Ahmedabad

અમદાવાદ: ગરબા જોવા જતાં મહિલા કોર્પોરેટરના પરિવાર સાથે મારામારી, સાઇડ ન આપવાની સામાન્ય બાબતે ઝઘડો, 3ની ધરપકડ

By GS Team
18 Oct 20263 mins read
TukuTouch Logo
અમદાવાદના ફતેવાડી કેનાલ પાસે મહિલા કોર્પોરેટરના પરિવાર પર હુમલો થયો. ગરબા જોવા જતી વખતે વાહન સાઈડ આપવા બાબતે શોએબ શાહ ફકીર અને તેના મિત્રોએ ઝઘડો કર્યો. શોએબ શમાએ કોર્પોરેટર સાથે છેડતી પણ કરી. વેજલપુર પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: ગરબા જોવા જતાં મહિલા કોર્પોરેટરના પરિવાર સાથે મારામારી, સાઇડ ન આપવાની સામાન્ય બાબતે ઝઘડો, 3ની ધરપકડ

Ahmedabad Corporator Family Attack: અમદાવાદના ફતેવાડી કેનાલ પાસે એક મહિલા કોર્પોરેટર સાથે છેડતીનો ગંભીર મામલો સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગઈકાલે શનિવારે(17 ઓક્ટોબર) રાત્રે જ્યારે મહિલા કોર્પોરેટર પોતાના પરિવાર સાથે ગરબા જોવા જતા હતા, ત્યારે રસ્તામાં વાહન હટાવવા અને સાઇડ આપવા બાબતે સામાન્ય તકરાર થઈ હતી. ગરબામાં જતા સમયે કોર્પોરેટરના દીકરાએ એક યુવકને પોતાનું વાહન પસાર કરવા માટે સાઇડ ન આપતા આ રકઝક શરૂ થઈ હતી, જેણે થોડી જ વારમાં મોટો વિવાદ ઊભો કરી દીધો હતો અને મામલો ગરમાયો હતો.

ગરબા જોવા જતાં મહિલા કોર્પોરેટરના પરિવાર સાથે મારામારી

આ વાહન વ્યવહારની રકઝક બાદ શોએબ શાહ ફકીર નામના યુવકે સરખેજ નજીક પોતાના અન્ય મિત્રોને બોલાવીને ભારે બબાલ શરૂ કરી દીધી હતી. આ ઘર્ષણ દરમિયાન અન્ય એક આરોપી શોએબ શમાએ મહિલા કોર્પોરેટર સાથે બિભત્સ ચેનચાળા કરીને તેમની છેડતી કરી હતી. આ શરમજનક ઘટના સંદર્ભે વેજલપુર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા, પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને કુલ 3 આરોપીઓ સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી લીધી છે અને આગળની તપાસ હાથ ધરી છે.

સાઇડ ન આપવાની સામાન્ય બાબતે ઝઘડો

આ અંગે પોલીસે જણાવ્યું કે, વેજલપુર પોલીસ સ્ટેશનમાં કોર્પોરેટર સાથે થયેલી માથાકૂટ અંગે ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવમાં કોર્પોરેટર, એમનો દીકરો, દીકરાનો મિત્ર અને એમની પત્ની બધા ઈસનપુરથી આશરે 10 વાગે ગરબા જોવા નીકળ્યા હતા. તેઓ ગૂગલ મેપના જણાવેલા ફતેવાડી કેનાલ વાળા શોર્ટકટ રસ્તેથઈ જઈ રહ્યા હતા. તેવામાં થોડે આગળ જતાં એક વાહન ચાલક મોબાઈલ પર વાત કરી રહ્યો હતો અને 2થી 4 વાર હોર્ન વગાડવા છતાં સાઈડ આપતો નહોતો. કોર્પોરેટરના દીકરાએ ગાડી ઊભી રાખીને યુવકને નીચે ઉતરવાનું કહ્યું અને સાઈડ કેમ નથી આપતા એમ પૂછતાં યુવકે ગાળાગાળી શરૂ કરી અને મારામારી કરી હતી. તે સમયે લોકો એકઠા થઈ જતાં મામલો થાળે પાડીને ગાડી આગળ રવાના કરવામાં આવી હતી.

ત્યારબાદ આગળ સરખેજ જવાના ટર્નિંગ પાસે એ વાહન ચાલકે ફરી રસ્તો રોકી લીધો હતો. એણે ફોન કરીને પોતાની સાસુ અને 2 મિત્રોને ત્યાં બોલાવી લીધા હતા, જેમણે ગાડી રોકીને ગાળો બોલી ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. કોર્પોરેટરે કાચ ખોલીને સમજાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે સામેવાળાએ હાથ પકડીને બહાર ખેંચવાનો પ્રયાસ કર્યો હતો, જેથી એમણે હાથ છોડાવી કાચ બંધ કરી દીધો હતો. ત્યારબાદ આરોપીએ કાચ તોડવાના અને દરવાજો ખોલવાના પ્રયાસ કર્યા હતા. ગાડીનો સાઈડ મિરર પણ તોડી નાખ્યો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી. આથી કોર્પોરેટરે 112 નંબર પર ફોન કર્યો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

3 આરોપીની ધરપકડ

ત્યારબાદ પીડિતોએ પોલીસ સ્ટેશન આવીને સમગ્ર ઘટના અંગે વિગતવાર ફરિયાદ આપતા ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ફરિયાદમાં કુલ 3 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં એક શોએબ શાહ ફકીર નામજોગ હતો અને બાકીના અન્ય બે શખસો હતા. પોલીસે પોતાની બાતમીના આધારે રાત્રે જ કાર્યવાહી કરીને આ ત્રણેય શખસોને પકડી પાડ્યા હતા. પકડાયેલા 3 શખસો પૈકી કોઈનો અગાઉનો ગુનાહિત ભૂતકાળ છે કે કેમ તેની પણ તપાસ ચાલી રહી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.