Ahmedabad

'આજે રાત્રે તમારું ગેસ કનેક્શન કપાઈ જશે...', આવો મેસેજ આવ્યો હોય તો સાવધાન, અમદાવાદમાં વૃદ્ધે 3.96 લાખ ગુમાવ્યાં

By GS Team
4 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના ઓઢવમાં 60 વર્ષીય નિવૃત્ત કેતનભાઈ પંચાલ સાથે રૂ. 3.96 લાખની સાયબર છેતરપિંડી થઈ. અદાણી ગેસના નામે ગઠિયાઓએ 'ગેસ કનેક્શન બંધ થઈ જશે' કહી ડરાવ્યા. માત્ર રૂ. 13નું બિલ ભરવાના બહાને એપ્લિકેશન દ્વારા બેંક વિગતો મેળવી, તેમના 3 ખાતામાંથી લાખો રૂપિયા ઉપાડી લીધા. ઓઢવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'આજે રાત્રે તમારું ગેસ કનેક્શન કપાઈ જશે...', આવો મેસેજ આવ્યો હોય તો સાવધાન, અમદાવાદમાં વૃદ્ધે 3.96 લાખ ગુમાવ્યાં

Ahmedabad Crime news : અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં અદાણી ગેસના નામે છેતરપિંડી કરતી ટોળકીએ નિવૃત્ત વૃદ્ધને ‘રાત્રે ગેસ કનેક્શન બંધ થઈ જશે’ તેવો ડર બતાવી ઓનલાઇન પ્રોસેસના બહાને બેંક ખાતાઓમાંથી રૂ. 3.96 લાખ પડાવી લીધા હતા. માત્ર રૂ. 13નું બિલ અપલોડ કરવાના નામે અજાણ્યા ગઠિયાઓએ એપ્લિકેશન મારફતે વૃદ્ધની બેંક વિગતો મેળવી સાયબર ફ્રોડ આચર્યું હતું.

ઓઢવ વિસ્તારમાં રહેતા 60 વર્ષીય કેતનભાઈ પંચાલ નિવૃત્ત જીવન વિતાવે છે. ગત 27 ઓગસ્ટે તેઓ ઘરે હાજર હતા ત્યારે તેમની પત્નીના મોબાઇલમાં અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ આવ્યો હતો. આ મેસેજમાં ‘આજે રાત્રે તમારા ઘરનું ગેસ કનેક્શન બંધ થઈ જશે’ તેવી ચેતવણી અપાઈ હતી. ચિંતિત થઈને કેતનભાઈએ તે નંબર પર કોલ કર્યો હતો, પરંતુ સામેથી કોલ કટ કરી દેવાયો હતો. થોડી જ વારમાં અજાણ્યા નંબર પરથી તેમના પર વીડિયો કોલ આવ્યો હતો.

કોલ કરનારે પોતે અદાણી ગેસ કંપનીમાંથી વાત કરતો હોવાની ઓળખ આપી હતી. તેણે જણાવ્યું હતું કે ગેસનું છેલ્લું બિલ અપલોડ થતું નથી, તેથી કનેક્શન ચાલુ રાખવા માટે તાત્કાલિક ₹13 ઓનલાઇન ભરવા પડશે. ગઠિયાએ કેતનભાઈના ફોનમાં એક એપ્લિકેશન ખોલાવી રૂપિયા ટ્રાન્સફર કરવાની પ્રોસેસ કરાવી હતી, જોકે પ્રથમ પ્રયાસે પેમેન્ટ ફેલ ગયું હતું. ત્યારબાદ ગઠિયાએ અન્ય બેંક ખાતાઓમાંથી પ્રયાસ કરવાના બહાને એક પછી એક ત્રણ બેંક ખાતાની તમામ વિગતો એપ્લિકેશનમાં દાખલ કરાવી લીધી હતી.

આ પ્રક્રિયા પૂર્ણ થતાં જ કેતનભાઈના ખાતાઓમાંથી નાણાં કપાયાના મેસેજ આવવા લાગ્યા હતા અને કુલ રૂ.3,96,000 ઉપડી ગયા હતા. ઠગાઈનો ભોગ બન્યાનો અહેસાસ થતાં તેમણે તાત્કાલિક ઓઢવ પોલીસ સ્ટેશન પહોંચી અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

મોડસ ઓપરેન્ડી: માત્ર રૂ. 13ની લાલચ આપી મોબાઈલ સ્ક્રીન એક્સેસ મેળવી….

સાયબર ગઠિયાઓ સામાન્ય રીતે આવી છેતરપિંડીમાં પીડિતને ડરાવીને ‘ક્વિક સપોર્ટ’ કે ‘એનીડેસ્ક’ જેવી સ્ક્રીન શેરિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરાવે છે. રૂ. 13 જેવી નજીવી રકમ ભરાવવાના બહાને ગઠિયાઓ પીડિતના સ્ક્રીન પાસવર્ડ, બેંક એકાઉન્ટ ડિટેલ્સ અને છેલ્લે આવતો OTP રીડ કરી લે છે અને મિનિટોમાં ખાતું ખાલી કરી નાખે છે.