Amreli

અમરેલી: માનવ હુમલામાં સંડોવાયેલા સિંહોને સીમિત ક્ષેત્રમાં રખાશે, આંબરડી સફારી પાર્કમાં બનાવાશે કુદરતી હેબિટેટ

By GS Team
9 Aug 20262 mins read
TukuTouch Logo
ગુજરાત સરકારે માનવ વસ્તી પર હુમલા કરતા સિંહોને ખુલ્લા જંગલને બદલે સીમિત ક્ષેત્રમાં રાખવાનો નિર્ણય લીધો છે. અમરેલીના ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્કમાં 100 હેક્ટર વિસ્તારમાં ફેન્સિંગ કરીને સિંહો માટે કુદરતી વાતાવરણ તૈયાર કરાઈ રહ્યું છે. વિશ્વ સિંહ દિવસ (10 ઓગસ્ટ) પૂર્વે આ મહત્વપૂર્ણ કામગીરી શરૂ કરાઈ છે, જેથી સિંહોને સુરક્ષિત રહેઠાણ મળી રહે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલી: માનવ હુમલામાં સંડોવાયેલા સિંહોને સીમિત ક્ષેત્રમાં રખાશે, આંબરડી સફારી પાર્કમાં બનાવાશે કુદરતી હેબિટેટ

Lion Conservation: માનવ વસ્તી પર હુમલાની ઘટનાઓમાં સંડોવાયેલા સિંહને ખુલ્લા જંગલમાં રાખવાને બદલે એક ખાસ સીમિત ક્ષેત્રમાં રાખવા માટે રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમરેલી જિલ્લાના ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્કમાં 100 હેક્ટર વિસ્તારમાં ખાસ ફેન્સિંગ કરીને સિંહ માટે કુદરતી વાતાવરણ (હેબિટેટ) તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે, સિંહની સુરક્ષા અને સંરક્ષણ અંગે જાગૃતિ લાવવાના હેતુથી દર વર્ષે 10મી ઓગસ્ટે 'વિશ્વ સિંહ દિવસ' મનાવવામાં આવે છે, તે પૂર્વે આ મહત્ત્વપૂર્ણ કવાયત શરૂ કરાઈ છે.

સીમિત ક્ષેત્રમાં સિંહોને અનુકૂળ વાતાવરણ મળશે

આ અંગે વન વિભાગના ઉચ્ચ આઈ.એફ.એસ. (IFS) અધિકારીએ જણાવ્યું હતું કે, 'માનવ હુમલામાં સંડોવાયેલા સિંહને સુરક્ષિત અને સીમિત ક્ષેત્રમાં રાખવા માટે આંબરડી સફારી પાર્કમાં ફેન્સિંગ કરીને તેને અનુકૂળ રહેઠાણ પૂરું પાડવામાં આવશે. આ અંગે જરૂરી તમામ ટેકનિકલ સૂચનાઓ આપી દેવામાં આવી છે અને સ્થળ પર કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે.'

વૈજ્ઞાનિક ઢબે વન્ય પ્રાણીઓનું સ્થળાંતર

મનુષ્યો અને વન્યજીવો વચ્ચે સતત વધતા સંઘર્ષને ઘટાડવા, પ્રાણીઓને સુરક્ષિત આશ્રય આપવા અને પ્રાદેશિક જૈવિક સંતુલન જાળવવા માટે વન વિભાગ સમયાંતરે વૈજ્ઞાનિક પદ્ધતિથી સ્થળાંતર હાથ ધરે છે. સામાન્ય રીતે જ્યારે સિંહ, દીપડા કે અન્ય વન્યજીવો ખોવાયેલા કે ભટકેલા હાલતમાં માનવ વસ્તી, ખેતરો કે ગામડાંઓમાં ઘૂસી જાય છે અથવા ઈજાગ્રસ્ત થાય છે, ત્યારે તેમને રેસ્ક્યૂ કરીને સુરક્ષિત રીતે અભયારણ્ય કે જંગલમાં ખસેડવામાં આવે છે. તેવી જ રીતે રખડતા મગરોને પણ સલામત જળાશયોમાં મુક્ત કરવામાં આવે છે.

પ્રવાસીઓમાં લોકપ્રિય બનતું આંબરડી સફારી પાર્ક

અમરેલીના ધારી નજીક આશરે ૩૬૫ હેક્ટરમાં ફેલાયેલું આંબરડી સફારી પાર્ક ગીર સંરક્ષિત વિસ્તારનું આરક્ષિત જંગલ છે, જે વર્ષ ૨૦૧૭થી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું છે. અહીં એશિયાટિક સિંહો ઉપરાંત દીપડા, ચિતલ, નીલગાય, ચિંકારા અને વિવિધ પ્રજાતિના પક્ષીઓ કુદરતી માહોલમાં રહે છે. ઇકો-ટૂરિઝમને પ્રોત્સાહન આપવાની સાથે આ પાર્ક સ્થાનિક સ્તરે રોજગારી સર્જન અને વન્યજીવ સંરક્ષણની જાગૃતિમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.