Gujarat

સારસા મંડળીનું દૂધ અમૂલે લેવાનું બંધ કરતા 400 જેટલા પશુપાલકો રઝળી પડયાં

By GS Team
21 Mar 20222 mins read
This article was originally published on 21 Mar 2022
સારસા મંડળીનું દૂધ અમૂલે લેવાનું બંધ કરતા 400 જેટલા પશુપાલકો રઝળી પડયાં

- દૂધ મંડળીમાંથી ભેળસેળ યુક્ત દૂધ આવતું હોવાની ફરિયાદો ઉઠી હતી

- દૂધના સેમ્પલો ચકાસણી કરાતા એસએનએફ જણાઇ આવતા અમૂલે મંડળીનું દૂધ લેવાનું બંધ કર્યું હતું

આણંદ : આણંદ તાલુકાના સારસા ગામની દૂધ મંડળીમાં ભેળસેળયુક્ત દૂધ આવતા અમૂલ ડેરી દ્વારા ટેસ્ટીંગ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં ૫૪ જેટલા પશુપાલકોના દૂધના સેમ્પલની ચકાસણી કરવામાં આવતા સેમ્પલમાં એસએનએફ માલુમ પડતા અમૂલ દ્વારા દૂધ લેવાનું બંધ કરાતા ગામમાં ભારે ચકચાર મચી છે. મંડળીના આશરે ૪૦૦થી વધુ સભાસદોને પોતાનું દૂધ ક્યાં ભરવું તે યક્ષ પ્રશ્ન થઈ ગયો છે.

તાલુકાના સારસા ગામની દૂધ મંડળીમાં કેટલાક પશુપાલકો દ્વારા છેલ્લા ઘણાં સમયથી ભેળસેળયુક્ત દૂધ ભરવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠી હતી. જેને લઈ તાજેતરમાં અમૂલ ડેરી દ્વારા સારસા દૂધ મંડળીમાંથી આવતા દૂધની ચકાસણી કરી સેમ્પલો લેવામાં આવ્યા હતા. આ સેમ્પલોમાં એસએનએફ માલુમ પડતા અમૂલ દ્વારા દૂધ લેવાનું બંધ કરાતા પશુપાલકોમાં ભારે નારાજગી વ્યાપી છે. લગભગ ૪૦૦ થી વધુ સભાસદો આ મંડળી ધરાવે છે પરંતુ કેટલાક ગણ્યા-ગાંઠયા પશુપાલકોને કારણે અન્ય સભાસદોને પણ વેઠવાનો વારો આવ્યો છે ત્યારે મંડળીને કેટલાક હોદ્દેદારોની પણ સંડોવણી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 

દૂધ મંડળીમાં દૂધ લેવાનું બંધ કરાતા પશુપાલકોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અમૂલની ટીમો દ્વારા સેમ્પલો લઈ ટેસ્ટીંગ કરવામાં આવે છે અને જો ટેસ્ટીંગમાં ભેળસેળ માલુમ થાય તો આખેઆખી દૂધ મંડળીનું દૂધ બંધ કરી દેવામાં આવે છે. જેના કારણે ભેળસેળ નહી કરી ઈમાનદારી દાખવતા પશુપાલકોને પણ વેઠવું પડતુ હોય છે ત્યારે આ મામલે નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પશુપાલકો દ્વારા કરાઈ છે.