Amreli

VIDEO| સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 19 તાલુકામાં માવઠું: અમરેલીમાં વીજળી પડવાથી મહિલાનું મોત, ખેડૂતો ચિંતિત!

By GS Team
30 Oct 20262 mins read
TukuTouch Logo
શિયાળામાં ગુજરાતના 19 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. 30 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં માવઠું થતાં અમરેલીના ખાંભા ગીરના સકરાવા ગામે વીજળી પડતા એક મહિલાનું મોત થયું છે. સૌથી વધુ 1.5 ઇંચ વરસાદ અમરેલીના વડિયામાં નોંધાયો. કમોસમી વરસાદથી કપાસ, મગફળી સહિતના પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતો ચિંતિત બન્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO| સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 19 તાલુકામાં માવઠું: અમરેલીમાં વીજળી પડવાથી મહિલાનું મોત, ખેડૂતો ચિંતિત!

Saurashtra-South Gujarat Unseasonal Rain: શિયાળાની ઋતુમાં ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વચ્ચે શુક્રવારે(30 ઓક્ટોબર) સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 19 તાલુકામાં માવઠું પડ્યું છે. માવઠાની સૌથી વધુ અસર સૌરાષ્ટ્રના જિલ્લામાં જોવા મળી છે. જેમાં અમરેલીના ખાંભા ગીર, વડિયા સહિતના પંથકમાં વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. ખાંભામાં વીજળી પડવાથી એક મહિલાનું મોત નીપજ્યું છે. શિયાળની સિઝનમાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાતા ખેતીપાકોને નુકસાનીની ભીતિ વચ્ચે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 19 તાલુકામાં કમોસમી વરસાદ

SEOCના આંકડા મુજબ, 30 ઓક્ટોબરના રોજ સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 19 તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ અમરેલીના વડિયા તાલુકામાં 1.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે જૂનાગઢના વિસાવદર, ભેંસાણ, રાજકોટના જેતપુર તાલુકામાં 1 ઇંચથી વધુ કમોસમી વરસાદ વરસ્યો છે.

image.png

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં માવઠું

હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જોવા મળ્યો છે. જેમાં અમરેલીના વડિયા, ખાંભા સહિતના પંથક, રાજકોટના જેતપુર, થોરાજી, જામકંડોરાણા, ગોંડલ, ઉપલેટા સહિતના તાલુકામાં માવઠું થતાં રસ્તાઓ પર પાણી વળ્યા છે. જ્યારે ગીર સોમનાથના કોડીનાર, ગીર ગઢડામાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ ખાબક્યો છે.

ખાંભીમાં વીજળી પડતાં મહિલાનું મોત

અમરેલીના ખાંભા ગીરના ગ્રામ્ય પંથકોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. જેમાં ડેડાણ, ચકરાવા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું થતાં કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાકને નુકસાન થવાની સંભાવના છે. કમોસમી વરસાદ દરમિયાન ખાંભાના સકરાવા ગામે ખેતરમાં વીજળી પડતાં માધીબહેન આતુભાઈ મકવાણાનું કરૂણ મોત નીપજ્યું છે. ઘટના બાદ મહિલાને 108 એમ્બ્યુલન્સ મારફતે ખાંભા સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં હોસ્પિટલમાં ફરજ પરના તબીબે મહિલાને મૃત જાહેર કર્યા હતા. તેવામાં કમોસમી વરસાદ વચ્ચે વીજળી પડવાની ઘટનાથી સ્થાનિકોમાં ભય સાથે શોકનો માહોલ છવાયો છે.

Gujarat Samachar - 2026-10-30T225535.095.png

વડિયા-કુકાવાવ અને બગસરા પંથકમાં ધોધમાર કમોસમી વરસાદ

બીજી તરફ, વડિયા પંથક અને કુકાવાવ પંથકમાં પણ ધોધમાર કમોસમી વરસાદ થતાં રસ્તા પર પાણી ફરી વળ્યા છે. જેમાં વડિયાના સુરગ પરા વિસ્તાર, શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં દોઢેક ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે કુકાવાવ પંથકમાં ભારે વરસાદ થતાં બજારોમાં પાણી વહેતા થયા છે.

તેમજ બગસરાના ગ્રામ્ય વિસ્તારમાં પણ માવઠું પડ્યું છે. જેમાં બગસરાના સાપર, સુડાવડ, હડાળા, માવજીજવા, પીઠડીયા, ખારી, ડેરી, પીપરીયા સહિતના ગ્રામ્ય પંથકમાં વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબકતાં બજારોમાં વરસાદી પાણી વહેતા થયા હતા.

ખેડૂતોના પાકને નુકસાનીની ભીતિ

શિયાળની સિઝનમાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાતા ખેતીપાકોને નુકસાનીની ભીતિ વચ્ચે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. કમોસમી વરસાદથી ખેડૂતોના કપાસ, મગફળી સહિતના પાકને માઠી અસર પહોંચવાની શક્યતા છે.