Amreli

સિંહણનો આતંક : 12 કલાકમાં ચાર હુમલા, વનકર્મી સહિત પાંચ ઘાયલ

By GS Team
2 Oct 20262 mins read
TukuTouch Logo
અમરેલીના વડિયા પંથકના અરજણસુખ ગામમાં સિંહણે મોડી રાત્રિથી સવાર સુધીમાં 5 વ્યક્તિઓ પર હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યા હતા. બાઇકસવાર, ખેતમજૂર અને વનકર્મી પર સિંહણે હુમલો કર્યો હતો. વનવિભાગની 6 ટીમોએ રાતોરાત સર્ચ ઓપરેશન હાથ ધરી સિંહણને બેભાન કરી પાંજરે પૂરી હતી, જેનાથી ગ્રામજનોએ રાહત અનુભવી.

Summarized by AI; it may make mistakes. Check important info

સિંહણનો આતંક : 12 કલાકમાં ચાર હુમલા, વનકર્મી સહિત પાંચ ઘાયલ

અમરેલી,મેઘા પીપળીયા : ગીર જંગલથી દૂર-દૂર સુધી સિંહ-દીપડાં જેવા વન્યપ્રાણીઓ પહોંચવા લાગ્યા છે અને માનવી પર હુમલા પણ કરી રહ્યા છે. હવે વડિયા પંથકના અરજણસુખ ગામ અને આસપાસના સીમ વિસ્તારમાં મોડી રાત્રિથી સવાર સુધીમાં સિંહણ દ્વારા અલગ-અલગ સ્થળે થયેલા હુમલામાં કુલ પાંચ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બનતાં ખેડૂતો, ખેતમજૂરો અને ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. હુમલાખોર સિંહણને પકડવા વનવિભાગે રાતોરાત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. વનવિભાગની છ ટીમોની ભારે જહેમત બાદ આજે બપોરે સિંહણને બેભાન કરી પાંજરે પૂરવામાં આવતાં તંત્ર અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, ગઈકાલે મોડી રાત્રે અરજણસુખથી તોરી તરફ જતા માર્ગ પર બાઇકસવારો પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક સિંહણે હુમલો કર્યો હતો. જે હુમલામાં મેહુલભાઈ મનુભાઈ અને ભગીરથભાઈ ગભરુભાઈ નીચે પટકાતાં બંનેને ઇજા પહોંચી હતી. બંનેને વડિયા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે અમરેલી ખસેડાયા હતા. આ હુમલા બાદ પણ સિંહણની હિલચાલ અટકી નહોતી. સવારે રહેણાંક વિસ્તારમાં પરિવારની હાજરીમાં રસોઈ બનાવી રહેલા ખેતમજૂર પર સિંહણે હુમલો કરતાં અતુલભાઈ માધાભાઈ પોકળ (ઉં.૩૭, રહે. અરજણસુખ) ઇજાગ્રસ્ત બન્યા હતા. તેમને ૧૦૮ મારફતે વડિયા હોસ્પિટલમાં ખસેડાયા હતા. ગ્રામીણ લોકોમાં પ્રસરેલા ગભરાટ વચ્ચે અરજણસુખની સીમમાં સવારે વધુ એક ખેડૂત પર હુમલો થતાં ભય વધુ ઘેરો બન્યો હતો, જે હુમલામાં છોટુ સરદારભાઈ રાવત (રહે. અરજણસુખ) ઇજાગ્રસ્ત થતાં તેમને પણ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
એક પછી એક હુમલાની ઘટનાઓ સામે આવતાં એ.સી.એફ. રાજન જાદવ સહિતનો વનતંત્રનો કાફલો રાત્રિના એક વાગ્યાના અરસામાં સ્થળ પર પહોંચ્યો હતો. છ ટીમો દ્વારા સિંહણના સગડ અને હિલચાલ શોધવા સઘન સર્ચ હાથ ધરાયું હતું. દરમિયાન, સિંહણને પકડવાની કામગીરીમાં જોડાયેલા વનકર્મી અનિરૂધ્ધસિંહ વાળા પર પણ હુમલો થતાં તેમને ઇજા પહોંચી હતી. વેટરનરી તબીબોની ટીમની મદદથી આખરે આજે બપોરે સિંહણને ટ્રાન્ક્વિલાઇઝ કરી બેભાન કરીને પાંજરે પૂરવામાં આવી હતી.

  • વડિયામાં વાઈલ્ડ લાઈફ કચેરીની માંગ ઉગ્ર બની
    વડિયા તાલુકામાં દીપડા બાદ સિંહણના હુમલાની ગંભીર ઘટનાઓને પગલે અહીં જ વાઈલ્ડ લાઈફની કચેરી શરૂ કરવાની માંગ ફરી પ્રબળ બની છે. હાલ વડિયા વિસ્તાર લીલીયા વાઈલ્ડ લાઈફ રેન્જના કાર્યક્ષેત્ર સાથે સંકળાયેલો હોવાનું જણાવાય છે. વડિયાથી સંબંધિત વન્યપ્રાણી વિસ્તારમાં પહોંચવા માટેનું અંતર આશરે ૭૫થી ૮૦ કિ.મી. જેટલું થતું હોવાથી સ્થાનિક સ્તરે તાત્કાલિક દેખરેખ અને રેસ્ક્યૂ કાર્યવાહી માટે કચેરીની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, વડિયા અને આસપાસના ગામોમાં વન્યપ્રાણીઓની અવરજવર વધતી જાય છે ત્યારે વાઈલ્ડ લાઈફની સ્થાનિક ટીમ, ઝડપી રેસ્ક્યૂ વ્યવસ્થા અને સતત પેટ્રોલિંગ હોય તો માનવ-વન્યજીવ સંઘર્ષની ઘટનાઓમાં તાત્કાલિક પ્રતિસાદ આપી શકાશે. સમગ્ર મામલે વનમંત્રીને પણ માહિતગાર કરવામાં આવ્યા છે.