VIDEO| દિવાળીની રાત્રે જાણે 'મિસાઇલોનો મારો ચાલ્યો: સાવરકુંડલામાં જામ્યું 'ઈંગોરિયા યુદ્ધ', 60 વર્ષ જૂની અનોખી પરંપરા જોવા ઉમટ્યા લોકો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Savarkundla Ingoriya Diwali Tradition | અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં છેલ્લા 60 વર્ષથી દિવાળીની રાત્રે રમાતી પરંપરાગત અને રોમાંચક 'ઈંગોરિયાની લડાઈ' આ વર્ષે પણ ભારે ઉત્સાહ સાથે યોજાઈ હતી. પ્રથમ દૃષ્ટિએ જાણે બે દેશો વચ્ચે મિસાઇલો છૂટતી હોય તેવો રોમાંચક માહોલ સર્જનારી આ નિર્દોષ રમતને નિહાળવા માટે દેશ-વિદેશથી હજારો પ્રવાસીઓ અને ઉત્સાહીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્ઞાતિ-જાતિના તમામ ભેદભાવો ભૂલીને રમાતી આ અનન્ય પરંપરાએ સાવરકુંડલાને વૈશ્વિક સ્તરે એક અલગ ઓળખ અપાવી છે.
પરંપરાથી લઈને આધુનિક વ્યવસ્થા સુધીની સફર
મૂળભૂત રીતે ઈંગોરિયું ચીકુ જેવા આકારનું હોય છે, જેને વૃક્ષ પરથી ઉતારીને તેની છાલ ખોલી અંદર દારૂ અને સુરુખાર ભરવામાં આવે છે. જો કે, સમય જતાં હિંગોળિયાનું વૃક્ષ લુપ્ત થવાથી સ્થાનિક યુવાનોએ તેના વિકલ્પ તરીકે 'કોકડા'(કોટડા)નો ઉપયોગ શરૂ કર્યો છે. સાવરકુંડલાના દેવડા ગેટ વિસ્તારમાં રાત્રિના 10 વાગ્યાથી શરૂ થતી આ રમત મધ્યરાત્રિના 1 વાગ્યા સુધી ચાલે છે, જેમાં આશરે બેથી અઢી લાખ કોકડા અને ઈંગોરિયાનો ઉપયોગ થાય છે. આ તમામ મટીરિયલ સંપૂર્ણપણે હાથથી બનાવેલા અને હર્બલ ફટાકડા જેવા હોય છે, જે પર્યાવરણ માટે પણ જોખમી નથી.
અનોખી કળા એક મોટા ગૃહઉદ્યોગમાં પરિવર્તિત થઈ
આ રમતમાં વપરાતા ઈંગોરિયા અને કોકડા બનાવવાની કળા હવે એક મોટા ગૃહઉદ્યોગમાં પરિવર્તિત થઈ રહી છે. સ્થાનિક શ્રમિકો છેલ્લા બે મહિનાથી રાત-દિવસ અથાક મહેનત કરીને આ નિર્માણ કરે છે, જેના કારણે અનેક પરિવારોને રોજગારી મળી રહી છે અને આ પરંપરાગત ચીજવસ્તુઓ રાજ્યભરના નેતાઓ તથા ગામડાઓ સુધી પહોંચી રહી છે.
સાંસ્કૃતિક વારસામાં એક નવું સોપાન
વજનકાંટા માટે જાણીતા સાવરકુંડલાએ હવે દિવાળીની આ અનોખી 'ઈંગોરિયા લડાઈ' દ્વારા લોકસાહિત્ય અને સાંસ્કૃતિક વારસામાં એક નવું સોપાન સર કર્યું છે, જે માત્ર મનોરંજન જ નહીં પરંતુ સ્થાનિક આર્થિક સ્વાવલંબનનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
મહાનુભાવોની ઉપસ્થિતિ
આ અદ્ભુત રમતનો રોમાંચ માણવા અને ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે અમરેલી કલેક્ટર અને સ્થાનિક ધારાસભ્યો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટરે જાતે આ રમતમાં જોડાઈને અનોખો રોમાંચ અનુભવ્યો હતો અને જણાવ્યું હતું કે આવી અદ્ભુત રમત અન્યત્ર ક્યાંય જોવા મળતી નથી.




