અષાઢી બીજે અમરેલીના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ: લીલીયામાં ધસમસતા પાણીના પ્રવાહમાં તણાતા બાઈક ચાલકનું મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Heavy Rain In Amreli: ગુજરાતભરના છૂટાછવાયા સ્થળોએ હવામાન વિભાગે વરસાદીની આગાહી વચ્ચે રાજ્યમાં ફરી વરસાદી માહોલ સક્રિય થયો છે. ગુરુવારે(16 જુલાઈ) અષાઢી બીજના દિવસે અમરેલીના જાફરાબાદ, રાજુલા, લાઠી સહિતના પંથકમાં હળવાથી ભારે વરસાદ ખાબક્યો છે.

અમરેલીના અનેક તાલુકામાં મેઘમહેર
અમરેલી જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતાં અનેક તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં અમરેલી શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. 16 જુલાઈએ સવારથી ભારે બફારા બાદ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. જ્યારે જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ વિસ્તારના નાગેશ્રી, મીઠાપુર, દુધાળા, હેમાળ, ભૂંડણી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. સારો એવો વરસાદ થતાં ખેડૂતોમાં હરખ છવાયો છે.

લાઠી-રાજુલા પંથકમાં ભારે વરસાદ
બીજી તરફ, લાઠીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ થયો છે. જેમાં લાઠીના ચાંવડ હાઇવે, આંબરડી ગામ સહિતના વિસ્તારોમાં વરસાદ થતાં લોકોને ગરમીથી રાહત મળી છે. જ્યારે રાજુલા પંથકમાં થોડા દિવસના વિરામ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે, ત્યારે રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં ડુંગર, કુંભારીયા, દેવકા, મજાદર, વિક્ટર સહિતના ગામડાઓમાં ભારે વરસાદ વરસ્યો છે.

લીલીયા: નદીના પૂરમાં તણાયેલા સ્કૂલ સંચાલકનું કરૂણ મોત
અમરેલીના લીલીયાના ક્રાંકચ, ભોરિંગડા સહિતના ગ્રામીણ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારે ક્રાંકચ પાસે નદીના વોંકળામાં પૂર આવ્યું હતું. મળતી માહિતી મુજબ, ભોરીંગડા ગામની નાલંદા સ્કૂલના સંચાલક જગદીશ રંગપરા અન્ય એક વ્યક્તિ સાથે ક્રાંકચથી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ પૂરના પાણી વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાણીના જોરદાર પ્રવાહે તેમને પોતાની ઝપેટમાં લઈ લીધા હતા. પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે બાઇક અને બંને વ્યક્તિઓ એકાદ કિલોમીટર સુધી દૂર ખેંચાઈ ગયા હતા.
એકનો આબાદ બચાવ
આ દુર્ઘટનામાં અન્ય એક શખસનો આબાદ બચાવ થયો હતો, પરંતુ સંચાલક જગદીશ રંગપરા પાણીના ભારે પ્રવાહમાં તણાઈ જતાં તેમનું કરૂણ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી. સ્કૂલ સંચાલકના મૃતદેહને લીલીયા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.










