Gujarat

કામદારોનું આર્થિક શોષણ નહીં અટકે તો આંદોલન કરવાની ચિમકી

By GS Team
23 Feb 20221 min read
This article was originally published on 23 Feb 2022
કામદારોનું આર્થિક શોષણ નહીં અટકે તો આંદોલન કરવાની ચિમકી

- વિઠ્ઠલ ઉદ્યોગનગર જીઆઇડીસીનો મામલો

- ઉદ્યોગોમાં પગાર ધોરણ ઓછું ચુકવાતું હોવા સહિતના આક્ષેપ કરવામાં આવ્યા

વલ્લભવિદ્યાનગર : વિઠ્ઠલ ઉદ્યોગનગર જીઆઇડીસી ઔદ્યોગિકઝોનમાં આવેલા કારખાનેદારો દ્વારા કામદારોનું આર્થિક શોષણ કરવામાં આવી રહ્યુ હોવાના આક્ષેપ સાથે ક્ષત્રિયસેના દ્વારા એસો.ના પ્રમુખ હર્ષદભાઇ મહેતાને આવેદનપત્ર આપીને તત્કાલિન રાહે શોષણ અટકાવા અને જો ન્યાયોચિત ઉકેલ નહી આવે તો શહીદ ભગતસિંહના માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

વલ્લભ વિદ્યાનગર પાસેના જીઆઇડીસી એસ્ટેટમાં કામ કરતા લોકો માટે આપવામાં આવેલ આવેદન પત્રમાં રજુઆત કરાઇ છે કે કંપનીઓમાં કામ કરતા લોકોનું શોષણ થઇ રહ્યુ છે અને ગુજરાત લેબર લો ૨૦૨૦ પ્રમાણે જે કામદાર હોય કે નોકરીયાત હોય જેમાં સ્કીલ, સેમીસ્કીલ અને અનસ્કીલ લોકો માટે પગારના ધોરણો સરકારે નકકી કરેલા ભથ્થા ચુકવવા જોઇએ. લઘુત્તમ વેતન ૩૪૦ રૂપિયા મુજબ પગાર ચુકવવા માંગ કરાઇ છે. સરકારી ધારાધોરણ મુજબ અન્ય ભથ્થા વેલ્ડીંગ ગ્લાસ, હેન્ડ ગ્લોઝ, બુટ, હેલ્મેટ પુરા પાડવા જોઇએ, કામદાર પ્રત્યે ભેદભાવની વૃત્તી ન હોવી જોઇએ, પુરૂષ અને મહિલા કામદારો તેમને પણ કોઇપણ લીંગભેદ વિના સમાન ધોરણો રાખવા જોઇએ. તેવી ક્ષત્રિય સેના આણંદ તાલુકા દ્વારા માંગ કરાઇ છે. જો માંગને સ્વિકારવામાં નહી આવે તો અગામી સમયમાં જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.