રૂપે બધા વિદ્વાનો માન્ય નથી રાખતા, પણ એ અલાયદો વિષય છે.
યાદ રાખો, વાલ્મીકિના રામ ઈશ્વર નથી. ભગવાન રામ એવી કોઈ વાત એમાં નથી. પણ મનુષ્ય એવા દેવતાઈ ગુણો ધરાવે ને કષ્ટ વેઠીને પણ સિધ્ધાંતવાદી અને મૂલ્યનિષ્ઠ જીવન જીવે તો પાછળથી પ્રભુ તરીકે પૂજાય એવો પ્રભાવ એનો પડે એ સમજવાનું છે. રામાયણમાં બોલતા પશુપંખીઓ, ઉડતા વિમાનો, માયાવી રાક્ષસો પણ છે. ફેન્ટેસીની અદ્ભુત સૃષ્ટિ છે. સ્વયં બ્રહ્મા આવી વાલ્મીકિને શરૂઆતના પ્રથમ કાંડના બીજા જ પ્રકરણમાં શ્લોક નંબર ૩૨માં કહે છે 'આ લોકમાં જે પરમ ધર્માત્મા, ઐશ્વર્યવાન અત્યંત બુદ્ધિમાન અને ધીરગંભીર પુરુષ છે, તેવા શ્રીરામના ચરિત્રનું તમે નારદજી પાસેથી જેવું સાંભળ્યું છે તેવું જ કથન કરો।' બ્રહ્મા મળે મનુષ્ય કવિને વાત કરવા એ કલ્પન હોઈ શકે, પણ રામ એક પુરુષ યાને માનવ તરીકે સંબોધાય છે.
તો એવું શું હતું કે એ માનવમાં બધાને દેવના દર્શન થયા ? ઘટનાઓ તો પછી બધી આવે છે. પણ એ રહસ્ય શરૂઆતમાં જ ખુલ્લું કરી દેવામાં આવે છે. પ્રથમ પ્રકરણના શ્લોક ૨,૩ અને ૪માં વાલ્મીકિ કેટલાક ગુણો વર્ણવી કહે છે કે આ બધું કયા દિવ્યાત્મામાં જોવા મળે ? અને શ્લોક ૮ થી ૧૯માં નારદ જવાબમાં રામનું વર્ણન કરતા એ બધા ક્રાઈટેરિયામાં ઉમેરો કરી દે છે. બધા શ્લોકો એઝ ઈટ ઈઝ લખીએ અહીં તો લેખ દુર્બોધ યાને ટફ થઇ જશે સામાન્ય વાચક માટે.
તો એનું સારદોહન કરીને આજના સમયે આપણને ઉપયોગી હોય એ લક્ષણો તારવી લઈએ. ઉત્તમ નર કે નારી બનવું હોય ભારતીય સંસ્કૃતિ મુજબના તો કઈ બાબતો કેળવવી જોઈએ ? એનું લિસ્ટ સમજી લઈએ થોડી આજની સરળ ભાષામાં. મૂળ પાઠ તો રસ પડે એના માટે આખા દેશમાં ઉપલબ્ધ છે, પણ સનાતનનું દર્શન પાઠની ગોખણપટ્ટી નથી, સ્થળકાળ મુજબ જે નકામું કે આઉટડેટેડ લાગે એ ઠંડા કલેજે કોઈની પરમિશનની રાહ જોયા વિના પડતું મૂકી કામનું શીખવા સમજવા સુધરવા જેવું હોય એ પકડીને સેલ્ફ કરેકશન કરતા કરતા સચાચારના માર્ગે આગળ વધવું એ છે.
'સર્વગુણસંપન્ન' રામને કહેવાયા છે. તો કયા ગુણો? 'વીર્યવાન'. આ શબ્દ બાયોલોજીના અર્થમાં નથી. એનો અર્થ છે : પ્રચંડ પરાક્રમી. વાતે વાતે ભયભીત ના થાય એવા. પછી? ફક્ત બળવાન નહિ, 'ધર્મના રહસ્યને જાણનાર'. પણ યાને ખાલી શાસ્ત્રો ટાંક્યા કરે વાતે વાતે એમ નહિ, એના મૂળ મર્મ સમજી શકે એવા અભ્યાસુ. એટલે વિધિવિધાનના કર્મકાંડ કરતા તત્વચિંતનનું તપ વધુ કરે એ. નેક્સ્ટ ? 'કૃતજ્ઞા'. મીન્સ, ફૂલ ઓફ ગ્રેેટીટયુડ. કોઈએ આપણું નાનકડું પણ ભલું કર્યું હોય તો ગુમાનમાં એ ભૂલી નહિ જવાનું. એ માટે લાગણીથી ઉપકારનું વળતર આપવાનો પ્રયાસ કરવાનો.
આગળનો ગુણ છે : 'સત્યવાક્ય'. સત્ય બોલવામાં કોઈની શેહશરમ ના રાખવી. ભલે સૌજન્ય રાખો પણ સાચું તો મક્કમ રહી કહેવું. (યાને ખોટા ગપ્પા ના મારવા ને ના કોઈના જૂઠ સહન કરવા કે એમાં સાથ આપવો) અને સાચું જીવવું જેથી સત્ય બોલો એમાં બળ રહે. આગળનો શબ્દ ? 'દ્રઢવ્રત'. મતલબ, સેલ્ફ કમિટેડ. પોતે જે નિશ્ચય કર્યો હોય એમાં ડગમગે નહિ એવો માણસ. વ્યસન નથી કરવું તો લાખ પ્રલોભન સામે હોય ને કોઈ સીસીટીવી ના હોય તો પણ ના પાડી શકે એવો. કસરત કરવી હોય તો એકલો શરુ થઇ જાય ગમે તે સ્થિતિમાં એ. ઉપવાસ કરવો હોય તો ફરાળ પણ ના ખાય એવો. ટૂંકમાં, મજબૂત મનોબળ. અને બોલ્યું એ પાળે. ફરી ના જાય.
આગળ? 'ચરિત્રવાન'. રામ બ્રહ્મચારી નહોતા. સંસારી સદાચારી હતા. યાને ચરિત્રની વ્યાખ્યા એટલે આકર્ષણ અને પ્રણયની મનાઈ એમ નહિ. જે કોઈ પણ સંજોગોમાં પોતાના મૂલ્યો સાથે બાંધછોડ કરી ભ્રષ્ટ ના થાય એ. જેમની કથની કરણીમાં ભેદ ના હોય એવા. પછી છે 'સર્વભૂતેષુ કો હિત:' યાને સમસ્ત પ્રાણીમાત્રનું હિત કરનાર. કેવી આધુનિક એન્વાર્યન્મેન્ટ ફ્રેન્ડલી વાત છે આ! માત્ર પોતાનો ફાયદો ના જુએ, પણ બીજા લોકો તો ઠીક સચરાચર અબોલ જીવોનું પણ હિત જોઈ જીવે એ. નેચર લવર. પોતાના ધંધા માટે જંગલો કાપી નાખે એવા કારોબારી રામ ના હોય. નેક્સ્ટ? 'વિદ્વાન'. વિવિધ ગ્રંથોનું વાચન કર્યું હોય એવા સ્કોલર. ડફોળ કે અભણ નહિ. ગેમે તે ફોરવર્ડ મેસેજ માની લે એવા બાઘેશ નહિ. પછી ? 'સમર્થ'. બીજાને અશક્ય લાગે એવા પડકાર ઝીલીને નેતૃત્વ લઈને કુશળતાથી કામ કરે એ સમર્થ. અને 'પ્રિયદર્શન'. જેમની નજર પોઝિટીવ હોય ને બધું સારું શોધી શકે, ને જેમને સોહામણા દેખાવાનો ચોચ ના હોય. જેમને જોઇને આનંદ થાય, જે પોતીકા ને વ્હાલા લાગે એવા સુંદર, સરળ ને સહજ.
આગળ છે 'આત્મવાન'. સેલ્ફ કન્ટ્રોલ્ડ એન્ડ સેલ્ફ કોન્ફિડન્ટ. જેમનું તેજ ઉછીનું નથી. મેક અપની કોસ્મેટિક બ્યુટી કે એ આઈના ઉધાર નોલેજના જોરે બીજાને ઈમ્પ્રેસ નથી કરતા એ. ખુદની સોબત જેમને ગમે એટલી આંતરિક ઉર્જા હોય ને ઘડી ઘડી કોઈની સલાહ કે સહાય માંગવા ના જતા હોય એવા. નેક્સ્ટ? 'જીતક્રોધ'. જેને ગુસ્સો આવે જ નહિ એમ નહિ, પણ જેણે ગુસ્સાને જીતી લીધો છે એવા. નાનાની વાતોમાં મોટો ગુસ્સો ના કરે. મોટે ભાગે સંયમથી ગમ ખાય. ગુસ્સાને કાબૂમાં રાખે. હસીને વાત પતી જતી હોય તો કારણ વગર રાડારાડ કરીને ટેન્શન ના વધારે એવા એન્ગર મેનેજમેન્ટ કરી શકનાર. 'દ્યુતિમાન'. યાને તેજસ્વી, ઓજસ્વી. કાંતિમય. જેન ઝીની ભાષામાં કહો તો ઓરા ફાર્મિંગ જોવા મળે જેમનામાં એ. વ્યક્તિત્વ દયામણું કે માંદલું નહિ પણ પ્રભાવશાળી રાખે એવા. દેખાવ નહિ, પર્સનાલિટીનો પાવર. ઈરફાન ઇમરાન (આમિરનો ભાણેજ) જેટલો રૂપાળો નહોતો, પણ એનામાં ધુ્રતિ એવી હતી કે એની સામે હ્રીતિક કે કાર્તિક આર્યન પણ ઝાંખા લાગે. યશ જોઈ લો લેટેસ્ટ એકઝામ્પલ માટે.
એ બાદ આવતો શબ્દ તો પર્સનલ ફેવરિટ છે. આપણો જ છે પણ આપણે ભૂલી ગયા છીએ ને બધી ભાષામાં જોવા ના મળે એવો છે : 'અનસૂયક'. અસૂયા એટલે સતત બીજાના દોષ કાઢયા કરવાની વૃત્તિ. એક પ્રકારની અદેખાઈ. જેલસીની જલન. બીજા માટે ઈર્ષાને લીધે અનુભવાતો દ્વેષ અને એની ઇનસિક્યોરિટીમાં થતી ખટપટ. આમાંનું કશું ના હોય જેનામાં એ અનસૂયક. દ્વેષથી અન્યના દોષ કાઢયા કરે એવા ટ્રોલિયાટપોરી જય શ્રી રામ બોલે તો પણ રામની તોલે તુચ્છ તણખલું પણ ના લાગે. ભલભલા સાધુમહાત્માઓ પણ અનસૂયક નથી હોતા. એમને ખાનગીમાં કે જાહેરમાં બીજાના દોષ કાઢયા કરવાની દ્રષ્ટિ જ હોય છે સમતાને બદલે. એકધારી પિન ચોંટાડીને રામમંદિરની વાસ્તવિક ચંદાચોરીમાં ના ઉકળી ઉઠયા હોય એવા નમુના એક કાલ્પનિક ફિલ્મની પાછળ લસણ ખાઈને પડી ગયા છે એ બધામાં આ અવગુણ છે, જે રામમાં નહોતો. એટલે એમને ભારત કે વિભીષણને રાજ્ય પણ આપી દેવામાં સંકોચ નહોતો થયો. બીજાની નિંદા કાયમ કાર્ય ના કરે એવા અનસૂયક હો તો રામ બની શકો.
અને 'બિભ્યતિ દેવાશ્ચ જાતરોષસ્ય'. રામ ધીરજવાન છે. શૌર્ય સાથે ધૈર્ય એમનો ગુણ છે. શત્રુ માટે પણ સહિષ્ણુ કે ટોલરન્સ રાખનારા ક્ષમાશીલ છે. ધીરજ દૈવી ગુણ જ છે. બધા પાસે નથી હોતી. અધીરાઈ ને ઉતાવળમાં બ્લડપ્રેશર વધારીને ચિંતા કરવાને બદલે શાંતિથી કપરો સમય પસાર થાય એની રાહ જુએ, વાતે વાતે પ્રહાર કરવાને બદલે શત્રુ સામે પણ યોગ્ય મોકો ના આવે ત્યાં સુધી મૌન રહે એવા રામ છે. ક્રોધ એમની ફર્સ્ટ ચોઈસ નથી. પણ અંતિમ ઉપાય તરીકે જો યુદ્ધ કરવા માટે મેદાને પડવાનું આવે તો દેવતાઓ પણ થથરી ઉઠે એમ એમનો પુણ્યપ્રકોપ વિસ્ફોટ કરે છે ! એમની ક્ષમા અને ધીરજ એમની નબળાઈ નથી. સાધુતા છે, સજ્જનતા છે. પણ અંગ્રેજીમાં કહે છે એમ 'બિવેર ઓફ ધ ફ્યુરી ઓફ સાયલન્ટ મેન'. શાંત માણસના ક્રોધથી ડરવું. કારણ કે એ કારણ વગર ક્રોધ નહિ કરે ને કરે તો પાછો નહિ પડે એવી વીરતા એનામાં હશે !
આટલી વાત તો શ્લોક ૨,૩,૪ માં વાલ્મીકિ રામાયણની શરૂઆતમાં છે. હવે શ્લોેક ૮ થી ૧૯નો અનુવાદિત સાર લખીએ જેમાં આ ગુણો રામમાં જોવા મળે છે એમ કહીને એમની સ્તુતિ છે.
'ઇક્ષ્વાકુ વંશમાં જન્મેલા અને લોકોમાં 'રામ' નામથી પ્રસિદ્ધ એક એવા પુરુષ છે. તેઓ મન પર સંયમ રાખનાર, મહાપરાક્રમી, તેજસ્વી, ધૈર્યવાન અને જિતેન્દ્રિય (પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખનાર) છે. તેઓ અત્યંત બુદ્ધિમાન, નીતિજ્ઞા, વાક્પટુ (શ્રેષ્ઠ વક્તા), શોભાયમાન (દેખાવડા) અને શત્રુઓનો સંહાર કરનાર છે. (પછી લાંબુ શારીરિક દેખાવનું વર્ણન આવે છે જે અરુણ ગોવિલ કરતા રણબીર કપૂરને વધુ ફિટ થાય છે, વાંચી લેજો !)
તેઓ ધર્મના જાણકાર, સત્યપ્રતિજ્ઞા અને પ્રજાના કલ્યાણમાં સદા તત્પર રહેનાર છે. તેઓ યશસ્વી, જ્ઞાનસંપન્ન, પવિત્ર આચરણવાળા, શરણાગતને વશ રહેનાર (આશરે આવેલા માટે પાછા ન પડનાર) અને એકાગ્રચિત્ત (સમાધિમાન) છે. તેઓ પ્રજાપતિ સમાન પાલક સમસ્ત જીવલોકના રક્ષક છે. તેઓ પોતાના સ્વધર્મનું (વનવાસ હોય તો એ મુજબ રહેવું ને યુદ્ધ હોય તો એ મુજબ લડવું ને પ્રેમ હોય તો એ પ્રગટ કરવો એ સ્વધર્મ)નું અને સ્વજનોનું રક્ષણ કરનાર છે. તેઓ વેદવેદાંગોના સત્વને જાણનાર તેમજ ધનુર્વેદ (શસ્ત્રવિદ્યા)માં પારંગત છે. તેઓ સર્વ શાસ્ત્રોના રહસ્ય તથા અર્થને જાણનાર, ઉત્તમ સ્મરણશક્તિવાળા અને પ્રતિભાશાળી છે. તેઓ સમગ્ર લોકને પ્રિય, સાધુ સ્વભાવના, સંકટ સમયે પણ દીન (બિચારા કે ડરપોક) ન થનાર ધૈર્યશીલ અને અત્યંત વિચક્ષણ વિવેકી છે.
જેમ બધી નદીઓ સમુદ્રને મળે છે, તેમ સજ્જનો સદૈવ તેમની પાસે આવે છે. તેઓ શ્રેષ્ઠ (આર્ય), સૌની પ્રત્યે સમાન ભાવ રાખનાર અને હંમેશા પ્રિયદર્શન (સૌમ્ય) લાગનાર છે. સર્વ સદ્ગુણોથી યુક્ત એવા તે શ્રીરામ માતા કૌશલ્યાનો આનંદ વધારનાર છે. ગંભીરતામાં તેઓ સમુદ્ર સમાન અથાગ છે અને ધૈર્યમાં હિમાલય પર્વત સમાન અડગ છે. પરાક્રમમાં ભગવાન વિષ્ણુ સમાન છે અને દેખાવમાં ચંદ્રમા જેવા મનોહર છે. ક્રેોધમાં તેઓ પ્રલયકાળની અગ્નિ સમાન ભયંકર, પરંતુ ક્ષમાશીલતામાં પૃથ્વી સમાન સહનશીલ છે. ત્યાગ અને દાનમાં તેઓ કુબેર સમાન ઉદાર છે, અને સત્યપાલનમાં ધર્મરાજ સમાન અદ્વિતીય છે.'
જુઓ, આ રિવિઝનમાં પણ વિઝન એ જ છે કે રામ જ્ઞાની અને ઉદાર હતા, વીર અને ધીર હતા, જાત પર કાબૂ હતો અને ન્યાય માટે નક્કર હતા. પરોપકારી અને શક્તિશાળી હતા. તન અને મનથી મજબૂત અને આત્મસંયમ સાથે અભ્યાસુ હતા. આ બધા ગુણો હોય એ ફોરએવર હીરો જ છે. સનાતન નાયક. અને આ ક્વોલિટીઝ પાછી જેન્ડર ન્યુટ્રલ છે. પુરુષ જ નહિ, સ્ત્રી પણ ધરાવી શકે. ભારતવર્ષ માટે આ ગુણ પૂજનીય છે. ભગવાન માત્ર શ્રદ્ધાથી નહિ, આવા ગુણોથી બનાય છે. એમની ગાથા સાંભળવાથી પેઢી દર પેઢી ધરાતી નથી. એમની વાત નવી નવી રીતે કહેનારા આવ્યા જ કરે છે.
પણ વિચાર એ કરો કે માત્ર ધાર્મિક લાગણી દુભાવવા માટે કે ભક્તિનું પ્રદર્શન કરતી ભીડ માટે જ રામનું નામ આગળ કરી એને અહં / ઈગો બનાવી દેનાર પ્રજા ખરેખર આચરણમાં રામ બની શકી છે ? રામના દેશમાં આટલી ગંદકી, તેજોદ્વેષ, હુંસાતુંસી, ભ્રેષ્ટાચાર, સ્વાર્થવૃત્તિ, ગુનાખોરી, જૂઠ, ત્યાગને બદલે પરિગ્રહ અને જ્ઞાન વિનાની સંકુચિત ઘૃણાના નવ નવ નરક કેમ વિકસે એ અચરજ માટે કહેવું પડે કે રામ જાણે આપણે આવા કેમ થઇ ગયા ! રામનું નામ લઈએ તો રામનું કામ કેળવીએ.
ઝિંગ થિંગ
'સત્કર્મ એ કે જે પ્રેમ દયા, પરોપકારથી થાય. દુષ્કર્મ એ કે જે ક્રોધ, ઘમંડ અને ઘૃણાથી થાય'
(મૂળ રામાયણમાં નથી પણ કિવદંતીઓ મુજબ મરતી વેળાએ રાવણે રામલક્ષ્મણને નીતિજ્ઞાન આપેલું એ માટે 'ભારત એક ખોજ' સિરીયલમાં ઓમ પુરી માટે લખાયેલો સંવાદ)




