રાજ્યભરમાં કૃષ્ણ જન્મોત્સવની ધૂમ: મટકી ફોડ, રાસ-ગરબા અને ભજનોની રમઝટ સાથે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat janmashtmi Celebration : સમગ્ર રાજ્યમાં જન્માષ્ટમીના પાવન પર્વની ભારે હર્ષોલ્લાસ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. મધરાતે 12 વાગતા જ કૃષ્ણ જન્મોત્સવના નાદ સાથે મંદિરો અને શેરીઓ ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી’ના જયઘોષથી ગુંજી ઉઠ્યા હતા. ક્યાંક ભવ્ય શોભાયાત્રા અને રથયાત્રા યોજાઈ, તો ક્યાંક મટકી ફોડ અને દાંડિયા રાસની રમઝટ બોલી હતી.
લાઠી શહેર રોશનીથી ઝગમગી ઉઠ્યું: આતશબાજી અને દાંડિયારાસની રમઝટ
અમરેલીના લાઠી શહેરમાં યુવા ગ્રૂપ દ્વારા જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે આખું લાઠી શહેર રંગબેરંગી રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું. ઢોલ-નગારાના તાલ અને ભવ્ય આતશબાજી વચ્ચે યુવાનો તેમજ શહેરીજનો મોટી સંખ્યામાં ઉત્સવમાં જોડાયા હતા. લાઠીની મહિલાઓ અને બહેનોએ પરંપરાગત દાંડિયા રાસ રમીને કાનુડાના જન્મોત્સવને વધાવ્યો હતો, જ્યારે યુવાનોમાં મટકી ફોડ કાર્યક્રમને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ગોધરાના ઐતિહાસિક રણછોડજી મંદિર ચોકમાં જામ્યો મટકી ફોડ ઉત્સવ
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર ખાતે પણ જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી થઈ હતી. ગોધરાના અતિ ઐતિહાસિક એવા રણછોડજી મંદિર ચોક ખાતે રણછોડજી મંદિર યુવક મંડળ દ્વારા ભવ્ય મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ભક્તિમય માહોલ વચ્ચે મધરાતે કનૈયાના જન્મ બાદ ગોવિંદાઓએ મટકી ફોડીને જન્મોત્સવ મનાવ્યો હતો, જેને નિહાળવા માટે મોટી સંખ્યામાં ગોધરાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નસવાડીની 30 વર્ષ જૂની પરંપરા જળવાઈ: ગરબા અને પ્રસાદીનું આયોજન
છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં આવેલ જલારામ બાપાના મંદિર ખાતે છેલ્લા 30 વર્ષથી ચાલતી જન્માષ્ટમી ઉજવણીની પરંપરા આ વર્ષે પણ ઉત્સાહભેર જળવાઈ રહી હતી. મોડી રાત્રે 12 વાગ્યે કૃષ્ણ જન્મોત્સવ બાદ ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવીને હિંચકે ઝુલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ કનૈયાના જન્મ વધાવવા મટકી ફોડ, ભજન-કીર્તન અને મોડી રાત સુધી ગરબાના કાર્યક્રમો યોજાયા હતા. મોટી સંખ્યામાં ઉમટેલા ભક્તોએ કૃષ્ણ દર્શન અને પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.





