Alpviram

દંડ, અપમાન, સજા દ્વારા ભય ફેલાવવાની રાજનીતિ

By GS Team
13 Oct 20266 mins read
TukuTouch Logo
દિલ્હીમાં ભાજપ સરકાર સામે સંઘની દશા 'બાપ મટીને દીકરો થવા' જેવી થઈ છે. મોદીએ સંઘના 'વાઘનખ' મ્યુઝિયમમાં મોકલી આપ્યા છે. સરકારી નિર્ણયો સામે ભાજપમાં જ પડદા પાછળ એક નવી લોબી તૈયાર થઈ રહી છે. મોહન ભાગવત ભાજપને વફાદાર છે કે સંઘને, એ મોટો પ્રશ્ન છે. નવા ટ્રાફિક નિયમો સામે રાષ્ટ્રવ્યાપી વિરોધ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દંડ, અપમાન, સજા દ્વારા ભય ફેલાવવાની રાજનીતિ
  • અલ્પવિરામ
  • ભાજપ પાસે સંઘની દશા બાપ મટીને દીકરો થવા જેવી થઈ ગઈ છે. અથવા તો એમ કહેવાય કે સંઘનું વાઘછાપ અસ્તિત્વ જળવાયું છે પણ એના વાઘનખ મોદીએ કોઈ દીન અને દયાળુ મ્યુઝિયમમાં મોકલી આપ્યા છે

આજકાલ પાટનગર દિલ્હીમાં ઘડિયાળના કાંટા ઊંધા ફરી રહ્યા છે. સરકાર આજકાલ કોઈ એવા ઈલમની શોધમાં છે જેમાં આંદોલન થઈ જ ન શકે. વળી નવાઈ એ છે કે આવો વિચાર આંદોલનો કરીને સત્તા પર આવેલી સરકારનો મૌલિક વિચાર છે! ભાજપના નેતાઓની પ્રમુખ બદનામી એ છે કે સત્તામાં આવ્યા પછી કોઈ પણ સત્તાધારીને જે જે પ્રજાદમનના અને એકાધિકારના ખરાબ વિચારો આવે એ તમામ વિચારો આ નેતાઓને આવી ગયા છે અને એનું પ્રદર્શન પણ થઈ ગયું છે. શાસન વ્યવસ્થા કોઇ સામાન્ય વાત નથી. પ્રાચીનકાળથી દુનિયામાં અનેક સામ્રાજ્યોમાં અનેક પ્રકારની શાસન પ્રણાલિકાઓ માણસજાતે જોઈ છે અને ઈતિહાસમાં એ બધા પ્રયોગો અને અખતરાઓ વિસ્તારપૂર્વક આલેખાયેલા છે. જે જે શાસકોએ પ્રજા પર પોતાનું અધિકાધિક પ્રભુત્વ સ્થાપવાના મોહમાં વધુમાં વધુ અંકુશ રાખ્યા છે તે તમામ શાસકો તત્કાલીન પ્રજા માટે અને ઇતિહાસકારોની દ્રષ્ટિએ બહુ જ તિરસ્કૃત નીવડયા છે. કેટલાક જ શાસકો એવા હોય છે જે પ્રજાની સ્વતંત્ર સુખાકારીને ચાહતા હોય છે. એ સિવાય માત્ર પોતાની રાજસ્વીતાનું સુલતાની પ્રદર્શન કરનારા શાસકો સદાય વિવિધ રીતે પ્રજાને યાતના આપનારા સાબિત થયા છે. સૌથી નવાઇની વાત એ છે કે તેઓ જ્યારે પ્રજાને ઘોર પીડા આપે છે ત્યારે પણ તેઓ એવું જ સાબિત કરવાના પ્રયત્નમાં રહે છે કે અમે પ્રજાનું કલ્યાણ કરી રહ્યા છીએ. એટલું જ નહીં, પોતાના ત્રાસને પ્રજાકલ્યાણમાં ખપાવવા માટે તેઓ અસત્યગામી પ્રચારનો એક આખો સિલસિલો ચાલુ કરે છે.
છેલ્લા કેટલાક સમયથી ભાજપમાં એક નવી લોબી પરદા પાછળ તૈયાર થઈ રહી છે જે સૈદ્ધાંતિક રીતે એનડીએ સરકારના પ્રજાપીડનના નિર્ણયોનો ઉગ્ર વિરોધ કરે છે. સુબ્રમણ્યમ સ્વામીએ એમના પુસ્તકમાં ભલે કહ્યું કે મોદી અને શાહની આસપાસ સોનેરી-રૂપેરી ચમચા-ચમચીઓની ટોળકી ગોઠવાયેલી છે. પરંતુ મોદી-શાહની જાણ બહાર એક અલગ યુનિયન પણ આકાર લઈ રહ્યું છે જે કેન્દ્ર સરકારના વારંવારના કામચલાઉ, ઉભડક અને સાંધાટાંકા જેવા અલ્પબુદ્ધિયુક્ત નિર્ણયોની સતત ટીકા કરે છે. વારંવારના ખોટા અને ઉતાવળા નિર્ણયોથી ભાજપનું નેતૃત્વ હવે નબળું પડી ગયું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ અનેક મહત્ત્વની રાષ્ટ્રીય બાબતોમાં પોતાનો અભિપ્રાય ગુપ્ત રાખે છે. સંઘ વડા મોહન ભાગવત સંઘને વફાદાર છે કે ભાજપને ? એ મોટી સમસ્યા છે. ભાજપ પાસે સંઘની દશા બાપ મટીને દીકરો થવા જેવી થઈ ગઈ છે. અથવા તો એમ કહેવાય કે સંઘનું વાઘછાપ અસ્તિત્વ જળવાયું છે પણ એના વાઘનખ મોદીએ કોઈ દીન અને દયાળુ મ્યુઝિયમમાં મોકલી આપ્યા છે.
ટ્રાફિક સંબંધિત નવા તઘલખી અધિનિયમોનો વિરોધ રાષ્ટ્રવ્યાપી છે. અને કેન્દ્ર સરકાર એમ માને છે કે જે રીતે લોકોએ નોટબંધી સહન કરી લીધી, પ્રજાએ જીએસટીનો ત્રાસ સહન કર્યો, સરકારે અનેક બાબતોમાં ચલાવેલી અઠંગ ગપ્પાબાજી પણ સાંભળી લીધી, તેમ ગડકરીના ટ્રાફિક સંબંધિત તરંગો પણ પ્રજા સહન કરી લેશે. પરંતુ એ શક્યતા દેખાતી નથી. કારણ કે વ્યાવહારિક રીતે નવા નિયમોનો અમલ શક્ય જ નથી. કેન્દ્રની એનડીએ સરકારની દાનત હવે લોકો સમજવા લાગ્યા છે કે આ સરકારને વારંવાર આખા દેશને ઠેબે ચડાવવાની ટેવ છે. કોઈ ને કોઈ બહાને જનજીવન ડહોળવાનો ભાજપને શોખ હોય એમ દેખાય છે. ઘરેથી ન્હાઈધોઈને તૈયાર થઈ હરિનામ લઈ, પૂજાપાઠ કરી ઓફિસે જવા નીકળેલા એક્ઝિક્યુટિવને ચાર રસ્તે જે તુમાખીથી ્રટ્રાફિક પોલીસ અટકાવે છે એના કડવા ઘૂંટડા પી રહેલી પ્રજાએ હવે મિસ્ટર મોદી પ્રત્યેનો આદર ગુમાવી દીધો છે. નમો સરકાર મેમો સરકાર બની ગઈ છે. વિકાસ પાગલ થયો છે એ તો લોકોનો જુનો અનુભવ છે પરંતુ એ પાગલ વિકાસ હવે રસ્તા પર આવી ગયો છે.
બોર્ડર જેવી વોર-ફિલ્મને કારણે 'કવર' કરવાના નુસખાથી પ્રજા પરિચિત છે. જ્યારે દુશ્મનની હરોળ વિંધીને એમાં ઘુસવા માટે કોઈ સૈનિક આગેકૂચ કરતો હોય ત્યારે દુશ્મનનું ધ્યાન આડે પાટે ફંટાવવા માટે બીજી દિશામાં સખત ગોળીબાર કરવામાં આવે. આ ક્રિયાને 'કવર કરવું' એમ કહેવાય. સર્જીકલ સ્ટ્રાઈકને ચૂંટણીપ્રચારમાં પણ વાપરનારી સરકાર હવે કવર કરવામાં માસ્ટર બની ગઈ છે. પ્રજાનું ધ્યાન અન્યત્ર કેમ ફંટાવવું એ કળા દિલ્હી સરકારને હસ્તગત થઈ ગઈ છે. દેશમાં મંદી છે, ઘણી ફેક્ટરીઓ બંધ થાય છે, કોર્પોરેટ સેકટરમાંથી કર્મચારીઓને છુટ્ટા કરવામાં આવે છે એવા સમયે સરકાર એના એકાદ ઉચ્ચાધિકારીના રાજીનામા પર વટ કરે છે ને આંદોલનકારીઓને હવા આપે છે. થોડાક જ દેખાવમાં લોકો કેટલા બધા સળગતા પ્રશ્નો વીસરી જાય છે. સરકારી વાજિંત્ર બની ગયેલા મહત્ મીડિયા સત્તાની આરતી ઊતારવામાંથી ઊંચા આવતા નથી.
મોદી સરકાર જ્યારથી સત્તામાં આવી છે ત્યારથી તે એવા જ ત્ર્ણયો લે છે જેની સીધી અસર દરેકે દરેક માણસને થાય. નિર્ણય એવો જ લેવાનો કે તે નિર્ણયની ઝપટમાં છેવાડાનો માણસ પણ આવી જાય એ જ સરકારની નેમ છે. નોટબંધીએ એકેએક માણસને લાઈનમાં ઉભો રાખી દીધા. બધાએ પોતાની તિજોરીમાંથી, ખિસ્સામાંથી, પાકીટમાંથી કે રસોડાની બરણીમાં છુપાવીને રાખેલા બચતના પૈસા જમા કરાવવા દોડવું પડયું. એના પછી જીએસટીના અણઘડ અમલીકરણે કરોડો વેપારીઓને મુશ્કેલીમાં મુક્યા. આ દરમિયાન જ દબાતા પગલે એવો નિયમ પણ અમલમાં મુકવામાં આવ્યો કે દરેક ટુ-વ્હીલરની હેડલાઈટ ફરજિયાત ચાલુ રહે. પબ્લિકને સરકારી નિર્ણયમાં સતત કેમ એન્ગેજ રાખવી એ જ સરકાર વિચારે છે.
સરકાર સતત પ્રજા માટે કઇંક કરી રહી છે એ ખ્યાલ લોકમાનસના અર્ધજાગૃત મનમાં ઠસાવી દેવા માટે મોદી સરકાર તત્પર છે. બધી ચલણી નોટોની નવી ડિઝાઇન બનાવવા પાછળ સિક્યોરિટી ફીચર્સના ઉમેરાને કારણ તરીકે દર્શાવાય છે પણ ચલણી નોટોની નવી ડિઝાઇનમાં ઇન્ડિયન એસ્થેટિક્સ એટલે કે ભારતીય સૌંદર્યશાસ્ત્રનો સંપૂર્ણ લોપ છે અને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર બિલકુલ આકર્ષક ન લાગે એવા રંગરૂપ છે. પ્રજાને સતત અદ્રશ્ય ટાંકણી ભોંકવી એ મોદી પ્રચારનું સાયલન્ટ સ્વરૂપ છે. ભાજપના જ કોઈ નેતા ગુરુત્વાકર્ષણની શોધ માટે આઇનસ્ટાઇનને ક્રેડિટ આપે કે નિર્મલા મેડમ ઓટો સેક્ટરની મંદી માટે ટેક્સી સર્વિસને જવાબદાર ઠેરવે. પણ અનેક તુઘલખી નિર્ણયના હાઉ નીચે મંદીને ભુલાવવાના પ્રયાસો થઈ રહયા છે. તે જ રીતે મોદી સરકારની સમસ્યા મંદી નથી. લોકોને મંદી કેમ ભૂલવાડવી એને તેઓ સમસ્યા માને છે અને એ જ દેશની સૌથી મોટી કરૂણતા છે. દરેક અન્ય શાસકોની જેમ હવે ભાજપ પણ માને છે કે પ્રજાને ક્યાં કંઈ ખબર પડે છે ! દરેક રાજનેતા આજકાલ પ્રજાને બેવકૂફ બનાવવા માટેનું સખત હોમવર્ક કરીને પછી જ માઈક પર આવે છે.
દેશના મોટાભાગના વાહનચાલકો મેમોના ભાર નીચે દબાઈ ગયા છે. દુબઇ કે ન્યુઝીલેન્ડ કે સિંગાપોર જેવા શહેરો-દેશો પ્રમાણમાં નાના છે, ત્યાં દ્વિચક્રીય વાહનોની સંખ્યા બહુ જ ઓછી છે અને ટ્રાન્સપોર્ટેશનનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બહુ જ મજબૂત છે. ભારતમાં ઘણા સિગ્નલો બગડેલા હોય છે, દર ચોમાસે રસ્તા ધોવાઈ જાય છે, રોડ ઉપરની સાઈનો દોરેલી નથી કે ઝાંખી થઈ ગઈ છે. રસ્તા વચ્ચે ઉભા કરેલા દબાણોનો ઉકેલ આવ્યો નથી. વ્યસ્ત રસ્તાઓ ઉપર કે મુખ્ય માર્કેટમાં પાર્કિંગની જગ્યા ફાળવવામાં આવી નથી. ચાર રસ્તાઓ ઉપર અકસ્માત નિવારવા માટે જરૂરી એવા સર્કલ પૂરતી સંખ્યામાં બનાવવામાં આવ્યા નથી. સાયકલ સવારો માટે અલાયદો રસ્તો છે નહીં. ફૂટપાથ ઉપર કેબીનો છે. ચાલીને જનારા રાહદારીઓને અગ્રીમતા આપવા માટે કોઈ જોગવાઈ નથી.