Amreli

અમરેલી બાબરા APMC ચૂંટણી: ખેડૂત પેનલની 10 બેઠકો માટે 28, વેપારી પેનલની 4 બેઠકો માટે 13 ઉમેદવારીપત્રો ભરાયા

By GS Team
16 Sep 20262 mins read
TukuTouch Logo
અમરેલીના બાબરા APMC બોર્ડની 19 બેઠકો માટે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. 16 સપ્ટેમ્બરે ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે, ખેડૂત પેનલની 10 બેઠકો માટે 28 અને વેપારી પેનલની 4 બેઠકો માટે 13 ફોર્મ ભરાયા. કુલ 19.75 કરોડના ફંડવાળા માર્કેટયાર્ડમાં ખેડૂતોલક્ષી સેવાઓ ચર્ચામાં છે. 28 સપ્ટેમ્બરે મતદાન અને 29 સપ્ટેમ્બરે મતગણતરી થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલી બાબરા APMC ચૂંટણી: ખેડૂત પેનલની 10 બેઠકો માટે 28, વેપારી પેનલની 4 બેઠકો માટે 13 ઉમેદવારીપત્રો ભરાયા

Amreli Babra APMC Election: અમરેલીના બાબરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સામાન્ય બોર્ડની ચૂંટણીને લઈને રાજકીય અને સહકારી ક્ષેત્રમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આજે(16 સપ્ટેમ્બર) ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે વિવિધ પેનલ અને ઉમેદવારો દ્વારા મોટી સંખ્યામાં ફોર્મ ભરવામાં આવ્યા હતા.

ખેડૂત પેનલની 10 બેઠકો માટે 28, વેપારી પેનલની 4 બેઠકો માટે 13 ઉમેદવારીપત્રો ભરાયા

બજાર સમિતિના સામાન્ય બોર્ડમાં કુલ 19 બેઠકો છે. જેમાંથી ખેડૂત મતદાર વિભાગની 10 બેઠકો માટે કુલ 28 ઉમેદવારી પત્રો, જ્યારે વેપારી મતદાર વિભાગની 4 બેઠકો માટે 13 ઉમેદવારી પત્રો ભરાયા છે. આમ, આ બંને વિભાગની બેઠકો માટે ઉમેદવારો વચ્ચે સીધી સ્પર્ધાની સ્થિતિ સર્જાઈ છે.

બોર્ડની રચનામાં 2 બેઠકો સરકારી સભ્યો માટે હોય છે, જેમાં જિલ્લા રજીસ્ટ્રાર અને જિલ્લા ખેતીવાડી અધિકારીનો સમાવેશ થાય છે. જ્યારે 1 બેઠક નગરપાલિકા સદસ્ય ડિરેક્ટર તરીકે હોય છે. બીજી તરફ, ખરીદ-વેચાણ વિભાગની 2 બેઠકો હાલ ખાલી રહી છે. સરકારના નવા કાયદા મુજબ ખરીદ-વેચાણ કરતી મંડળીઓ જરૂરી લાયકાત પૂર્ણ ન કરતી હોવાથી આ બેઠકો માટે ઉમેદવારી થઈ શકી નથી.

17મીએ ફોર્મ ચકાસણી, 21મીએ ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ

ચૂંટણી કાર્યક્રમ મુજબ 17 સપ્ટેમ્બર 2026ના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરાશે. ત્યારબાદ 21 સપ્ટેમ્બરે ઉમેદવારીપત્રો પરત ખેંચવાની અંતિમ તારીખ રહેશે. ઉમેદવારી પરત ખેંચાયા બાદ ચૂંટણીનું ચિત્ર વધુ સ્પષ્ટ બનશે.

જ્યારે 28 સપ્ટેમ્બર 2026ના રોજ મતદાન યોજાશે, જ્યારે 29 સપ્ટેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે.

ખેડૂત પેનલમાં 341, વેપારી પેનલમાં 38 મતદારો

ચૂંટણીમાં ખેડૂત મતદાર વિભાગમાં કુલ 341 મતદારો, જ્યારે વેપારી મતદાર વિભાગમાં 38 મતદારો છે. તેથી આગામી દિવસોમાં ઉમેદવારો દ્વારા મતદારોનો સંપર્ક અને ચૂંટણી પ્રચાર તેજ બનવાની શક્યતા છે.

રૂ. 19.75 કરોડનું ફંડ અને ખેડૂતોલક્ષી સેવાઓ ચર્ચામાં

હાલ બાબરા માર્કેટયાર્ડ પાસે આશરે રૂ. 19 કરોડ 75 લાખનું ફંડ હોવાનું જણાવાઈ રહ્યું છે. છેલ્લા 15 વર્ષના શાસનકાળ દરમિયાન બાબરા માર્કેટયાર્ડ દ્વારા ખેડૂતો માટે માત્ર રૂ.70માં ભોજન, ખેડૂત અકસ્માત સહાય તેમજ નજીવા દરે એમ્બ્યુલન્સ સેવા જેવી સેવાઓ પૂરી પાડવામાં આવતી હોવાનો મુદ્દો પણ ચૂંટણીમાં ચર્ચાનો વિષય બન્યો છે.

હવે 28 સપ્ટેમ્બરના મતદાન તરફ નજર મંડાઈ છે. ઉમેદવારીપત્રોની ચકાસણી અને પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કેટલા ઉમેદવારો મેદાનમાં રહે છે તેના આધારે બાબરા માર્કેટયાર્ડની ચૂંટણીનો વાસ્તવિક મુકાબલો સ્પષ્ટ થશે.