અમરેલીમાં ST બસ અને બાઇક વચ્ચે અકસ્માતમાં પરિવાર વિખેરાયો, 4 લોકોના દર્દનાક મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amreli Savarkundla highway accident : અમરેલી-સાવરકુંડલા નેશનલ હાઈવે પર આવેલા શેત્રુંજી નદીના પુલ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અમરેલીથી સાવરકુંડલા તરફ જઈ રહેલી એસ.ટી. બસ અને એક મોટરસાઈકલ વચ્ચે ટક્કર થતાં આ ગોઝારી દુર્ઘટના ઘટી હતી. આ અકસ્માતમાં 4 લોકો ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હોવાની માહિતી સામે આવી રહી છે.
ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ
મળતી માહિતી પ્રમાણે, અમરેલી-સાવરકુંડલા રૂટની એસ.ટી. બસ પોતાના નિર્ધારિત માર્ગ પર જઈ રહી હતી, તે દરમિયાન શેત્રુંજી પુલ પાસે સામેથી આવતી બાઈક સાથે બસની ટક્કર થઈ હતી. અકસ્માતને પગલે આસપાસના રાહદારીઓ અને સ્થાનિક વાહનચાલકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ માર્ગ અકસ્માતને કારણે ઘટનાસ્થળે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
અકસ્માતમાં 4 લોકો ઘટના સ્થળે મોત
આ અકસ્માતમાં બસ ચાલક, બાઈક સવાર પિતા અને 2 બાળકોના ઘટનાસ્થળે મૃત્યું થયા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને જાણ કરાતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આ ગંભીર ઘટનામાં મૃત્યું પામેલા અને ઈજા પામેલા લોકોને નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બનાવની જાણ થતાં જ એસટી નિગમના મેનેજર અને સ્થાનિક પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હાલ પોલીસે આ સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ તેજ કરી છે.
- મૃતક
- ગોગન બટુકભાઈ સોલંકી (ઉં.વ. 37)
- ધૃતિ ગોગન સોલંકી (ઉં.વ. 6 મહિના)
- નીતિન ગોગન સોલંકી (ઉં.વ. 4)
- મેહુલ વાળા એસ.ટી ડ્રાઈવર (ઉં.વ. 35)




