અમરેલીમાં ગમખ્વાર અકસ્માત: જાફરાબાદના ચોત્રા રોડ પર ટ્રેક્ટર-બાઈક વચ્ચે ટક્કર, 2 યુવકોના મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amreli News : અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં આવેલા નાગેશ્રી-ચોત્રા માર્ગ પર મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. નાગેશ્રી નજીક ચોત્રા રોડ પર આવેલા શીતળા માતાજીના મંદિર પાસે રાત્રિના સમયે એક ટ્રેક્ટર અને ટુ-વ્હીલર (બાઇક) વચ્ચે સામસામે પ્રચંડ ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક પર સવાર બંને યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે શોકની કાલીમા છવાઈ ગઈ છે.
નાગેશ્રી ગામના યુવક સહિત 2 ના મોત
મળતી પ્રાથમિક માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં કાળનો કોળિયો બનેલા બંને યુવકો બાઇક પર સવાર થઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી આવી રહેલા ટ્રેક્ટરે તેમને અડફેટે લીધા હતા. મૃતકો પૈકી એક યુવક સ્થાનિક નાગેશ્રી ગામનો જ રહેવાસી હોવાનું સામે આવ્યું છે, જ્યારે તેની સાથે રહેલા અન્ય એક વ્યક્તિનું પણ આ અકસ્માતમાં સ્થળ પર જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. રાત્રિના અંધારામાં ધડાકાભેર થયેલા અકસ્માતના અવાજને કારણે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે સ્થળ પર દોડી આવ્યા હતા.
નાગેશ્રી પોલીસ દ્વારા તપાસ શરૂ
ઘટના અંગે સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવતા જ નાગેશ્રી પોલીસનો કાફલો મોડી રાત્રે જ ત્વરિત ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને બંને યુવકોના મૃતદેહોનો કબજો મેળવીને તેમને પીએમ (પોસ્ટમોર્ટમ) અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આ સાથે જ નાગેશ્રી પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધીને ટ્રેક્ટર ચાલક સામે કાયદાકીય કાર્યવાહી અને બનાવનું ચોક્કસ કારણ જાણવા આગળની તપાસ હાથ ધરી છે.




