મકાનમાલિક-ભાડૂઆત વિવાદ કોર્ટ બહાર જશે? નવા ભાડા બિલ સામે વકીલો આરપારની લડાઈના મૂડમાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Rent Bill 2026: રાજ્ય સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ ગુજરાત ભાડા બિલ-2026ના વિરોધમાં અમદાવાદ સહિત રાજ્યભરની મોટાભાગની તમામ કોર્ટોમાં વકીલોની હડતાળ અને આંદોલનમાં મજબૂત વળાંક આવ્યો છે. વકીલોની લડતમાં હવે ગુજરાત બાર કાઉન્સિલ મેદાને છે. વકીલોની હડતાળને લઈ ગુજરાત બાર કાઉન્સિલની એક મહત્ત્વની બેઠક વર્ચ્યુઅલી તાકીદના ધોરણે બોલાવાઈ હતી અને ભાડા વિધેયક વિષય સંબંધી તમામ પાસાઓ પર ચર્ચા વિચારણાના અંતે બાર કાઉન્સિલે વકીલોની લડતને ખુલ્લું સમર્થન જાહેર કર્યું હતું અને પાંચમી ઓક્ટોબર એટલે કે, સોમવારથી રાજ્યભરમાં વકીલોની અચોક્કસ મુદતની હડતાળની મોટી ઘોષણા કરી હતી.
કોર્ટ પરિસરની બહાર જ ઉગ્ર દેખાવો કરાશે
ગુજરાત બાર કાઉન્સિલે વિધેયકના વિરોધમાં પાંચમી ઓક્ટોબરથી રાજ્યના તમામ વકીલમંડળોની આગેવાનીમાં વકીલોને ગુજરાતભરની તમામ કોર્ટો, ટ્રિબ્યુનલ્સ, ન્યાયિક અને અર્ધન્યાયિક સત્તામંડળ, રેવન્યુ કચેરીમાં ચાલતા કેસોમાં કોર્ટ કામકાજથી અળગા રહી જે તે કોર્ટ પરિસરની બહાર જ ઉગ્ર દેખાવો અને કાર્યક્રમો યોજવા જણાવ્યું છે. બાર કાઉન્સિલે વકીલઆલમને એવી પણ જાહેર અપીલ કરી છે કે, જ્યાં સુધી આ પ્રશ્નનું સંતોષકારક નિરાકરણ ના આવે ત્યાં સુધી વકીલમંડળોના હોદ્દેદારો અને વકીલ આગેવાનોએ લડતમાં આગળ રહી ખૂબ મોટી સંખ્યામાં વકીલોને એકત્ર કરી આશ્ચર્યજનક વિરોધ પ્રદર્શન કરવા પણ તાકીદ કરી છે.
અમદાવાદ સહિત રાજ્યભરમાં વકીલોએ આજે પણ કોર્ટ કામગીરીનો બહિષ્કાર કરી સજ્જડ અને જડબેસલાક હડતાળ જારી રાખી હતી.
જિલ્લા-તાલુકા મથકોની કોર્ટો ખાતે તો કેટલીક જગ્યાએ વકીલોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ શેતરંજી પાથરી અડીંગો જમાવી ધરણાં યોજ્યા હતા તો ક્યાંક વળી, બેનરો સાથેના દેખાવો, સૂત્રોચ્ચાર અને તાળાબંધીનો કાર્યક્રમ અપાયો હતો. વકીલોની બાઈક રેલીને પોલીસ તરફથી આજે મંજૂરી નહીં મળતાં હવે તા.૫મી ઓક્ટોબરે એટલે કે, સોમવારે વિશાળ બાઈક રેલીનું આયોજન કરાયું છે. જેમાં સેંકડો વકીલો જોડાવાની શક્યતા છે.
વકીલોની મુખ્ય માંગણીઓ
•વકીલો અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની માંગ છે કે સરકારે આ નવું ભાડા બિલ તાત્કાલિક અસરથી પાછું ખેંચાય.
•મકાનમાલિક અને ભાડૂઆત વચ્ચેના વિવાદોના કેસો સાંભળવાની અને ચૂકાદો આપવાની સત્તા માત્ર ન્યાયતંત્ર (કોર્ટ) પાસે જ રહેવી જોઈએ, વહીવટી કે સરકારી અધિકારીઓ પાસે નહીં.
ગુજરાત હાઈકોર્ટ એડ્વોકેટ એસો.ની પણ સોમવારે બેઠક
ગુજરાત ભાડા વિધેયકના વિરોધમાં વકીલો પોતાની લડત પર મક્કમ છે અને કોઈપણ ભોગે નમતું જોખવા તૈયાર નથી. આજે ગુજરાત બાર કાઉન્સિલ જાતે હવે વકીલોને પડખે આવીને ઊભી રહી ગઈ છે તો સોમવારે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસીયેશનની પણ અગત્યની બેઠક બોલાવવામાં આવી છે, જેમાં ભાડા વિધેયકના વિરોધમાં છેલ્લા ત્રણ દિવસથી લડત અને આંદોલન ચલાવી રહેલા વકીલોના સમર્થનમાં હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસીએશન પણ પોતાનું સમર્થન જાહેર કરે અને હડતાળમાં જોડાય તેવી પણ શક્યતા છે.
બાર કાઉન્સિલનું પ્રતિનિધિમંડળ મુખ્યમંત્રી અને કાયદામંત્રી સાથે મુલાકાત કરશે
ભાડા બિલના સળગતા પ્રશ્ને ગુજરાત બાર કાઉન્સિલનું પ્રતિનિધિમંડળ આગામી દિવસોમાં રાજ્યના મુખ્યમંત્રી અને કાયદામંત્રી સાથે મુલાકાત કરશે અને મિલકત તકરાર-ભાડા સંબંધિત કેસોના જ્યુડિશિયલ ઓથોરિટી એટલે કે, સિવિલ કોર્ટ અને સ્મોલ કોઝ કોર્ટ પાસેથી આંચકી એડમીનીસ્ટ્રેટીવને આપી દીધી છે, તે જોગવાઈમાં સુધારો કરી જ્યુડિશિયલ ઓથોરિટીને તેની સત્તા પરત કરવા ગંભીર રજૂઆત કરાશે. ગુજરાત બાર કાઉન્સિલે સરકારને ખુલ્લી ચેતવણી આપી છે કે, જ્યાં સુધી વકીલોની આ માંગણીનું સુખદ નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ગુજરાતભરમાં વકીલોનો ભાડા બિલ-2026 સામેનો ઉગ્ર વિરોધ અને અચોક્કસ મુદતની હડતાળ ચાલુ રહેશે.




