અમરેલી: ચાંપથળ ગામે શેત્રુંજી નદીમાંથી બેફામ ગેરકાયદે ખનીજ ચોરી, ગ્રામજનોએ કલેક્ટર કચેરીમાં રામધૂન બોલાવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amreli Illegal Sand Mining: અમરેલી તાલુકાના ચાંપથળ ગામે શેત્રુંજી નદીમાંથી થઈ રહેલી ગેરકાયદે ખનીજ ચોરીને પગલે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે. શેત્રુંજી નદીમાંથી દિવસ-રાત મોટા પાયે રેતી ચોરી થઈ રહી હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવતા ન હોવાનો ગંભીર આરોપ સ્થાનિકોએ લગાવ્યો છે.
ગ્રામજનોએ કચેરી પરિસરમાં રામધૂન બોલાવી
તંત્રના ઉપેક્ષાભર્યા વલણથી કંટાળીને ચાંપથળ ગામની મહિલાઓ સહિત સ્થાનિકો મોટી સંખ્યામાં અમરેલી કલેક્ટર કચેરી તેમજ ખાણ અને ખનીજ વિભાગની કચેરીએ પહોંચ્યા હતા. કચેરી પરિસરમાં ગ્રામજનોએ રામધૂન બોલાવીને વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે તેમણે સંબંધિત અધિકારીઓને આવેદનપત્ર પાઠવીને ગેરકાયદે ખનીજ ચોરી અટકાવવા રજૂઆત કરી હતી.
સ્થાનિકોના જણાવ્યાનુસાર, શેત્રુંજી નદીમાંથી સતત થઈ રહેલી બિનઅધિકૃત રેતી ચોરીના કારણે વિસ્તારના પર્યાવરણ અને નદીના નિવસનતંત્રને મોટું નુકસાન થઈ રહ્યું છે. આ ઉપરાંત, રેતી ભરીને પૂરઝડપે દોડતા ભારે વાહનોના કારણે ગામના રસ્તાઓ બિસ્માર બની ગયા છે, જેથી ગંભીર અકસ્માતો સર્જાવાનો ભય સતત રહે છે.
આવેદનપત્ર દ્વારા ગ્રામજનોએ તંત્રને અલ્ટીમેટમ આપતાં જણાવ્યું હતું કે, જો આગામી 7 દિવસમાં શેત્રુંજી નદીમાંથી થતી ગેરકાયદે ખનીજ ચોરી સંપૂર્ણપણે બંધ કરવામાં નહીં આવે, તો સમગ્ર ચાંપથળ ગામ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.




