Amreli

લિફ્ટ આપવી ભારે પડી: લાઠીમાં પુત્રીને મળવા જતાં વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી મહિલા અને તેના સાગરીતોએ આચર્યો ખેલ!

By GS Team
16 Jul 20262 mins read
TukuTouch Logo
અમરેલીના લાઠીમાં ભુરખીયા હનુમાનજી મંદિર પાસે વૃદ્ધ વિઠ્ઠલભાઈ ટાઢાણીને લિફ્ટના બહાને હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યા. એક મહિલા અને 4 શખ્સોએ તેમનું અપહરણ કરી માર માર્યો. તેમને બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી 2.50 લાખની ખંડણી માંગી, જેમાં 58,000 ઓનલાઇન પડાવી લીધા. લાઠી પોલીસે નિલેશ ગૌસ્વામી સહિત 5 સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

લિફ્ટ આપવી ભારે પડી: લાઠીમાં પુત્રીને મળવા જતાં વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી મહિલા અને તેના સાગરીતોએ આચર્યો ખેલ!

Amreli Lathi Honeytrap Case: અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં લિફ્ટ આપવાના બહાને એક વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી તેમનું અપહરણ કરી ખંડણી પડાવવાનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભુરખીયા હનુમાનજી મંદિર નજીક બનેલી આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ભોગ બનનાર વૃદ્ધે આ મામલે લાઠી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પુત્રીને મળવા જતા રસ્તામાં મહિલાએ લિફ્ટ માંગી

મળતી વિગત મુજબ, લાઠી તાલુકાના રાદલના દડવા ગામના વતની વિઠ્ઠલભાઈ ટાઢાણી પોતાની દીકરીને મળવા માટે મોટરસાયકલ લઈને દામનગર જવા નીકળ્યા હતા. દરમિયાન લાઠીના ભવાની સર્કલ પાસેથી પસાર થતી વખતે એક અજાણી મહિલાએ હાથ ઊંચો કરી ભુરખીયા ગામ સુધી જવા માટે લિફ્ટ માંગી હતી. વિઠ્ઠલભાઈએ માનવતા દાખવીને તે મહિલાને પોતાના મોટરસાયકલ પર પાછળ બેસાડી દીધી હતી.

તળાવ પાસે ફોટો પડાવવાના બહાને રચાયું કાવતરું

મોટરસાયકલ જ્યારે ભુરખીયા ગામના ગેટ પાસે પહોંચ્યું, ત્યારે મહિલાએ મોટરસાયકલ ઊભી રખાવી હતી. તેણે જણાવ્યું કે તેને તળાવ પાસે ફોટા પાડવા છે, જેથી વિઠ્ઠલભાઈએ ત્યાં બાઈક ઊભું રાખ્યું હતું. વિઠ્ઠલભાઈ કંઈ સમજે તે પહેલાં જ ત્યાં અચાનક એક કાર આવીને ઊભી રહી હતી, જેમાંથી 4 જેટલા શખ્સો નીચે ઉતર્યા હતા.

અપહરણ કરીને માર માર્યો, બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી

આ ચાર અજાણ્યા શખ્સોએ આવીને વિઠ્ઠલભાઈને ધમકાવવાનું શરૂ કર્યું હતું. તેમણે કહ્યું, "તેં કેમ આ બહેનને મોટરસાયકલ પર બેસાડી છે?" તેમ કહી વિઠ્ઠલભાઈને પરાણે પોતાની કારમાં બેસાડી દીધા હતા અને તેમનું અપહરણ કરી ગયા હતા. ચાલુ કારે વિઠ્ઠલભાઈને ઢોર માર મારવામાં આવ્યો હતો અને જો તેઓ પૈસા નહીં આપે તો તેમને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની અને જેલના સળિયા પાછળ ધકેલી દેવાની ગંભીર ધમકી આપી હતી.

રૂ. 2.50 લાખની ખંડણી માંગી, ઓનલાઇન રૂ. 58,000 પડાવ્યા

આ ટોળકીએ વિઠ્ઠલભાઈને છોડવાના બદલામાં રૂ. 2,50,000ની તગડી ખંડણી માંગી હતી. જોકે, વિઠ્ઠલભાઈ પાસે એટલા પૈસા ન હોવાથી આખરે આરોપીઓએ દબાણ કરીને તેમની પાસેથી રૂ. 58,000 ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા.

ચુંગાલમાંથી છૂટ્યા બાદ ભયભીત બનેલા વિઠ્ઠલભાઈ ટાઢાણીએ હિંમત ભેગી કરીને લાઠી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. તેમણે આ હનીટ્રેપ ગેંગના સાગરીતો એવા નિલેશ ગૌસ્વામી, શ્યામ અને અન્ય 3 અજાણ્યા શખ્સો વિરુદ્ધ લૂંટ, અપહરણ અને બ્લેકમેઇલિંગની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને આ ભેજાબાજ ટોળકીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.