Amreli

અમરેલીમાં આકાશી આફતથી જળબંબાકાર: નદી-નાળા છલકાતા હાઇવે બંધ અને ઘરોમાં પાણી, બાળકી સહિત 2ના મોત

By GS Team
24 Jul 20265 mins read
TukuTouch Logo
અમરેલી જિલ્લામાં રાતથી પડેલા ભારે વરસાદે જળબંબાકાર સર્જ્યો છે. ગીરના ધોધમાર વરસાદથી નદીઓ બે કાંઠે વહે છે, અનેક માર્ગો બંધ થતાં વાહનવ્યવહાર ઠપ થયો છે. અમરેલી-સાવરકુંડલા હાઇવે બંધ થયો છે. ઠેબી ડેમના 2 દરવાજા ખોલાયા અને સોનલ ડેમ ઓવરફ્લો થયો છે. લાઠી નજીક 3 વર્ષની બાળકી પાણીના પ્રવાહમાં તણાઈ જતાં શોધખોળ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલીમાં આકાશી આફતથી જળબંબાકાર: નદી-નાળા છલકાતા હાઇવે બંધ અને ઘરોમાં પાણી, બાળકી સહિત 2ના મોત

Amreli Heavy Rain: અમરેલી જિલ્લામાં ગત રાત્રિથી શરૂ થયેલા અવિરત અને ભારે વરસાદને કારણે સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગીર અને ઉપરવાસના વિસ્તારોમાં પડેલા ધોધમાર વરસાદથી જિલ્લાની મુખ્ય નદીઓ બે કાંઠે વહેતી થઈ છે, જ્યારે અનેક માર્ગો બંધ થતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. મુશળધાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.

અમરેલીના લાઠી પંથકમાં કરૂણાંતિકા: ડૂબી જવાની ઘટનામાં બાળકી સહિત બે લોકોના મોત

અમરેલીના લાઠી પંથકમાં બે અલગ-અલગ ડૂબી જવાની ઘટનાઓએ સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફેરવી દીધું છે. સવારે લાઠીના માલવિયા પીપરિયા ગામ નજીક એક બાળકી પાણીમાં ડૂબી ગઈ હોવાની જાણ થતાં જ તંત્ર દ્વારા સ્થાનિક કક્ષાએ વ્યાપક શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ બચાવ કામગીરી દરમિયાન તંત્રને બાળકી ઉપરાંત કૃષ્ણગઢ ગામ નજીકથી એક અજાણ્યા યુવકની લાશ પણ મળી આવી હતી. તંત્ર દ્વારા બાળકી અને યુવક બંનેના મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢીને લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા મૃતક યુવકની ઓળખ છતી કરવા સહિતની કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અમરેલીમાં સ્ટેટ હાઇવે પર ફરી વળ્યા પૂરના પાણી

અમરેલી જિલ્લામાં અવિરત વરસી રહેલા ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ વધુ વિકટ બની છે. શેત્રુંજી નદીના ઉફાડા પાણી સાવરકુંડલા-રંઘોળા સ્ટેટ હાઇવે પર ફરી વળતાં જૂના સાવર નજીકથી વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવાયો છે, જેના કારણે જૂના સાવર ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. આ ઉપરાંત, સાવરકુંડલાના ફીફાદ નજીક પણ શેત્રુંજી નદીનું પૂર માર્ગ પર ફરી વળતાં સાવરકુંડલાથી ગારિયાધાર જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો છે. પૂરના ધસમસતા પ્રવાહ વચ્ચે કોઈ ગંભીર હોનારત ન સર્જાય તે માટે તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે તાત્કાલિક અસરથી રસ્તાઓ બંધ કરાવી વાહનવ્યવહાર રોકી દેવામાં આવ્યો છે.

1000731741.jpg

લુવારિયા ગામ પાસે ડાયવર્ઝન ધોવાતા વાહનવ્યવહાર ઠપ

જિલ્લામાં માર્ગ પરિવહન સંપૂર્ણપણે પ્રભાવિત થતાં વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મૂકાયા છે. લાઠી-લીલીયા સ્ટેટ હાઇવે પર આવેલા લુવારિયા ગામ નજીક ચાલુ રોડના કામ માટે બનાવાયેલું ડાયવર્ઝન ગાગડિયા નદીના ધસમસતા પ્રવાહમાં ધોવાઈ જતાં આ માર્ગ પરથી પણ સંપર્ક તૂટી ગયો છે.

1000731740.jpg

ડાયવર્ઝન પરથી પાણીનો ભારે પ્રવાહ વહી રહ્યો હોવાથી રસ્તાની બંને બાજુ વાહનોની લાંબી લાઇનો લાગી ગઈ છે અને અનેક વાહનચાલકો અટવાઈ પડ્યા છે. જિલ્લાભરમાં નદી-નાળા બે કાંઠે વહેતા હોવાથી તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી પ્રવાસ ન કરવા અને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

જૂના સાવર ગામ બેટમાં ફેરવાયું, પાણીના પ્રવાહમાં તણાયેલી છકડો રિક્ષામાંથી 3નો આબાદ બચાવ

અમરેલીના સાવરકુંડલા તાલુકાનું જૂના સાવર ગામ શેત્રુંજી અને શેલ નદીના વહેણમાં બેટમાં ફેરવાઈ ગયું છે. નદીઓના પાણી ફરી વળતાં સ્ટેટ હાઈવે વાહનવ્યવહાર માટે બંધ થઈ ગયો છે. આ દરમિયાન જૂના સાવર નજીક શેત્રુંજી નદીના ધસમસતા પ્રવાહમાં એક છકડો રિક્ષા ગરકાવ થઈ હતી. જોકે, ઘટનાની જાણ થતાં જ પૂર્વ તાલુકા પ્રમુખના પ્રતિનિધિ મનુભાઈ ડાવરા સહિત સ્થાનિક લોકો ટ્રેક્ટર લઈને મદદે પહોંચ્યા હતા. ગામલેકોએ સમયસૂચકતા દાખવી રિક્ષામાં સવાર ત્રણેય લોકોને સુરક્ષિત બહાર કાઢી ટ્રેક્ટર વડે રિક્ષા પણ ખેંચી લેતાં મોટી દુર્ઘટના ટળી હતી.

1000731924.jpg
1000731925.jpg

અવિરત વરસાદથી ખેતરો સરોવર બન્યા, ખેતીપાક ધોવાતાં ધરતીપુત્રો ચિંતામાં

અમરેલી જિલ્લામાં અવિરત વરસી રહેલી મેઘમહેર હવે ખેડૂતો માટે મુશ્કેલીનું કારણ બની છે. સાવરકુંડલા માર્ગ પર આવેલા ખેતરો પાણીમાં ગરકાવ થઈ જતાં જાણે સરોવર બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ખાસ કરીને લાપાળિયા અને ગોખરવાળા નજીક ખેતીની જમીનોનું વ્યાપક ધોવાણ થતાં ઉભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. સતત જળબંબાકારની સ્થિતિને કારણે ખેડૂતોનો તૈયાર પાક ધોવાઈ જતાં ધરતીપુત્રો ચિંતાના વાદળો ઘેરાયા છે.

ટેક્સ ભરવાનો બાકી હશે એટલે ઘર-દુકાનોમાં પાણી ભરાયા: જળબંબાકાર મુદ્દે કોંગ્રેસના આકરા પ્રહારો

જિલ્લામાં સર્જાયેલી પાણી ભરાવાની ગંભીર સમસ્યાને લઈને રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસ નેતા જેની ઠુમ્મરે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને સરકાર સામે તીખા પ્રહારો કર્યા હતા. તેમણે કટાક્ષ કરતાં લખ્યું હતું કે, "પાણી ભરાઈ જવા એ કોઈ કુદરતી આફત નથી. કદાચ આપણે કર (ટેક્સ) ભરવાનો બાકી રાખ્યો હશે એટલે આપણા ઘર કે દુકાનોમાં પાણી ભરાયા છે." તેમણે પોતે પણ ઘરમાંથી પાણી બહાર કાઢતાં કાઢતાં આ સોશિયલ મીડિયા પોસ્ટ કરી તંત્રની નિષ્ફળતા સામે વિરોધ નોંધાવ્યો હતો.

વાહનવ્યવહાર ઠપ: હાઇવે અને કોઝવે બંધ

અમરેલી-સાવરકુંડલા નેશનલ હાઇવે બંધ: મોટા ગોખરવાળા પાસે કોઝવે પર વરસાદી પાણી ફરી વળતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ બાધિત થયો છે. સતત બે કલાકથી વધુ સમયથી વાહનોની અવરજવર બંધ રહેતાં રોડની બંને સાઇડ વાહનોની લાંબી લાઇનો લાગી છે અને વાહનચાલકો અટવાયા છે.

માટીનો કોઝવે ધોવાયો: વડિયાના ખાણ ખીજડીયાથી ઢૂંઢીયા પીપળીયા જવાનો માર્ગ સુરવો નદીના પાણીના પ્રવાહમાં માટીનો કોઝવે ધોવાઈ જતાં બંધ થઈ ગયો છે.

1000731734.jpg

નદીઓમાં ઘોડાપૂર અને ડેમ ઓવરફ્લો

શેત્રુંજી અને નાવલી નદી બે કાંઠે: ગીર પંથકમાં ભારે વરસાદને પગલે ગાવડકા નજીક શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ઉપરાંત, લીલીયા શહેરની મધ્યમાંથી વહેતી નાવલી નદીમાં પણ નવા નીર આવતાં કાંઠાના વેપારીઓને અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે.

ઠેબી ડેમના દરવાજા ખોલાયા: ઉપરવાસમાં પાણીની આવક વધતાં ઠેબી નદીના બે દરવાજા 0.15 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો જેવા કે અમરેલી, ફતેપુર, પ્રતાપરા અને ચાપાથળ ગામોને ઍલર્ટ કરી નદીના પ્રવાહથી દૂર રહેવા સૂચના અપાઈ છે.

1000731725.jpg

સોનલ ડેમ ઓવરફ્લો: મોટી કુંકાવાવ ખાતે આવેલો સોનલ ડેમ ધીમી ધારે પડેલા વરસાદથી ઓવરફ્લો થતાં ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે.

શહેરી અને ગ્રામ્ય વિસ્તારોની દુર્દશા

અમરેલી શહેરમાં પાણી ભરાયા: અમરેલીના લાઠી રોડ સહિતના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. રોડના ચાલુ કામ અને પાલિકા તંત્રની ઘોર બેદરકારીના કારણે અનેક વાહનો બંધ પડી ગયા હતા અને કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી.

1000731726.jpg

લીલીયાના મફત પ્લોટમાં ગોઠણસમા પાણી: લીલીયાના મફત પ્લોટ વિસ્તારમાં ઘરોમાં ગોઠણસમા પાણી ઘૂસી જતાં લોકોની ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું છે. અવારનવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતાં સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે.

1000731735.jpg
1000731733.jpg

ધારીના કેનાલપરામાં 7 ઇંચ વરસાદ: ધારીના કેનાલપરા ગામે ગત રાત્રે 7 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતાં ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા છે. ખેડૂતોનો તૈયાર પાક પાણીમાં ડૂબી જતાં ફરીથી વાવણી કરવાનો વારો આવ્યો છે.