Amreli

અમરેલીના ધારી-સાવરકુંડલા સહિત મોટાભાગના તાલુકામાં મેઘમહેર, ધોધમાર વરસાદથી નદી-ડેમ છલકાયા

By GS Team
2 Jul 20262 mins read
TukuTouch Logo
અમરેલી જિલ્લામાં 2 જુલાઈએ ભારે વરસાદી માહોલ જોવા મળ્યો. જેમાં ધારી, સાવરકુંડલા, લાઠી, બગસરા અને વડીયા પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. લાઠીમાં ડેમ છલકાયો, જ્યારે લીલીયાની નાવલી નદીમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી. ધોધમાર વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી છવાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલીના ધારી-સાવરકુંડલા સહિત મોટાભાગના તાલુકામાં મેઘમહેર, ધોધમાર વરસાદથી નદી-ડેમ છલકાયા

Amreli News: રાજ્યમાં આગામી 8 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તેવામાં ગુરુવારે(2 જુલાઈ) સૌરાષ્ટ્રના જૂનાગઢ, જામનગર સહિતના જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ છે. જેમાં અમરેલીના ધારી, સાવરકુંડલા, લાઠી, બગસરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.

અમરેલીના મોટાભાગના તાલુકામાં મેઘમહેર

અમરેલીના લાઠી શહેર બાદ ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં લાઠીના ભુરખિયા, ધામેલ, મેમદા, હજીરાધારમાં વરસાદ થયો છે. લાઠી શહેરમાં ભારે બફારા બાદ બપોર પછી ધીમીધારે વરસાદ થતાં વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ધોધમાર વરસાદને પગલે સ્થાનિક નદીમાં નવા નીર આવ્યા છે, જ્યારે જોરદાર વરસાદ થવાથી મેમદા ગામનો ડેમ છલકાયો છે. તેમજ સારો એવો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

બગસરા પંથકમાં અસહય ઉકળાટ બાદ ધીમીધારે વરસાદની શરૂઆત થઈ છે. જેમાં બગસરાના પીઠડીયા, જૂના વાઘણીયા, નવા વાઘણીયા, ખારી, હડાળા, મુંજયાસર ગામોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે.

વડીયા પંથકમાં મેઘરાજા મહેરબાન

વડીયા શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં વડીયાના ઢૂંઢિયા પીપળીયા, બરવાળા બાવળ, દેવળકી, હનુમાન ખીજડીયા ગામોમાં સારો એવો વરસાદ થયો છે. જેમાં વડીયામાં 45 મિ.મી., બરવાળા બાવળમાં 50 મિ.મી., ઢૂંઢીંયા પીપળીયામાં 42 મિ.મી., દેવળકીમાં 27 મિ.મી. વરસાદ વરસ્યો છે.

લીલીયા પંથકમાં છવાયો વરસાદી માહોલ

લીલીયા શહેર સાથે એકલેરા, સનાલીયા, કુતાણા, ખારા, પુંજાપાદર ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદને પગલે લીલીયાની નાવલી નદીમાં હળવા પૂરની સ્થિતિ જોવા મળી હતી.

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 8 જિલ્લામાં રેડ ઍલર્ટ, આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

ધારી પંથકમાં ધોધમાર વરસાદ

સાવરકુંડલા, બાબરા, લાઠી, લીલીયા, અમરેલી, વડીયા, બગસરા બાદ ધારી ગીર પંથકમાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે. જેમાં ધારી શહેર તેમજ ડાંગાવદર, મોણવેલ, ભાડેર, માલસીકા, કાથરોટા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે.