અમરેલીના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વીરજી ઠુમ્મરનું નિધન, માંદગી બાદ વતનમાં લીધા અંતિમ શ્વાસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Virji Thummar Death : અમરેલીના રાજકીય ક્ષેત્રમાંથી એક અત્યંત દુઃખદ અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરનું લાંબી બીમારી (કેન્સર) બાદ અવસાન થયું છે. કેન્સરની બીમારીની સારવાર ચાલી રહી હતી તે દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી અમરેલી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતના રાજકીય બેડામાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે. આજે બુધવારે સાંજે 5 વાગ્યે અમરેલીમાં તેમની અંતિમયાત્રા નીકળશે, જ્યાં રાજકીય આગેવાનો, કાર્યકરો અને શુભેચ્છકો તેમને અંતિમ વિદાય આપશે.
સંસદથી લઈને વિધાનસભા સુધીની સફર
વીરજી ઠુમ્મરનું નામ અમરેલીની રાજનીતિ સાથે દાયકાઓથી જોડાયેલું રહ્યું છે. કોંગ્રેસના પ્રભાવશાળી નેતા તરીકે તેમણે સ્થાનિક રાજકારણથી લઈને દેશની સંસદ અને ગુજરાત વિધાનસભા સુધીની સફર ખેડી હતી.
લોકસભામાં વિજય: વર્ષ 2004 તેમની રાજકીય કારકિર્દીનો સૌથી મોટો પડાવ હતો, જ્યારે તેમણે અમરેલી લોકસભા બેઠક પરથી ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીને હરાવીને દિલ્હી દરબારમાં પ્રવેશ કર્યો હતો. તેઓ 2004થી 2009 સુધી લોકસભાના સભ્ય તરીકે રહ્યા હતા.
વિધાનસભામાં સક્રિયતા: લોકસભા બાદ તેમણે વિધાનસભાના રાજકારણમાં પણ ઝંડા ગાઢ્યા હતા. વર્ષ 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેઓ લાઠી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિજયી બન્યા હતા. પીઆરએસ (PRS) ના રેકોર્ડ મુજબ વિધાનસભામાં તેમની હાજરી શાનદાર 91.5 ટકા રહી હતી અને તેમણે 120 જેટલી મહત્વપૂર્ણ ચર્ચાઓમાં સક્રિય ભાગીદારી નોંધાવી હતી.
ખેડૂત પૃષ્ઠભૂમિ અને રાજકીય વારસો
એક સામાન્ય ખેડૂત અને વ્યવસાયિક પૃષ્ઠભૂમિમાંથી આવતા વીરજી ઠુમ્મરે જાહેર જીવનમાં જનહિતના મુદ્દાઓને હંમેશા પ્રાધાન્ય આપ્યું હતું. તેમનો રાજકીય વારસો તેમના પરિવાર દ્વારા પણ આગળ ધપાવવામાં આવી રહ્યો છે. તેમની પુત્રી જેની ઠુમ્મર અમરેલીના રાજકારણમાં સક્રિય છે, જેમણે 2015થી 2018 દરમિયાન અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે સેવા આપી હતી અને 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે પણ ચૂંટણી લડી હતી. વીરજી ઠુમ્મરના નિધન સાથે અમરેલીના રાજકીય ઇતિહાસના એક મહત્વપૂર્ણ અધ્યાયનો અંત આવ્યો છે. જનસેવા અને ખેડૂતોના હકો માટે લડનાર તેમના વ્યક્તિત્વની યાદો હંમેશા અમરેલીના રાજકારણમાં અમર રહેશે.
અમરેલીના પ્રભાવશાળી કોંગ્રેસ નેતાની સફર
વીરજી ઠુમ્મરનો જન્મ 31 મે 1959 ના રોજ અમરેલી ખાતે થયો હતો અને તેમના પત્નીનું નામ નીલાબેન છે. તેઓ લાંબા સમયથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે જોડાઈને જનસેવા અને રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવતા આવ્યા હતા. જમીન સાથે જોડાયેલા નેતા તરીકે તેમની છબી હંમેશા લોકોની વચ્ચે રહી હતી.
સંસદથી લઈને વિધાનસભા સુધીનું પ્રતિનિધિત્વ
તેમની રાજકીય કારકિર્દી અત્યંત નોંધપાત્ર રહી છે. તેઓ 2004 થી 2009 દરમિયાન અમરેલી લોકસભા મતવિસ્તારમાંથી સંસદ સભ્ય (MP) તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને સંસદમાં લોકપ્રશ્નોને વાચા આપી હતી. આ ઉપરાંત, જનતાના વિશ્વાસ અને સમર્થનથી તેઓ 2017 થી 2022 દરમિયાન લાઠી-બાબરા વિધાનસભા બેઠક પરથી ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય (MLA) તરીકે પણ ચૂંટાયા હતા.




