અમરેલીમાં 2 ગમખ્વાર અકસ્માતમાં કુલ 11 લોકો ઈજાગ્રસ્ત! લીલીયા તરફ જતી બોલેરો પલટી, ધારી પાસે બની હિટ એન્ડ રનની ઘટના
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amreli Road Accident, Liliya And Dhari: અમરેલી જિલ્લામાં માર્ગ અકસ્માતની બે અલગ-અલગ ઘટનાઓ બની હતી. જેમાં લીલીયા તરફ જતી એક બોલેરો ગાડી પલટી હતી. જ્યારે અન્ય એક ઘટના ધારી પાસે બની હતી. બંને ગમખ્વાર અકસ્માતમાં કુલ 11 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
અમરેલીમાં 2 ગમખ્વાર અકસ્માતમાં કુલ 11 લોકો ઈજાગ્રસ્ત!
પહેલી ઘટનામાં અમરેલીથી લીલીયા તરફ જઈ રહેલી એક બોલેરો ગાડીને લીલીયા 66 કેવી સબસ્ટેશન નજીક અકસ્માત નડ્યો હતો. ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બોલેરો ગાડી રસ્તા પર ધડાકાભેર પલટી મારી ગઈ હતી.
ગાડીમાં સવાર 14 મુસાફરોમાંથી 9 લોકોને ઈજાઓ પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે લીલીયા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જેમાંથી એક આધેડની સ્થિતિ ગંભીર જણાતાં તેમને વધુ સારવાર માટે અમરેલી રિફર કરવામાં આવ્યા છે.
ધારી પાસે બની હિટ એન્ડ રનની ઘટના
જ્યારે બીજી ઘટના ધારીના અમરેલી રોડ પર આવેલા મોરજર ગામ નજીક બની હતી, જ્યાં એક અજાણ્યા વાહને બાઈકને જોરદાર હડફેટે લીધું હતું. આ હિટ એન્ડ રનની ઘટનામાં બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમાં બાઈક સવાર સહિત એક વ્યક્તિની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું સામે આવ્યું છે.
અકસ્માત સર્જીને અજાણ્યો વાહનચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ 108 મારફતે ઈજાગ્રસ્તોને ચલાલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને ચલાલા પોલીસે ફરાર વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે.









