અમરેલીમાં સતત બીજા દિવસે વરસાદ, દેવભૂમિ દ્વારકામાં 80% ઘટ વચ્ચે ખંભાળિયામાં મેઘમહેર, ખેડૂતોમાં હરખ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Saurashtra Monsoon Upates: કચ્છ-સૌરાષ્ટ્રમાં વરસાદની મોટી ઘટ વચ્ચે રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ ફરી સક્રિય થયો છે. વરસાદની સિસ્ટમને પગલે હવામાન વિભાગે આગામી 12થી 14 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેવામાં ગુરુવારે(10 સપ્ટેમ્બર) અમરેલી, દેવભૂમિ દ્વારકા સહિતના અમુક સ્થળોએ ધીમીધારે વરસાદ વરસ્યો છે.
અમરેલીમાં સતત બીજા દિવસે વરસાદ
અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા સાવરકુંડલા, ધારી, ગીર સહિતના તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સાવરકુંડલાના મહુવા રોડ પંથકના વીજપડી અને ખડસલી ગામો સહિત આસપાસના ગામડામાં હળવા વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જેમાં વીજપડી અને ખડસલીમાં સતત બીજા દિવસે વરસાદ થયો છે. વરસાદની અછત વચ્ચે મેઘરાજા ફરી મહેરબાન થયા છે, ત્યારે ખેડૂતોમાં વરસાદની આશાઓ ઉજ્જવળ થઈ છે.
દેવભૂમિ દ્વારકામાં 80% ઘટ વચ્ચે ખંભાળિયામાં મેઘમહેર
દેવભૂમિ દ્વારકામાં દુષ્કાળની પરિસ્થિતિ વચ્ચે રાહતના સમાચાર છે. જેમાં ખંભાળિયા નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ થતાં ધરતીપુત્રોમાં હરખ છવાયો છે. ખંભાળિયા - જામનગર માર્ગ પર આવેલા વાડીનાર, ભરાણા, કજૂરડા, નાના માંઢા, મોટા માંઢા, આંબલા, આરાધના ધામ વગેરે ગ્રામ્ય વિસ્તારોમાં ગુરુવારે બપોરે આશરે સવા વાગ્યે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જે આશરે એકાદ કલાક સુધી વરસતા અંદાજીત એક ઈંચથી વધુ વરસાદ થયો છે. સારો એવો વરસાદ થતાં રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. જેથી આ વિસ્તારના લોકોએ આનંદ સાથે રાહતની લાગણી અનુભવી છે.
ઉલ્લેખનીય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ 80 ટકાથી વધુ વરસાદની ઘટ છે. ત્યારે ખંભાળિયાના અનેક ગામોમાં આજે વરસેલા ધોધમાર વરસાદથી હવે આગામી દિવસોમાં વધુ વરસાદની આશા બંધાઈ છે.




