Amreli

VIDEO | અમરેલીના અડતાળા ગામમાં પાણી મુદ્દે સંગ્રામ: ઉપસરપંચે રિવોલ્વર બતાવી મારામારી કરી, મુખ્ય આરોપી સહિત 3 ઝડપાયા

By GS Team
19 Nov 20262 mins read
TukuTouch Logo
અમરેલીના લાઠી તાલુકાના અડતાળા ગામમાં પાણીની સમસ્યા અંગે રજૂઆત કરવા ગયેલા ગ્રામજનો પર હુમલો થયો. ઉપસરપંચ અને કોંગ્રેસ અગ્રણી જીતુ વાળાએ રિવોલ્વર અને ધોકા વડે મારામારી કરી હોવાનો વીડિયો વાયરલ થયો છે. લાઠી પોલીસે જીતુ વાળા સહિત 5 સામે ગુનો નોંધી 3 આરોપીને ઝડપી પાડ્યા છે, જ્યારે 2 ફરાર છે. પોલીસે ઉપસરપંચના ઘરે સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO | અમરેલીના અડતાળા ગામમાં પાણી મુદ્દે સંગ્રામ: ઉપસરપંચે રિવોલ્વર બતાવી મારામારી કરી, મુખ્ય આરોપી સહિત 3 ઝડપાયા

Amreli News : અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના અડતાળા ગામમાં પાણી જેવી પ્રાથમિક સુવિધા અંગે રજૂઆત કરવા ગયેલા ગ્રામજનો પર હુમલો અને મારામારી થઈ હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. ગામના ઉપસરપંચ અને સ્થાનિક કોંગ્રેસ અગ્રણી જીતુ વાળાએ એક હાથમાં રિવોલ્વર અને બીજા હાથમાં ધોકો રાખીને ગ્રામજનો સાથે મારામારી કરી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ચકચારી ઘટનાને લઈને લાઠી પોલીસે જીતુ વાળા સહિત 5 શખ્સો વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્લોટમાં પાણી ન આવવાની ફરિયાદથી શરૂ થયો વિવાદ

મળતી માહિતી પ્રમાણે, અડતાળા ગામમાં છેલ્લા કેટલાક સમયથી પાણીની સમસ્યા સર્જાઈ હતી. સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ, તેમના પ્લોટમાં પાણી ન આવતું હોવાથી તેઓ આ સમસ્યાની રજૂઆત કરવા માટે ગામના ઉપસરપંચ જીતુ વાળા પાસે પહોંચ્યા હતા. રજૂઆત દરમિયાન બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં વાતાવરણ તંગ બન્યું હતું. ગ્રામજનોએ એવો ગંભીર આક્ષેપ કર્યો છે કે ફરિયાદ કરવા ગયા ત્યારે ઉપસરપંચે તેમની સાથે અપશબ્દો કહ્યા હતા અને ત્યારબાદ ધોકો તથા રિવોલ્વર લઈને મારવા માટે ધસી આવ્યા હતા.

સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ થતાં ચકચાર

આ સમગ્ર ઘટનાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ઉપસરપંચ જીતુભાઈ વાળા એક હાથમાં રિવોલ્વર અને બીજા હાથમાં ધોકો લઈને જોવા મળ્યા છે. ધોકા વડે સ્થાનિકો પર હુમલો કરવાનો પ્રયાસ અને મારામારી કરતા દ્રશ્યો પણ સામે આવ્યા છે. જાહેરમાં રિવોલ્વર બતાવવાનો આ વીડિયો સામે આવ્યા બાદ સ્થાનિક વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે.

પોલીસે મુખ્ય આરોપી સહિત 3ને ઝડપ્યા, બે ફરાર

ઉપસરપંચ અને કોંગ્રેસ અગ્રણીના આ વર્તનને પગલે અડતાળા ગામના લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. ન્યાયની માગ સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થઈને લાઠી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને સમગ્ર ઘટના અંગે ઉગ્ર રજૂઆત કરી હતી. ગ્રામજનોએ જવાબદાર શખસો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી. જેને પગલે પોલીસે 5 શખ્સો સામે ફરિયાદ નોંધી હતી અને કાર્યવાહી કરી મુખ્ય આરોપી સહિત 3 આરોપીને ઝડપી લીધા છે. હજી બે ફરાર આરોપીને શોધવા પોલીસ તપાસ ચાલુ છે.

beeimgtmp-20261119-202717.png

ઉપસરપંચના ઘરે પોલીસનું સઘન ચેકિંગ

લાઠીના અડતાળા ગામે ઉપસરપંચે રિવોલ્વર બતાવી મારામારી કરવાના મામલે અમરેલી પોલીસે ઉપસરપંચ જીતુવાળાના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. પાણી મુદ્દે જીતુવાળાએ રિવોલ્વર અને દંડા સાથે આતંક મચાવતા લાઠી પોલીસે આ મામલે 5 લોકો સામે ફરિયાદ નોંધી છે. પોલીસે સર્ચ ઓપરેશન હાથ દર્યું છે, ત્યારે ઈન્ચાર્જ એસપી, પીજીવીસીએલ અને પાણી પુરવઠા ટીમે કનેક્શનની પણ ચકાસણી કરી હતી.