અમરેલીમાં 24 કલાકમાં અકસ્માત, વીજ કરંટ અને ગેસ લીકેજની ઘટનામાં મહિલા સહિત 3ના મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amreli Dhari News: અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં 24 કલાકમાં ત્રણ અલગ-અલગ ઘટનામાં ત્રણ વ્યક્તિનો મોત નીપજ્યા છે. ચલાલા નજીક વાડીમાં મોટર ચાલુ કરવા જતાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગવાથી એક યુવાનનું મોત નીપજ્યું છે, જ્યારે કોઠાપીપરીયા ગામે ગેસ લીકેજના કારણે સર્જાયેલી આગમાં ગંભીર રીતે દાઝી ગયેલા મહિલાનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ધારી-અમરેલી પંથકમાં અમ્રુતપુર અને જીરા ગામ વચ્ચે ગત રાત્રે પુરઝડપે અને રોંગ સાઇડમાં આવતી સફેદ કલરની અર્ટીગા કારે મોટરસાઇકલને જોરદાર ટક્કર મારતાં કરમદડી ગામના યુવકનું ગંભીર ઇજાઓ થવાથી મોત નિપજ્યું હતું.
વીજ કરંટ લાગતાં એક વ્યક્તિનું મોત
પ્રાપ્ત માહિતી અનુસાર, ધારીના ચલાલાની પંચવટી સોસાયટીમાં રહેતા અને ખેતીકામ કરતા મુકેશભાઈ દલપતભાઇ દેવમુરારી(ઉં.વ.35) ગોપાલગ્રામ રોડ પર દાનેવ ગુરૂકુળ પાછળ આવેલી પોતાની વાડીએ ગયા હતા. ત્યાં ઇલેક્ટ્રિક મોટર ચાલુ કરવા જતાં અકસ્માતે વીજ કરંટ લાગતાં મુકેશભાઈનું મોત નીપજ્યું હતું.
ગેસ લીકેજથી આગ ભભૂકી ઉઠી, ગંભીર રીતે દાઝ્યાં બાદ મહિલાનું મોત
જ્યારે ધારી તાલુકાના કોઠાપીપરીયા ગામે રહેતા રંભાબહેન સુરેશભાઈ પડસારીયા પોતાના ઘરે ચા બનાવી રહ્યા હતા. આ દરમિયાન ગેસ લીકેજ હોવાના કારણે એકાએક ધડાકાભેર આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનામાં રંભાબહેન ગંભીર રીતે દાઝી જતાં તેઓને વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું. આ અંગે ઘારી પોલીસ મા જાણ કરતા ઘારી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
ધારી નજીક ગફલતભરી ડ્રાઇવિંગે યુવકનો ભોગ લીધો: કારની ટક્કરે બાઇકચાલકનું મોત
પ્રાપ્ત માહિતી અનુસાર, ધારીના કરમદડી ગામે રહેતા ઉકાભાઇ મંગાભાઇ પાટડીયા અમ્રુતપુર-જીરા ગામ વચ્ચેથી પોતાની મોટરસાઇકલ લઈને પસાર થઈ રહ્યા હતા. સફેદ અર્ટીગા કારના ચાલકે પોતાની ગાડી રોંગ સાઇડમાં, લોકોના જીવ જોખમાય તે રીતે પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ઉકાભાઇની મોટરસાઇકલ સાથે અથડાવી હતી. આ અકસ્માતમાં ઉકાભાઇને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું. બનાવ બાદ કારચાલક પોતાની કાર રોડ પર જ મૂકીને અંધારાનો લાભ ઉઠાવી નાસી છૂટ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં ધારી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.




