Amreli

રૂ.635 કરોડના ‘SD Pay’ મહાકૌભાંડનો માસ્ટરમાઇન્ડ ઔરંગાબાદથી ઝડપાયો, ટ્રિકથી આર્થિક સામ્રાજ્ય ઊભું કર્યું

By GS Team
23 Sep 20263 mins read
TukuTouch Logo
અમરેલીના રૂ.635 કરોડના SD Pay એપ ફ્રોડ કેસમાં મુખ્ય સૂત્રધાર નારાયણ અશોક કાંગને અમરેલી પોલીસ અને વડોદરા સાયબર ક્રાઇમની ટીમે મહારાષ્ટ્રના ઔરંગાબાદથી ઝડપી પાડ્યો છે. તેણે 1.75 લાખથી વધુ લોકોને ઊંચા વળતરની લાલચ આપી છેતર્યા હતા. આ કૌભાંડમાં અત્યાર સુધીમાં કુલ 10 આરોપીઓની ધરપકડ થઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રૂ.635 કરોડના ‘SD Pay’ મહાકૌભાંડનો માસ્ટરમાઇન્ડ ઔરંગાબાદથી ઝડપાયો, ટ્રિકથી આર્થિક સામ્રાજ્ય ઊભું કર્યું

Amreli SDPay App 635 Crore Fraud Case: અમરેલી તેમજ વડોદરા સહિત સમગ્ર રાજ્યભરમાં ભારે ચકચાર જગાવનારા રૂ.635 કરોડના બહુચર્ચિત 'SD Pay' એપ્લિકેશન ફ્રોડના મુખ્ય સૂત્રધાર નારાયણ અશોક કાંગને અમરેલી પોલીસ અને વડોદરા સાયબર ક્રાઇમની સંયુક્ત ટીમે મહારાષ્ટ્રના ઔરંગાબાદ છત્રપતિ સંભાજીનગર ખાતેથી ઝડપી પાડ્યો છે. ઊંચા વળતરની લાલચ આપી ગુજરાત સહિત દેશભરના 1.75 લાખથી વધુ લોકોને છેતરનારાના મામલે 9 આરોપીઓની ધરપકડ કરાઈ છે. સમગ્ર મામલે કુલ 10 આરોપીને સંકજામાં લઈ લેવાયા છે.

કરોડોના કૌભાંડનો વધુ એક આરોપી ઓરંગાબાદથી ઝડપાયો

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી નારાયણ અશોક કાંગ ઔરંગાબાદ ખાતે બેસીને 'SD Pay' નામની બોગસ ઇન્વેસ્ટમેન્ટ એપ્લિકેશનનું આખું નેટવર્ક ઓપરેટ કરતો હતો. એપ્લિકેશનનો તમામ ટેકનિકલ કંટ્રોલ, સર્વર ડેટા અને યુઝર્સની ડિટેઈલ્સ પોતાની પાસે રાખીને તે લોકોને વધુ વળતરની લાલચ આપતો હતો. રોકાણકારો જે રકમ જમા કરાવતા તે સીધી જ આરોપીના અંગત અને બેનામી બેંક ખાતાઓમાં ટ્રાન્સફર થઈ જતી હતી. આ મોડસ ઓપરેન્ડી દ્વારા તેણે આશરે રૂ.635 કરોડનું જંગી આર્થિક સામ્રાજ્ય ઊભું કરી દીધું હતું.

ઓપરેશન પાર પાડ્યા બાદ સંયુક્ત ટીમ દ્વારા આરોપીને કડક સુરક્ષા વચ્ચે વડોદરા લાવવામાં આવ્યો છે. વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ મથકે અગાઉથી ગુનો નોંધાયેલો હોવાથી પ્રાથમિક ધોરણે તેની પૂછપરછ અને કસ્ટડી વડોદરા પોલીસ સંભાળી રહી છે. વડોદરા પોલીસ દ્વારા રિમાન્ડ મેળવી ટેકનિકલ એવિડન્સ, બેંક ખાતાઓ અને આંતરરાજ્ય કનેક્શન અંગે તપાસ પૂર્ણ થયા બાદ અમરેલી પોલીસ ટ્રાન્સફર વોરંટ આધારે તેનો કબજો મેળવશે.

આંતરરાજ્ય સાયબર ફ્રોડનો મુખ્ય સૂત્રધાર પકડાતા જ આ રેકેટ સાથે જોડાયેલા અન્ય મળતિયાઓ અને એજન્ટોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે આરોપીના લેપટોપ, મોબાઈલ અને બેંક એકાઉન્ટ્સ ફ્રીઝ કરવાની તજવીજ હાથ ધરી છે. રૂ.635 કરોડની અધધ રકમ ક્યા રોકાણ કરવામાં આવી અને દેશ-વિદેશના કયા ભેજાબાજો આ કૌભાંડમાં સામેલ છે તે દિશામાં વડોદરા અને અમરેલી પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે

અમરેલી DySPએ શું કહ્યું?

કરોડાના સાયબર ફ્રોડ મામલે અમરેલી DySPએ જણાવ્યું કે, 'SDpay' અને 'APNAPay' એપ્લિકેશનના 15 લાખથી વધુ યુઝર્સનું પોલીસે એનાલિસિસ કર્યું છે. જેમાંથી 6 લાખ 53 હજાર યુઝર્સના ડેટા અમરેલી સાયબર પોલીસે મેળવ્યા છે. સૌથી વધુ યુઝર્સ ગુજરાતમાં 1 લાખ 52 હજાર છે. જ્યારે રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, બિહાર, કર્ણાટક, હરિયાણા સહિતના રાજ્યોના યૂઝર્સ પણ આ કૌભાંડનો ભોગ બન્યા હોવાનું જણાય છે. યૂઝર્સ મારફત 1211 કરોડનું બેલેન્સ જમા થયું તે ફ્રીઝ કરવામાં આવ્યું છે. અન્ય યુઝર્સના ડેટા મેળવવાની પ્રક્રિયાઓ ચાલી રહી છે. કરોડોના છેતરપિંડી કૌભાંડમાં અગાઉ 9 આરોપીઓ ઝડપી લેવાયા છે.

3 મુખ્ય સૂત્રધારો સાથે કુલ 10 આરોપીઓ ઝડપાયા

બે દિવસ પહેલા બે મુખ્ય સૂત્રધારમાં એપ માલિક ધવલ પટેલ અને હિરેન શાહને ઓડિશાથી ધરપકડ કરવામાં આવી હતી. બંને આરોપીઓને ઓડિશાથી ફ્લાઇટ મારફત અમરેલી લાવવામાં આવ્યા હતા. તેની પૂછપરછ કર્યા બાદ લધુ એક આરોપી ભાવેશ અરવિંદ ધનેચાને ઝડપી લેવાયો છે. આ પૂર્વે સાયબર ટીમે આ કૌભાંડમાં સામેલ 6 આરોપીઓને જેલભેગા કર્યા હતા. હાલ આ કેસમાં કુલ 10 આરોપીઓ ઝડપાયા છે.

નાણા સગેવગે કરવા બનાવી બોગસ કંપનીઓ

રોકાણકારોના નાણાં સગેવગે કરવા અને લોન્ડરિંગ માટે આરોપીઓએ વિવિધ 7 બોગસ (શેલ) કંપનીઓ ઊભી કરી હતી.
1- એસ.ડી. હબ (ઓપીસી) પ્રા. લિ.
2- શિવ ધરતી કોમ્યુનિકેશન પ્રા. લિ.
3- શિવધરતી ટેકનોલોજી પ્રા. લિ.
4- ઉપાય ડિજી પેમેન્ટ ઈન્ડિયા લિ.
5- UPAY DIGI ઈન્ડિયા પ્રા. લિ.
6- યુ પેમેન્ટ ઈન્ડિયા લિમિટેડ
7- હસ્ટલેનેસ્ટ પ્રાઈવેટ લિમિટેડ

શેલ કંપનીઓ બનાવી 1598 કરોડની હેરફેર કરી

આ કંપનીઓના નામથી ખોલાવાયેલા 18 બેંક ખાતાઓમાં અંદાજે 1598 કરોડ રૂપિયા જમા થયા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત અન્ય આરોપીઓના વધુ 35 થી 40 બેંક ખાતાઓની તપાસ પણ ચાલી રહી છે. હાલ પોલીસ ટીમ દ્વારા ભોગ બનનારા રોકાણકારોના રૂબરૂ તથા ટેલિફોનિક નિવેદનો નોંધવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે.