SD PAY/APNA PAYમાં 1.75 લાખ રોકાણકારો ફસાયાઃ રૂા.634 કરોડનું ફ્રોડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અમરલી : સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ મારફતે ટૂંકા સમયમાં અસાધારણ નાણાકીય વળતર આપવાની લાલચ આપી લોકોને રોકાણ કરાવતી એસ.ડી. પે અને અપના પે એપ્લિકેશન આધારિત નાણાકીય ગેરરીતિનો અમરેલી સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ કેસમાં કંપનીના ડિરેક્ટર સહિત છ શખ્સોને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં નાણાં મેળવવા અને તેની હેરફેર માટે ઉભી કરાયેલી વિવિધ કંપનીઓના ૧૫ બેન્ક ખાતામાં રૂા.૬૩૪ કરોડ જેટલી રકમ જમા થયાનું સામે આવ્યું છે.
અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં તા.૨ સપ્ટેમ્બરના રોજ સાવરકુંડલાનાં વનિતાબેન મનુભાઈ મારૂએ ફરિયાદ નોંધાવી હતી કે, એસડી પે અને અપના પે એપ્લિકેશનનાં ધવલ પટેલ (માલિક), ડિરેક્ટર્સ આશિષભાઈ ગેડીયા (રહે. સુરત), ભાવેશભાઈ ચૌહાણ (રહે. સુરત) ઉપરાંત પ્રમોટરો, સંચાલકો, એજન્ટો અને અન્ય સહયોગીઓએ લોકોને દર મહિને ૯ ટકા રિટર્ન અને કેશબેક જેવા આકર્ષક વળતરની લાલચ આપીને શરૂઆતમાં થોડા રોકાણકારોને વળતર ચૂકવી વિશ્વાસ કેળવ્યા બાદ રૂા. ૧૦ લાખથી વધુની થાપણો એકત્ર કરી અચાનક એપ્લિકેશનની સેવાઓ બંધ કરી નાસી ગયા હતા. આ કેસમાં મોટી સંખ્યામાં લોકો સંકળાયેલા હોવાનું જણાતા મદદનીશ પોલીસ અધિક્ષક જયવીર ગઢવીના નેતૃત્વ હેઠળ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ)ની રચના કરીને તપાસનો ધમધમાટ ચાલુ કર્યો હતો.
પોલીસ તપાસમાં એક આરોપીના એસડી પે ખાતાની વિગતો તપાસતાં તેના રેફરલથી પ્રથમ લેયરમાં ૨૭૧ લોકોને રોકાણ કરાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ આ લોકો મારફતે અલગ-અલગ લેયરમાં રેફરલ કરાવી અંદાજે દોઢથી પોણા બે લાખ લોકોને એસડી પે સાથે જોડીને રોકાણ કરાવવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. વળી, પોલીસે પ્લે સ્ટોર પર એપ્લિકેશનની તપાસ કરતાં તેમાં ૧૦ લાખથી વધુ યુઝર જોડાયેલા હોવાનું પણ જણાયું છે, જેથી વાસ્તવિક રોકાણકારોની સંખ્યા અંગે વધુ તપાસ ચાલુ છે.
પોલીસ તપાસમાં નાણાં મેળવવા તથા તેની હેરફેર માટે એસ.ડી. હબ (ઓપીસી) પ્રા.લિ., શિવ ધરતી કમ્યુનિકેશન પ્રા.લિ., શિવધરતી ટેકનોલોજી પ્રા.લિ., યુ પે ડીજી પેમેન્ટ ઇન્ડિયા લિ., યુ પે ડીજી ઇન્ડિયા પ્રા.લિ., યુ પેમેન્ટ ઇન્ડિયા લિ. અને હસલનેસ્ટ પ્રા.લિ. નામની કંપનીઓ ઊભી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ કંપનીઓના નામે ૧૫ બેન્ક ખાતાંનો ઉપયોગ થયો હોવાનું અને તેમાં અંદાજે રૂા.૬૩૪ કરોડ જમા થયાનું પોલીસ તપાસમાં જણાયું છે. આ ઉપરાંત છ આરોપીઓ આશિષ ગેડિયા, ભાવેશ ધીરુ ચૌહાણ, નીશી સત્યનારાયણ પ્રસાદ, સોહિલ જીતેન્દ્ર મકવાણા, નિરવ અરવિંદ પટેલ અને સૂર્યસિંહ રાઠોડના અલગ-અલગ બેન્કોમાં ૩૦થી ૩૫ જેટલા વ્યક્તિગત બેન્ક ખાતાં પણ મળી આવ્યા છે. આ ખાતાઓ અંગે તપાસમાં સાયબર ફ્રોડનો આંકડો હજુ ઉંચો જવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.
- સાયબર ફ્રોડમાં પકડાયેલા છ આરોપીઓ
(૧) આશિષભાઈ છગનભાઈ ગેડિયા (ઉં.૩૮, વેપારી, રહે. સી-૨૦૨, સર્જન પેલેસ, ભરીમાતા રોડ, સિંગણપોર ચાર રસ્તા, કતારગામ, સુરત શહેર. મૂળ વતન વણોટ ગામ, તા. સાવરકુંડલા, જિ. અમરેલી.)
(૨) ભાવેશભાઈ ધીરુભાઈ ચૌહાણ (ઉં.૪૧, વેપારી, રહે. ૫૦૬, સંસ્કાર વિલા એપાર્ટમેન્ટ, નવા ફળિયા, કતારગામ, સુરત શહેર. મૂળ વતન ખોડિયારનગર, નેસડી રોડ, જયશ્રી ટોકીઝ પાછળ, સાવરકુંડલા, જિ. અમરેલી.)
(૩) નીશી સત્યનારાયણ પ્રસાદ (ઉં.૪૭, વેપારી, રહે. ૩, ડ્રીમલેન્ડ સોસાયટી, રાધનપુર રોડ, એરોડ્રામ પાસે, મહેસાણા. મૂળ વતન બંજરિયા ગામ, રાજ્ય બિહાર)
(૪) સોહિલભાઈ જીતેન્દ્રકુમાર મકવાણા (ઉં.૨૬, ખાનગી નોકરી, રહે. પારસ સોસાયટી, પોલીસ હેડક્વાર્ટર પાસે, મહેસાણા.)
(૫) નિરવકુમાર અરવિંદભાઈ પટેલ -શિહોરા (ઉં.૩૨, ખાનગી નોકરી, રહે. પટેલવાસ, પ્રતાપનગર, રાતેજ, બલોલ, જિ. મહેસાણા.)
(૬) સૂર્યસિંહ જગતસિંહ રાઠોડ-રાજપૂત (ઉં.૨૪, એસ.ડી. હબ કંપનીના ડિરેક્ટર, રહે. ગામ ખડાત મહુડી, તા. માણસા, જિ. ગાંધીનગર.) - ૧૨ બેંક એકાઉન્ટ સામે દેશભરમાંથી ૮૩ ફરિયાદો
આરોપીઓ અને કંપનીઓ સાથે સંકળાયેલા બેન્ક ખાતાઓની એન.સી.સી.આર.પી. પોર્ટલ પર તપાસ કરતાં કુલ ૧૨ બેન્ક ખાતાં સામે દેશભરમાંથી ૮૩ સાયબર ફ્રોડની ફરિયાદો મળી આવી હોવાનું પોલીસે જણાવ્યું છે. આ ફરિયાદોમાં દર્શાવાયેલી ફ્રોડની રકમ રૂા.૨૩,૦૮,૭૩,૫૬૭ છે, જ્યારે ડિસ્પ્યુટેડ રકમ રૂા.૭૬,૮૪,૯૨૬ હોવાનું અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે. જે મામલે હવે વધુ રોકાણકારોની તપાસ કરવામાં આવનાર હોવાનું પોલીસે જણાવ્યું છે. - દૈનિક કેશબેકથી બિલ પેમેન્ટ, મોબાઇલ રિચાર્જ વગેરે કરી શકાતા!
એસ.ડી. પે એપ્લિકેશનમાં રૂા.૧,૦૦૦થી રૂા.૨૫,૦૦૦ સુધીના રોકાણ પર દૈનિક કેશબેક આપવામાં આવતું હતું, જે કેશબેકનો ઉપયોગ એપ્લિકેશન મારફતે બિલ પેમેન્ટ, મોબાઇલ રિચાર્જ સહિતની સેવાઓમાં કરી શકાતો હતો. આ સાથે રેફરલ યોજનામાં નવા સભ્યો જોડાવા બદલ ૧૫ લેયર સુધી કેશબેક બોનસ આપવાની લાલચથી લોકોમાં વિશ્વાસ ઊભો કરવામાં આવ્યો હતો. - રોકાણમાં વળતરની લાલચનું ગણિત
રોકાણ દૈનિક વળતર
રૂા.૧,૦૦૦થી રૂા.૨૫,૦૦૦ ૦.૧૫ ટકા
રૂા.૨૫,૦૦૦થી રૂા.૧ લાખ ૦.૨૦ ટકા
રૂા.૧ લાખથી રૂા.૫ લાખ ૦.૨૫ ટકા
રૂા.૫ લાખથી વધુ ૦.૩૦ ટકા
રેફરલ યોજના ૧૫ લેયર સુધી બોનસ




