Amreli

અમરેલી જિલ્લામાં મેઘરાજાની જમાવટ: લાઠી-સાવરકુંડલામાં ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર

By GS Team
20 Sep 20262 mins read
TukuTouch Logo
અમરેલી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી સાચી ઠરી છે. આજે બપોર સુધી ઓરેન્જ એલર્ટ વચ્ચે લાઠી, દામનગર, ઠાંસા, ધુફણીયા સહિતના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. સાવરકુંડલાના ઘોબા, પીપરડી અને મોટા ભમોદરામાં પણ ધોધમાર વરસાદથી નદી-નાળા છલકાયા. આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી, ખેડૂતોમાં આનંદ છવાયો અને પાછોતરા પાકોને નવજીવન મળ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલી જિલ્લામાં મેઘરાજાની જમાવટ: લાઠી-સાવરકુંડલામાં ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર

Gujarat Amreli rain Updates : અમરેલી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી આજના દિવસે અક્ષરસઃ સાચી સાબિત થઈ રહી છે. આજે બપોરે ચાર વાગ્યા સુધી સમગ્ર જિલ્લામાં ભારે વરસાદ માટેનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, અને આ આગાહી મુજબ જ જિલ્લાના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. લાઠી શહેર તેમજ દામનગર પંથકમાં સતત બીજા દિવસે પણ મેઘમહેર યથાવત રહી છે.

image.png

લાઠી શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે, તો સાથે જ દામનગર, ઠાંસા, ધુફણીયા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા કેરાળા, દુધાળા, મેમદા અને આંબરડી સહિતના ગામોમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. સતત પડી રહેલા આ વરસાદને કારણે વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે અને ધરતીપુત્રોમાં આનંદનો માહોલ છવાઈ ગયો છે.

image.png

બીજી બાજુ, સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ બપોર બાદ અચાનક વાતાવરણમાં મોટો પલટો આવ્યો હતો અને સળંગ ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે. સાવરકુંડલાના ઘોબા, પીપરડી તેમજ મોટા ભમોદરા સહિત આસપાસના વિસ્તારોમાં નરાધાર વરસાદ ખાબક્યો હતો. મોટા ભમોદરા ગામે મેલડી માતાના મંદિર પાસે સ્થાનિક નદી-નાળાઓમાં ઘોડાપૂર આવ્યા હતા અને ભારે વરસાદના કારણે ખેતરોમાંથી પાણી છલકાઈને વહેવા લાગ્યા હતા. બપોરના સમયે ભારે ઉકળાટ અને બફારા બાદ અચાનક તૂટી પડેલા આ વરસાદથી સમગ્ર પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.

image.png

હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલા ઓરેન્જ એલર્ટ વચ્ચે વરસી રહેલા આ સાર્વત્રિક અને નોંધપાત્ર વરસાદથી પાછોતરા પાકો જેવા કે કપાસ, મગફળી, સોયાબીન અને અન્ય ખેતી પાકોને અમૂલ્ય ફાયદો થયો છે. લાંબા સમયથી પાણીની રાહ જોઈ રહેલા પાકોને નવું જીવનદાન મળતા ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી રહી છે. પ્રશાસન દ્વારા પણ નાગરિકોને સાવચેત રહેવા અને જળભરાવ વાળા વિસ્તારોથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.