સોશ્યલ મીડિયામાં 'હેપ્પી બર્થ ડે'ની પોસ્ટ પરથી અપહરણનો ભેદ ઉકેલાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલી: અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૪માં નોંધાયેલા ૧૩ વર્ષની સગીરાના ગુમ થવા, અપહરણ, પોકસોના ગંભીર ગુનામાં પોલીસે ૧૨ વર્ષ બાદ સફળતા મેળવી છે. તાજેતરમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે જૂના દસ્તાવેજો અને ટેકનિકલ સોર્સના આધારે ઝીણવટભરી તપાસ શરૂ કરીને આ વર્ષો જૂનો કોયડો ઉકેલી નાખ્યો છે.
પોલીસ પાસે તપાસની શરૂઆતમાં માત્ર ગુમ થયેલી બાળકીનો જૂનો ફોટો, જન્મ તારીખ અને પરિવારની વિગતો જ હતી. મહિલા કર્મચારીઓની ખાસ ટીમ બનાવીને સોશિયલ મીડિયા પર તપાસ શરૂ કરવામાં આવી. સગીરાની જન્મ તારીખના આધારે મહિલા કર્મચારીઓએ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર આશરે ૧૮૦૦ આઈડી તપાસ્યા હતા.
તપાસ દરમિયાન એક શંકાસ્પદ આઈડી પર ભોગ બનનારની જન્મ તારીખના દિવસે જ 'હેપ્પી બર્થ ડે' વિશ કરતી પોસ્ટ મળી આવી હતી. આ પ્રોફાઈલની વધુ તપાસ કરતાં તેમાં એક રિક્ષાનો ફોટો જોવા મળ્યો. પોલીસે આરટીઓની મદદથી ગાડીના નંબરના આધારે તેના માલિકનો મોબાઈલ નંબર મેળવ્યો. તેના આધારે બેંકમાંથી વિગતો મેળવી હતી.
બેંકમાંથી મળેલી વિગતોના આધારે પોલીસ ટીમ હળવદ તાલુકાના ભલગામડા ગામ સુધી પહોંચી હતી અને વસ્તી ગણતરીના શિક્ષક સ્ટાફ તરીકે શેરીઓમાં જઈને પૂછપરછ શરૂ કરી હતી. તપાસ કર્યા બાદ શંકાસ્પદ ઘર મળી આવ્યું, જ્યાં યુવતી હાજર હતી પરંતુ તેણે પોતાનું નામ અલગ જણાવ્યું હતું. પોલીસે ચતુરાઈ વાપરીને કહ્યું કે, 'તમારા પિયરમાં નોંધણી થઈ ગઈ હશે તો અહીં સરકારી લાભો નહીં મળે, માટે પિયરના પિતાનું નામ આપો.' યુવતીએ તરત જ તેના પિતાનું સાચું નામ આપતા જ ફરિયાદી સાથે નામ બિલકુલ મેચ થઈ ગયું અને ઓળખ પાકી થઈ ગઈ. યુવતી હાલ ૪ બાળકોની માતા બની ચૂકી છે. પોલીસે તેના હાલના પતિ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને તેને જેલહવાલે કર્યો છે.









